(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૭
દેશના સૌથી ઊંચા અને અગ્રણી એવા સરદાર સરોવર નર્મદા ડેમને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિને રાષ્ટ્રને સમર્પિત કરતાં જણાવ્યું હતું કે, વિશ્વમાં એવો કોઈ પ્રોજેક્ટ નહીં હોય કે જેમાં આટલા બધા અંતરાય (મુશ્કેલીઓ) આવ્યા હોય જેટલા આ એન્જિનિયરીંગ ક્ષેત્રના ઉત્તમ નમૂના સમાન નર્મદા ડેમમાં આવ્યા હતા, ઘણા બધા લોકોએ આ યોજના અટકાવવાના ષડયંત્રો કરવા છતાં તે પરિપૂર્ણ થઈ શકી છે અને જો બાબાસાહેબ આંબેડકર અને સરદાર પટેલ થોડાક વધુ જીવ્યા હોત તો આ ડેમ ૧૯૬૦-૭૦ના દાયકામાં જ બનીને તૈયાર થઈ જાત. નર્મદા મુદ્દે રાજનીતિ ન કરવાનું કહેનાર મોદીએ આડકતરા ટોણાં મારવાની તક જવા દીધી ન હતી તો ઠીક તેમણે આજના પ્રસંગે ડૉ.આંબેડકર, સરદાર પટેલ, ગાંધીજી બધાને યાદ કર્યા પરંતુ આ મહત્ત્વકાંક્ષી ઐતિહાસિક યોજનાનો ૧૯૬૧માં શિલાન્યાસ કરનાર દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂનો ક્યાંય નામ સુદ્ધાં લીધું ન હતું.
કેવડિયા ખાતે ઐતિહાસિક યોજના રાષ્ટ્રને સમર્પિત કર્યા બાદ ડભોઈ ખાતે જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર નર્મદા યોજનાની દેશની નવી તાકાત અને વૃદ્ધિના પ્રતિક સમાન ગણાવી. વિપક્ષો ઉપર આડકતરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, કાચો ચિઠ્ઠો ખોલવા માંગતો નથી કારણ કે તેના પર રાજકારણ કરવું મારું કામ નથી. નર્મદા યોજનાને અટકાવવાના પ્રયાસો કરનારાઓ દ્વારા મારી સામે ઘણા બધા ખોટા આક્ષેપો પણ કરવામાં આવ્યા. પરંતુ આ પ્રોજેક્ટને રાજકારણ સાથે અમે કયારેય જોડ્યો નથી. તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકોને લાગે છે કે, ખુબ ઓછા લોકોના કારણે દેશને સ્વતંત્રતા મળી ગઇ છે. પરંતુ આદિવાસીઓના બલિદાનને કોઇ લોકો ભુલી શકે નહીં. મોદીએ કહ્યું હતું કે, સ્વતંત્રતાના આદિવાસીઓ અને ભુલાવી દેવામાં આવેલા શુરવીર યોદ્ધાઓ યોગદાનને દર્શાવી શકે તે પ્રકારે દેશભરમાં મ્યુઝિયમ બનાવવામાં આવે તે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં આવા જ મ્યુઝિયમનું શિલાન્યાસ કરવાની તેમને તક મળી છે. આદિવાસીઓએ સરદાર સરોવર બંધ માટે પોતાની જમીનો આપી દીધી હતી. પોતાના હિતો છોડી દીધા હતા. વિશ્વ બેંકે પણ પૈસા આપવાનો ઇનકાર કરી દીધો હતો. અફવાઓ ફેલાવવામાં આવી હતી.
પીએમ મોદીએ સરદાર સરોવર ડેમને એક કરિશ્મા ગણાવતા કહ્યું કે, આનાથી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કરોડો લોકોનું ભાગ્ય બદલાશે. પાકિસ્તાનની સરહદ પર બીએસએફના જવાનો માટે પાઈપલાઈન દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી. આ પાણી પાણી નથી પરંતુ પારસ છે. લોકોને આ ડેમના લીધે કેટલીય સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. પશુઓ, મનુષ્યોને પીવાનું પાણી મળશે.