Site icon Gujarat Today

દિલીપકુમાર અને સાયરા બાનુની જોડી સ્વર્ગમાં બની હતી : તેમની પ્રેમ કહાણી

લતા મંગેશકરે એક સમયે કહ્યું હતું કે, ‘મેં મારા જીવનમાં ક્યારેય સાયરાબાનુ જેવા સમર્પિત પત્ની જોયા નથી’

(એજન્સી) નવી દિલ્હી, તા.૭
દંતકથા સમાન અભિનેતા અને દિલીપ કુમાર તરીકે ખ્યાતનામ મુહમ્મદ યુસુફ ખાનનું મુંબઈમાં ૯૮ વર્ષની જૈફ વયે બુધવારે સવારે નિધન થયું હતું. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ બાદ ગત સપ્તાહે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મહિનામાં બીજી વખત તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાના પારિવારિક મિત્ર ફૈસલ ફારૂકીએ દિલીપ કુમારના જ ટ્‌વીટર હેન્ડલ પરથી તેમના મોતના સમાચાર આપ્યા હતા. દિલીપ કુમારે વર્ષ ૧૯૪૪માં ફિલ્મી દુનિયા ક્ષેત્રે પર્દાપણ કર્યું હતું. સાયરા બાનુ તેમનાથી ૨૨ વર્ષ જૂનિયર હતા. સાયરા બાનુ પણ દિલીપ કુમારના ફેેન હતા. ૧૯૬૦માં જ્યારે મુંબઈમાં દિલીપ કુમારની ઐતિહાસિક ફિલ્મ મુગલ-એ-આઝમનું પ્રીમિયર યોજાયું હતું ત્યારે સાયરા બાનુ તેમની એક ઝલક મેળવવા થિયેટરમાં પહોંચી ગયા હતા. ઘણાં વર્ષો પહેલાં એક મુલાકાતમાં સાયરા બાનુએ જણાવ્યું હતું કે, અન્ય યુવતીઓની જેમ હું પણ દિલીપ કુમારની મોટી પ્રશંસક હતી અને તેમના સાથે લગ્ન કરવા માગતી હતી. મારા માટે આ સ્વપન હવાઈ કિલ્લા સમાન ન હતું. મે મારા આ સ્વપનનો મજબૂત પાયો નાંખ્યો હતો અને મને મારી જાત અને ‘અલ્લાહ’ પર વિશ્વાસ હતો. હંમેશા પડછાયાની જેમ તેમની સાથે ઉભા રહેલા તેમના પત્ની સાયરા બાનુ આઘાતમાં છે. એક ઈન્ટવ્યૂમાં લતા મંગેશકરે કહ્યું હતું ’સાયરાજીનો દરેક શ્વાસ યુસૂફ સાહેબ માટે હોય છે. મેં મારા સમગ્ર જીવનમાં ક્યારેય તેમના જેવા સમર્પિત પત્ની નથી જોયા’. સાયરા બાનુ અને દિલીપ કુમાર વચ્ચે એવા સંબંધો હતો, જે હંમેશા અન્ય માટે પ્રેરણા બનતા રહ્યા. જીવનમાં દંપતીએ ઘણા ઉતાર-ચડાવ જોયા, પરંતુ કોઈ બાબત તેમને અલગ કરી શકી નહીં. કરિયરમાં ટોપ પર હોવા છતાં પોતાનાથી ૨૨ વર્ષ મોટા એક્ટરની સાથે લગ્નના બંધનમાં બંધાયેલા સાયરા બાનુને ફિલ્મી દુનિયા છોડવાનો કોઈ અફસોસ નહોતો. એક્ટ્રેસે પોતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેમણે કોઈના દબાણ હેઠળ નહીં પરંતુ ઈચ્છાથી આ નિર્ણય લીધો હતો. કારણ કે તેઓ પોતાનું સંપૂર્ણ ધ્યાન દિલીપ કુમાર પર લગાવવામાં માગતા હતા. દિલીપ કુમાર અને સાયરા બાનુ જીવનભર નિઃસંતાન રહ્યા. તેને લઈને ઘણા પ્રકારની વાતો થઈ. જો કે, ઓટોબાયોગ્રાફી દિલીપ કુમારઃ ધ સબસ્ટન્સ એન્ડ ધ શેડો આ પાછળના કારણનો ખુલાસો થયો. એક્ટરે પોતે તેમાં લખ્યું હતું કે, વર્ષ ૧૯૭૨માં સાયરા બાનુ ગર્ભવતી હતા પરંતુ ૮મો મહિનો ચાલી રહ્યો હતો ત્યારે બીપી હાઈ થઈ ગયું અને ડોક્ટરો બાળકને ન બચાવી શક્યા. આ ઘટનાને કપલે ‘અલ્લાહ’ની ઈચ્છા માની અને સંતાન વિશે બીજીવાર વિચાર્યું નહીં. બાળક ગુમાવ્યા બાદ સાયરા બાનુ અને દિલીપ કુમારનું દિલ તૂટી ગયું હતું, પરંતુ તેમનો પ્રેમ અતૂટ રહ્યો. ઉપરથી એકબીજા પ્રત્યેનું સમર્પણ વધી ગયું. એક ઈન્ટરવ્યૂમાં સાયરા બાનુએ જણાવ્યું હતું કે, ’અમારા લગ્ન મારા જીવનમાં સૌથી વધારે મહત્વ ધરાવે છે. મને બાળકની ખોટ ક્યારેય વર્તાતી નથી. કારણ કે, દિલીપ સાહેબ પોતે બાળક જેવા છે. દંપતીના ઘરમાં ભલે બાળકો નહોતા, પરંતુ પરિવારના સભ્યોના બાળકો પર જબરદસ્ત પ્રેમ વરસાવ્યો. એક ઈન્ટરવ્યૂમાં દિલીપ કુમારે કહ્યું હતું કે, ’મને બાળકો ખૂબ પસંદ છે. પરંતુ તેના વિશે વિચારવાનો સમય ક્યાં છે? મારા અને સાયરાના પરિવારમાં આશરે ૩૦ બાળકો છે અને તેઓ તેમની મસ્તીથી મને આખો સમય વ્યસ્ત રાખે છે. તેઓ એટલી ઉર્જાથી ભરેલા છે કે તેમને સંભાળીને હું થાકી જાઉ છું. દિલીપ કુમારે ૧૯૬૬માં એક્ટ્રેસ સાયરા બાનો સાથે લગ્ન કર્યા હતા. દિલીપ કુમારને હિન્દી સિનેમાના સુવર્ણકાળના અંતિમ અભિનેતા તરીકે યાદ કરવામાં આવે છે. દિલીપ કુમારે શાળાકીય અભ્યાસ નાસિકના દેવલાલીમાં બાર્ન્સ સ્કૂલથી કર્યો હતો. આ જ શાળામાં રાજ કપૂર પણ અભ્યાસ કરતા હતા.

Exit mobile version