Site icon Gujarat Today

ભારત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી ટેસ્ટ રમવા તૈયાર નથી…!!

ચોથી ટેસ્ટ પહેલાં ક્વોરન્ટીનમાં રહેવા રાજી નથી, શ્રેણી બોયકોટ કરશે તેવો ભય

મેલબર્ન,તા.૩
ભારત અત્યારે ઓસ્ટ્રેલિયા પ્રવાસે ટેસ્ટ સીરિઝ રમી રહ્યું છે. ૪ ટેસ્ટની સીરિઝમાં ૨ મેચ રમાઈ છે અને શ્રેણી ૧-૧ની બરાબરી પર છે. ત્રીજી ટેસ્ટ ૭ જાન્યુઆરીએ સિડની અને ચોથી ટેસ્ટ ૧૫ જાન્યુઆરીએ બ્રિસ્બેનમાં રમાવવાની છે. બ્રિસ્બેનમાં કોરોનાના કેસ વધુ હોવાથી ટીમ ઇન્ડિયાએ સ્ટ્રીક્ટ ક્વોરન્ટીનમાં જવું પડશે. મહેમાન ટીમે આ બાબતે વાંધો ઉઠાવ્યો છે અને હવે સીરિઝ કઈ રીતે આગળ વધશે તે અંગે મૂંઝવણ છે. ઓસ્ટ્રેલિયન મીડિયાના રિપોટ્‌ર્સ અનુસાર શ્રેણી બોયકોટ થાય તેવો ભય છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ સોમવારે ન્યૂ સાઉથ વેલ્સ જશે, જ્યાં રવિવારે કોરોનાના ૮ નવા કેસ નોંધાયા છે. કવિન્સલેન્ડ (બ્રિસ્બેન- ચોથી ટેસ્ટ અહીં રમાશે)એ ન્યૂ સાઉથ વેલ્સ સાથેની બોર્ડર બંધ કરી દીધી છે. અગાઉ એગ્રીમેન્ટમાં નક્કી કરાયું હતું કે, ચોથી ટેસ્ટ માટે ખેલાડીઓને બ્રિસ્બેન જવા દેવાની છૂટ આપવામાં આવશે, પરંતુ હજી એ સ્પષ્ટ નથી કે ત્યાં જઈને ખેલાડીઓને ક્વોરન્ટીનમાં કેટલો સમય રહેવું પડશે.
ઓસ્ટ્રેલિયન મીડિયામાં રિપોટ્‌ર્સ ફરી રહ્યા છે કે જો બ્રિસ્બેનમાં લોકડાઉનમાં રહેવાનું કહેવામાં આવશે તો ખેલાડીઓ સહમત નહિ થાય અને તે માટે ઇનકાર કરશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ખેલાડીઓ આઇપીએલ શરૂ થયું ત્યારથી એટલે કે છેલ્લા ૫ મહિનાથી ક્વોરન્ટીન કે કોઈ પ્રકારના બબલમાં જ રહી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ પણ ટીમ ૧૪ દિવસ ક્વોરન્ટીનમાં રહી હતી.

Exit mobile version