(એજન્સી) ચેન્નાઇ, તા. ૨
દક્ષિણના રાજ્ય તમિલનાડુમાં ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમિન (એઆઇએમઆઇએમ)એ પગપેસારો કરતા કોંગ્રેસે રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીઓમાં મુસ્લિમ મતોમાં વિભાજનને રોકવા માટે પ્રયાસ કરવાના શરૂ કરી દીધા છે. અસદુદ્દીન ઓવૈસી રાજ્યમાં કેટલાક દબદબાવાળા વિસ્તારોમાં અંકુશ ધરાવે છે અને આગામી વિધાનસભા ચૂંટણીઓમાં સંભવિત જીતના દાવેદાર ડીએમકે સાથે ભાગદારી કરવા માંગે છે. બીજી તરફ ડીએમકેની જૂની સાથીદાર કોંગ્રેસે એઆઇએમઆઇએમની ઘૂસણખોરીથી મુસ્લિમ મતોમાં વિભાજન ના થાય તે માટે સમુદાયને એક કરવાના પ્રયાસો ઝડપી બનાવ્યા છે. બિહારમાં એમઆઇએમના પ્રવેશથી મતોમાં વિભાજનને કારણે ભાજપની આગેવાનીવાળા એનડીએ ગઠબંધનને પાતળી સરસાઇ મળી હોવાથી આરજેડીના ગઠબંધને ઓવૈસીની ટીકા કરી હતી. હૈદરાબાદના સાંસદે હવે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. હવે મુસ્લિમ મતોમાં ભાગલા ના પડે તે માટે કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરીએ રાજ્યોની કોંગ્રેસને સ્થાનિક મુસ્લિમ પાર્ટીઓ સાથે ગઠબંધન કરવાનું કહ્યું છે. તમિલનાડુના એક અખબાર સાથે વાત કરતાં કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવે કહ્યું હતું કે, હિંદુ અને મુસ્લિમોના સંયુક્ત સંઘર્ષને પગલે ભારતને આઝાદીની લડતમાં વિજય મળ્યો હતો. ભાજપ અને તેના સાથીઓને હરાવવા માટે હિંદુ-મુસ્લિમ એકતા જરૂરી છે જેઓ હાલ બ્રિટિશની જેમ ભાગલાવાદી વ્યૂહરચનાને પ્રોત્સાહન આપી રહ્યા છે. તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોમાં ભાગલા પાડવાનો આદેશ અપાયો છે. તમિલનાડુમાં ઓવૈસીની પાર્ટીના પ્રવેશથી કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે મિશન શરૂ કર્યો છે. કોંગ્રેસે તમિલનાડુના નવ જિલ્લાઓમાં સીએએ વિરોધી રેલીઓ પણ કાઢી હતી. જેમાં થિરૂનલવેલી, મદુરાઇ અને સાલેમનો સમાવેશ થાય છે, જ્યાં મુસ્લિમોની સારી એવી છે. ડીએમકે સહિતની અન્ય સ્થાનિક મુસ્લિમ પાર્ટીઓ આ મિશનમાં જોડાય તેવી શક્યતા છે. ડીએમકે સાથે બે મુસ્લિમ પાર્ટીઓમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ અને પ્રોફેસર જવાહરૂલ્લાહ મનિથાનેયા મક્કલ કાચીનો સમાવેશ થાય છે. અન્ય મુસ્લિમ પાર્ટીઓ પણ આ વખતે ડીએમકેને સમર્થન આપવા માંગે છે. ઓવૈસીની પાર્ટી આ વખતે તમિલનાડુમાં ડીએમકેની આશા પર પાણી ફેરવવા માગે છે પરંતુ હજુ તેને રાજ્યમાંં કોઇ સ્થાનેથી સકારાત્મક પ્રતિક્રિયા મળી નથી. ભાજપ ડીએમકેને હિંદુ વિરોધી ગણાવવાનો પ્રયાસ પ્રચારમાં કરી શકે તેથી ડીએમકે સાથીદાર પસંદ કરવામાં દરેક પગલું સંભાળીને ભરી રહી છે.