વર્ષ ર૦ર૦ આખું કોરોના મહામારી સાથે પસાર થતાં તહેવારોની રોનક ફિક્કી થઈ ગઈ હતી. જો કે, હવે ધીમે-ધીમે અનલોક અને સરકારી ગાઈડલાઈનમાં છૂટછાટ અપાતા લોકો તહેવારોની ખુશી મનાવવા લાગ્યા છે. જો કે, ગત વર્ષે પ્રજાસત્તાક દિનને કોરોનાની અસર થઈ ન હતી. ફેબ્રુઆરી માસ બાદ કેસો વધ્યા હતા અને માર્ચ મહિનાના અંતમાં લોકડાઉન થયું હતું. હવે કોરોનાના કેસો ઘટતા અને સરકારી ગાઈડલાઈનમાં રાહત પણ અપાતા ર૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી આન, બાન અને શાનથી કરી શકાશે. ઉજવણીને અનુલક્ષીને સરકારી ઈમારતોને રોશનીથી શણગારવામાં આવી છે. પ્રસ્તુત તસવીરોમાં કાલુપુર રેલવે સ્ટેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં રોશનીનો ઝગમગાટ જોવા મળે છે.