રાજયમાં હાલ કાતિલ ઠંડીનો દોર જામ્યો છે. અનેક સ્થળોએ લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી ઓછો જોવા મળી રહ્યો છે. કુદરતે જેમને બધુ જ આપ્યું છે તે તો ગરમ વસ્ત્રો, શાલ, રજાઈ તેમજ રૂમ હિટર થકી ઠંડી સામે રક્ષણ મેળવે છે. પણ જેની ઉપર માત્ર ગગન વિશાળ છે અને રહેવા માટે ઘર પણ નથી તેવા અનેક લોકો ઠંડીથી બચવા માત્ર ફાંફા મારે છે અને જે હાથવગુ હોય તે લઈ કાતિલ ઠંડીમાં ફુટપાથ પર સૂઈ રાત્રી ગુજારે છે. બીજી તરફ આ રીતે ફુટપાથ પર સૂઈ રહેનારાઓ માટે જીવનું જોખમ હોય છે રખે ને કોઈ વાહન ચાલક ભાન ભૂલે અને નિયમો તોડી વાહન હંકારે તો આવા ફુટપાથ પર રહેનારાઓની સ્થિતિ શું થાય છે. એ બધા જ જાણે છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે સૌના સાથ અને સૌના વિકાસની વાતો વચ્ચે આમના વિશે સરકાર અને તંત્ર કયારે વિચારશે ?