(એજન્સી) તા.૨૧
રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીની ચેટ લીક વિવાદમાં કોંગ્રેસ સરકારને ઘેરવામાં કોઈ કચાશ નહિ રાખવા ઈચ્છે છે. પૂર્વ બી.એ.આર.સી.ના સી.ઈ.ઓ. સાથે થયેલ વાતચીત મુજબ આ મામલામાં વિપક્ષ હવે વડાપ્રધાનને પણ પ્રશ્નો પૂછી રહ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે, સૈન્યની પ્રવૃત્તિઓ સાથે સંબંધ ધરાવતી ગોપનીય વાતો લીક થવી ખૂબ જ જોખમી છે અને આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવવામાં આવશે.
પૂર્વ રક્ષામંત્રી એ.કે.એન્ટની, પૂર્વ ગૃહમંત્રી સુશીલ શિંદે, પૂર્વ વિદેશમંત્રી સલમાન ખુર્શીદ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદ આ મુદ્દો સંસદમાં ઊઠાવશે. એન્ટનીએ કહ્યું કે, આ એક ગુનો છે અને એના માટે અર્નબને સજા મળવી જોઈએ. પક્ષે કહ્યું, આ મામલે તાત્કાલિક તપાસના આદેશો આપવા જોઈએ. એન્ટનીએ પત્રકારોને જણાવ્યું કે, આ દસ્તાવેજોથી સ્પષ્ટ થાય છે કે, દેશની સુરક્ષા સાથે જોડાયેલ મહત્ત્વપૂર્ણ વાતો લીક થઇ છે અને આ વાતોને આ રીતે છૂપાવવી એક મોટો પડકાર છે. આ લોકો એવી વાતો જાણવા માટે અધિકાર ધરાવતા નથી. છેવટે એક પત્રકારને એરસ્ટ્રાઈક બાબત પહેલાથી કઈ રીતે ખબર પડી હતી. જો આ માહિતી લીક થાય તો એનાથી ઓપરેશન પર પણ પ્રભાવ પડી શકે છે.
એન્ટનીએ કહ્યું કે, સેના સિવાય ચારથી પાંચ વ્યક્તિઓને આ માહિતી હોય છે. સેના દ્વારા આ માહિતી લીક થવી સંભવિત નથી. એમાં મંત્રીઓ સામેલ હોઈ શકે. ખાસ વાત તો એ છે કે, બધી મીડિયાને નહિ પણ એક ચોક્કસ મીડિયાને જ ખબર હોવી આશ્ચર્ય પમાડે છે. આઝાદે કહ્યું કે, આ બધું ટી.આર.પી.માં હેરફેર કરવાના કીમિયાઓ છે.