(એજન્સી) તા.૨૯
ગુજરાતના નર્મદા જિલ્લામાં પ્રવાસનને વેગ આપવા માટે સરદાર વલ્લભભાઇની પ્રતિમાની આસપાસના વિસ્તારનો વિકાસ કરવા માટે ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ એક્ટ ૨૦૧૯ (એસઓયુ એક્ટ) ઘડવામાં આવ્યો હતો. જો કે તેમાં એવી કેટલીક જલદ જોગવાઇઓ જે પ્રથમદર્શીય રીતે આપખુદી અને ગેરબંધારણીય છે તેમજ પંચાયત એક્ષટેન્શન ટુ શિડ્યુલ્ડ એરિયાઝ એક્ટ, ૧૯૯૬ની (પેસા) સુસંગત નથી. એસઓયુ એક્ટ ગુજરાત સરકારને માળખાગત સુવિધાઓના વિકાસ અને પ્રવાસનને પ્રોત્સાહિત કરવાના આયોજન માટે ટુરીઝમ ઓથોરિટીની સ્થાપના કરવાની સત્તા આપે છે. આ કાયદાની વિવિધ જોગવાઇઓનું સ્વરુપ માત્ર આગવું નથી પરંતુ પેસા એક્ટ અને ગુજરાત પેસા રૂલ્સ હેઠળ બાંહેધરી આપવામાં આવ્યાં મુજબ સંસાધનોનું સંચાલન કરવાની આદિવાસીઓની સ્વાયત્તતા છિનવી લે છે. ફીફ્થ શિડ્યુલ હેઠળ પ્રતિમાના આસપાસના વિસ્તારો નિર્દિષ્ટ કરવામાં આવ્યાં હોવા છતાં દેશના આદિવાસીઓના અધિકારોના રક્ષણ માટે બંધારણમાં તેની જોગવાઇ કરાઇ હતી. એસઓયુ એક્ટની જોગવાઇઓ પ્રથમદર્શીય રીતે ગેરબંધારણીય છે. ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૪૩-ઝેડ-સીમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે મ્યુનિસિપાલિટી અંગે ઉલ્લેખાયેલ ભાગ-૯-એ શિડયુલ્ડ વિસ્તારોને લાગુ પડશે નહીં, સિવાય કે સંસદે આ અંગેનો કાયદો પસાર કર્યો હોય. આથી કલમ-૩૧(૧) અને(૨) બંધારણીય ઔચિત્યની કસોટીમાંથી ખરી ઉતરતી નથી. આમ રાજ્ય વિધાનગૃહને શિડ્યુલ-૫ પ્રદેશમાં આવેલ ગ્રામીણ વિસ્તારને ગુજરાત મ્યુનિસિપલ એક્ટ લાગુ કરવાની સત્તા નથી. સ્પષ્ટ ગેરબંધારણીયતા જ માત્ર આ કાયદાની સમસ્યા નથી. તેની આપખુદી જોગવાઇઓ કુદરતી ન્યાયના સિદ્ધાંતોને ધ્યાનમાં લેતી નથી અને સ્થાનિક લોકો તેમજ તેમની સ્વાયત્તતાની પ્રશાસન પ્રણાલિ અને પરંપરાગત જ્ઞાનની તદ્દન ઉપેક્ષા કરવામાં આવી છે. પેસા એક્ટની કલમ-૪(એ)માં સ્પષ્ટપણે જણાવાયું છે કે રાજ્યનો કોઇ પણ કાયદો પરંપરાગત કાયદા, સામાજિક અને ધાર્મિક આચરણ અને સામુદાયિક સંસાધનોના પરંપરાગત સંચાલન પ્રક્રિયા સાથે વિસંગત નહીં હોય. આમ અસરગ્રસ્ત વિસ્તારોની ગ્રામસભા જો એવો ઠરાવ પસંદ કરે કે એસઓયુ એક્ટ અને ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટનો અમલ આ વિસ્તારમાં આદિવાસીઓના સાંસ્કૃતિક અને પરંપરાગત સંસાધનના સંચાલનના અધિકારોની વિરુદ્ધ છે અને તે ઠરાવ ડીડીઓને મોકલે તો રાજ્ય સરકાર અને રાજ્યપાલ તેનો જવાબ આપવા બંધાયેલ છે.
(સૌ. : ડાઉનટુઅર્થ.ઈન)