Site icon Gujarat Today

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા શિક્ષિત બેરોજગારોની નોંધણી હાથ ધરાઈ

ભાવનગર,તા.૧૭
ભાવનગરના ઘોઘાગેઈટ ચોક ખાતે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બેરોજગાર યુવાનોના ફોર્મ અને રજિસ્ટ્રેશન કરવાનો પ્રોગ્રામ આપવામાં આવ્યો હતો. સવારે ૧૦થી સાંજના ૬ સુધીમાં અંદાજે ભાવનગર શહેરના ૧૫૦૦ ઉપરાંત બેરોજગાર યુવાનોએ પોતાના નામોની નોંધણી કરાવી હતી. કોંગ્રેસના આ કાર્યક્રમને સારી એવી સફળતા સાંપડી હતી. કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ સવારથી આ ઝુંબેશ હાથ ધરી હતી.
કોંગ્રેસના આગેવાનોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હાલમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ભાજપના રાજમાં યુવાનોને સામાન્ય રોજગારી પણ મળતી નથી તેવા સમયે ન છુટકે ઘણા યુવાનો ભાવનગરમાંથી સ્થળાંતર કરે છે. આવા બેરોજગાર યુવાનોને આગામી ચૂંટણીઓમાં ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો રોજગારી અથવા તો માસિક બેરોજગારી ભથ્થું ચૂકવાશે તેવું વચન આપવામાં આવ્યું છે. જેમાં ધો.૧૨ સુધી અભ્યાસ કરેલા બેરોજગારોને રૂા.૩૦૦૦ તથા ગ્રેજ્યુએટ ને રૂા.૩૫૦૦ તથા પોસ્ટ ગ્રેજ્યુએટને રૂા.૪૦૦૦ સુધીનું બેરોજગારી ભથ્થું અપાશે. આ ઉપરાંત લઘુ ઉદ્યોગ માટે ઓછા વ્યાજની લોન મળી રહે તે માટે નવસર્જન યુવા રોજગાર અભિયાન અંતર્ગત ભાવનગરના ઘોઘા ગેઈટ ચોક ખાતે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બેરોજગાર યુવાનોની નોંધણી કરવાનો કાર્યક્રમ અપાયો હતો. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશ જોષી, ભાવ.મ્યુ.વિરોધપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ, શહેર નિરક્ષક પી.ટી.શાહ, સહિતના આગેવાનો અને કોંગી કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બેરોજગારોના ફોર્મ ભરવામાં આવ્યા હતા.

Exit mobile version