(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના બિનશૈક્ષણિક કર્મચારીઓને પોતાના હકના લાભો સંસ્થા તરફથી આપવામાં આવતા નથી. એમ સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીએ જણાવ્યું હતું. ગત તા.૧૪ જૂનના રોજ નિવૃત્ત થયેલ કર્મચારીઓની ખાલી જગ્યાઓ પુરવા માટે જે કર્મચારીઓ પ્રમોશન પાત્ર હોય છે. પરંતુ ૩ માસ પછી પણ પ્રમોશન ન આપતા તેમના હકના લાભોથી વંચિત રાખીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ બાબતનો ચોક્કસપણે ઉકેલ લાવી નિર્ણય લઈ પ્રમોશન પાત્ર બિનશૈક્ષણિક કર્મચારીઓને પ્રમોશન આપી અન્યાય થતો અટકાવી શકાય છે. જો આગામી તા.રર/૯/૧૭ના રોજ થનાર સિન્ડિકેટની સભામાં પ્રમોશનને પાત્ર બિનશૈક્ષણિક કર્મચારીઓની બાબત પર વિચારણા કરી નિર્ણય લેવામાં આવે અને આ વાંધા અરજીઓનો ૧-ર દિવસમાં નિકાલ કરી આખરી પ્રવર્તતાયાદી પ્રસિદ્ધ કરી પસંદગી સમિતિની ભલામણનો રિપોર્ટ સિન્ડિકેટની સભામાં મૂકવામાં આવે એમ ભાવેશ રબારીએ જણાવ્યું હતું અને જેમ કોઈ ટીચિંગ સ્ટાફમાંથી કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે રથી ૩ દિવસમાં ટીચિંગની ખાલી પડેલ જગ્યા પ્રમોશનથી ભરી દેવામાં આવે છે. તેવી જ રીતે નોન ટીચિંગ સ્ટાફમાંથી કર્મચારી નિવૃત્ત થાય તો તેની ખાલી પડેલ જગ્યા પણ રથી ૩ દિવસમાં ભરી દેવામાં આવે એવી અપેક્ષા કુલપતિને પાઠવેલ પત્રમાં વ્યક્ત કરાઈ છે.