Site icon Gujarat Today

અમે સુપ્રીમકોર્ટનું સન્માન કરીએ છીએ, જે જજ રાજ્યસભામાં જતાં રહ્યા તેમને પણ પ્રણામ કરીએ છીએ : રાકેશ ટિકૈત

(એજન્સી) તા.૨૨
સરકાર અને ખેડૂતો વચ્ચે વારંવાર વાટાઘાટો બાદ પણ હજી સુધી કોઈ સમાધાન મળ્યું નથી. સરકારે કાયદા દોઢ વર્ષ સુધી રદ કરવાની દરખાસ્ત પણ કરી હતી, છતાં કાયદો પાછો ખેંચવાની માગ પર હજુ ખેડૂતો અડગ છે. એક ટીવી કાર્યક્રમમાં ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કહ્યું હતું કે, અમે સુપ્રીમ કોર્ટનો આદર કરીએ છીએ અને એવા ન્યાયાધીશોનું પણ સન્માન કરીએ છીએ જેઓ નિવૃત્ત થયા બાછી રાજ્યસભામાં જતા રહ્યા. એન્કરે કહ્યું કે લાગે છે કે તમે આંદોલન ખતમ કરવા નથી માગતા. વારંવાર નવો મુદ્દો લઈ આવો છે. ટિકૈતે તેના પર કહ્યું કે એક જ વાતનો ઉકેલ લાવી દો કે જેથી તમામ સમસ્યાઓનો ઉકેલ આવી જાય. તેની ફોર્મ્યૂલા છે ૧૯૬૭માં ૭૬ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઘઉંનો ભાવ ફિક્સ થયો. તે સમયે શિક્ષકનો પગાર ૭૦ રૂપિયા હતો. તે સમયે ખેડૂતો ત્રણ ક્વિન્ટલ ઘઉં વેચી એક તોલા સોનું ખરીદી શકતા હતા. ખેતરમાં કામ કરીને મજૂર ૫૦ દિવસમાં એક તોલા સોનું ખરીદી શકતા હતા. એવી જ રીતે અમારા પાકનો પણ ભાવ વધવો જોઇએ. રાકેશ ટિકૈતે કહ્યું કે અમે કોઈ સરકારને નમાવવા નથી માગતા. મામલો ખેડૂતો સંબંધિત છે. જો એગ્રિકલ્ચર પોલિસી યોગ્ય હોત તો લોકો શહેરની તરફ ના દોડ્યા હોત. ગામડાઓમાંથી હવે અભણ વ્યક્તિ પણ શહેર તરફ ભાગી રહી છે. તેનો મતલબ એ છે કે નીતિમાં ગરબડ છે. ટ્રેક્ટર રેલી મામલે તેમણે કહ્યું કે ૨૬ તારીખનો મામલો અલગ છે. તેમણે કહ્યું કે કોઈ ગેરસમજમાં ન રહે કે આંદોલન ખતમ થઈ જશે. ૨૬ તારીખે રેલી યોજવામાં આવશે કેમ કે અમને ખાલિસ્તાની કહેવામાં આવ્યા હતા.

Exit mobile version