(એજન્સી) તા.રર
ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ખેડૂતોનું આંદોલન ટોચની સપાટી પર પહોંચી જશે તેવી ધારણા છે, જયારે ર૬મી જાન્યુઆરીએ ગુણતંત્ર દિવસની પરેડની સાથે કિસાનોની પરેડ પણ યોજાશે, જેમાં ખેડૂતો જવાનોની સાથે કિસાનોની શકિતનું પ્રદર્શન કરવા માગે છે. આના માટે તેઓ પંજાબ અને અન્ય રાજયોમાંથી વિશાળ ટ્રોલીઓમાં મોકલાયેલા ટ્રેકટરોની કતાર લગાવી રહ્યા છે. શુક્રવારે ખેડૂત આંદોલન પ૮મા દિવસમાં પ્રવેશ્યું હતું. જયારે ખેડૂતોએ બુધવારે દસમાં રાઉન્ડની વાટાઘાટોના પગલે સમય પૂરતું પણ કેન્દ્રના કૃષિ કાયદાઓને સ્થગિત કરવાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. ખેડૂતો સંપૂર્ણ રોલ બેકની માંગ કરી રહ્યા છે. દિલ્હીની સિંઘુ બોર્ડર ખાતે પાર્ક કરવામાં આવેલી વિવિધ ટ્રોલીઓમાં, ટ્રોલી દીઠ બે ટ્રેકટરો છે જે રોલ આઉટ માટે તૈયાર છે અને આ ટ્રેકટર રેલીને સંપૂર્ણ ભવ્ય પ્રસંગ બનાવશે. કિસાન પરેડ યોજવા અંગે ખેડૂતો અને દિલ્હી પોલીસ વચ્ચેની બેઠકો ગુરૂવારે અનિર્ણિત નીવડી હતી. સંયુકત કિસાન મોરચાએ નિવેદન આપ્યું હતું કે પોલીસ વહીવટી તંત્રે ખેડૂતોને આગ્રહ કર્યો છે કે ર૬મી જાન્યુઆરીના રોજ યોજાનારા પ્રતિષ્ઠિત ગણતંત્ર દિવસ પરેડમાં કોઈ વિક્ષેપ ઉભો ન થાય તે ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય પાટનગરમાં પ્રવેશ કરવો નહીં. જો કે ખેડૂતો દિલ્હી રિંગરોડ પર તેમની પરેડ યોજવા દૃઢ છે.