Site icon Gujarat Today

ટ્રેજેડી કિંગ બનવું આસાન નથી

દિલીપકુમારે ફિલ્મી પરદે એવી છાપ છોડી જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે
દિલીપકુમારે લગભગ પપ વર્ષની ફિલ્મી કારકિર્દીમાં ફક્ત ૬૩ ફિલ્મોમાં જ કામ કર્યું પણ તે ફિલ્મોને યાદગાર બનાવી દીધી

જાણકારો અને નિષ્ણાંતોનું માનવું છે કે એક્ટિંગના મામલામાં દિલીપકુમાર રાજકપૂર અને દેવાનંદથી ઘણા આગળ હતા

ડિપ્રેશનનો શિકાર થયા બાદ ડોકટરોની સલાહથી દિલીપ સાહેબે કોમેડી ફિલ્મોમાં કામ કર્યું હતું

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને દિલીપકુમારને અભિનયની સંસ્થા ગણાવ્યા હતા

દિલીપકુમારની ખાસિયત હતી કે તેઓ જે કરતા તે યાદગાર થઈ જતું હતું


જ્યારે જ્યારે ભારતીય સિનેમાનો ઈતિહાસ લખવાની વાત સામે આવશે ત્યારે ત્યારે દિલીપકુમારનું નામ ખૂબ જ સન્માન સાથે લેવામાં આવશે. ઘણા વર્ષોથી બીમાર રહ્યા બાદ આખરે આજે દિલીપકુમારનું નિધન થઈ ગયું. તેમના નિધનથી બોલીવૂડ જ નહીં સમગ્ર દેશમાં શોકની લહેર છે.
પોતાની પપ વર્ષની ફિલ્મી કારકિર્દીમાં દિલીપકુમારે અનેક સુપરહિટ ફિલ્મો આપી. તેમણે જે ફિલ્મોમાં કામ કર્યું તે ફિલ્મોને તેમણે જીવંત બનાવી દીધી. પોતાના અભિનયથી દિલીપકુમારે દરેકના હૃદયમાં સ્થાન બનાવ્યું. આ સત્ય છે કે લગભગ પપ વર્ષની ફિલ્મી કારકિર્દીમાં દિલીપકુમારે ફક્ત ૬૩ ફિલ્મોમાં જ કામ કર્યું પણ જે ફિલ્મોમાં કામ કર્યું તે યાદગાર બની ગઈ. તે ફિલ્મોએ એક નવી ગાથા લખી તે ફિલ્મોએ અનેક નવા પાત્રોને જન્મ આપ્યો અને ઘણા યુવા કલાકારોને પ્રેરિત કર્યા.
સ્વભાવથી સરળ દેખાતા દિલીપકુમાર પોતાના રોલને ખૂબ જ મજબૂતીથી કરતા હતા. દિલ્હીની ખાલસા કોલેજમાં અભ્યાસ દરમ્યાન તેમના સાથી રાજકપૂર જ્યાં છોકરીઓ સાથે ફ્લર્ટ કરવા માટે પ્રખ્યાત હતા ત્યાં દિલીપકુમાર પોતાના શરમાળ સ્વભાવના કારણે એક ખૂણામાં બેસવાનું વધારે પસંદ કરતા હતા. જો કે દિલીપકુમારે એવું ક્યારેય વિચાર્યું નહીં હોય કે તેઓ ફિલ્મી પરદે એવી છાપ છોડશે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. દિલીપકુમારની જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી થઈ તે દરમ્યાન ભારતીય ફિલ્મ પોતાના પ્રારંભિક તબક્કામાં પસાર થઈ રહ્યો હતો. ફિલ્મોમાં ઉપરછલ્લી એક્ટિંગ થતી હતી પણ દિલીપકુમારે સૂક્ષ્મ અભિનયની કળાને પરદા ઉપર બતાવી. પોતાની એક્ટિંગને મુલાયમ અને સુસંસ્કૃત રાખનારા દિલીપકુમાર દૃઢ અવાજમાં ડાયલોગ બોલતા હતા અને તેમની ખૂબ પ્રશંસા થતી હતી. દિલીપકુમાર, રાજ કપૂર અને દેવાનંદને ભારતીય ફિલ્મોના ત્રિમૂર્તિ કહેવામાં આવે છે. જો કે જાણકાર અને નિષ્ણાંતોનું માનવું છે કે એક્ટિંગના મામલામાં દિલીપકુમાર રાજકપૂર અને દેવાનંદથી આગળ હતા. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને દિલીપકુમારને એક્ટિંગની સંસ્થા ગણાવ્યા છે. દિલીપકુમારે પોતાની અભિનય કારકિર્દીમાં એકથી એક સુપરહિટ ફિલ્મો તો આપી જ છે. સાથે પોતાના રોલને અદ્‌ભુત બનાવી દીધો. તેઓ એક્ટિંગમાં પોતાની એક અલગ જ છાપ છોડતા હતા. આજે પણ સુપરસ્ટારના સમયમાં દિલીપકુમારના ચાહકોની કમી નથી. રાજેશ ખન્નાથી લઈ રણવીરસિંહ અને રણબીર કપૂર સુધી બધા તેમની છત્રછાયાથી પોતાને દૂર કરી શકતા નથી. એક બાજુ જ્યાં દિલીપકુમારે મુગલે આઝમ જેવી ફિલ્મોમાં શેહઝાદાની ભૂમિકા નિભાવી તો ગંગા જમનામાં એક ગામડિયાના રોલને યાદગાર બનાવી દીધો. આજ તો દિલીપકુમારની ખાસિયત હતી. તેઓ જે કરતા હતા તે યાદગાર થઈ જતું હતું.
કુમારને ફિલ્મોમાં લાવનાર દેવિકા રાણી ભારતીય ફિલ્મોમાં મોટું નામ હતાં. આ તે જ વ્યક્તિ છે જેમણે પેશાવરના ફ્રૂટના વેપારીના પુત્ર યુસુફખાનને દિલીપકુમાર બનાવી દીધો. જો કે તેમના પિતા ઈચ્છતા ન હતા કે તેઓ એક્ટિંગ કરે.
દિલીપકુમારની અનેક અભિનેત્રીઓ સાથે રોમેન્ટિક જોડી બની, નજીકના સંબંધ પણ રહ્યા પણ લગ્ન સુધી પહોંચી શકયા નહીં. પ્રેમમાં દિલ તૂટવું તેમના માટે કદાચ પ્રેરણાનું કામ કરી ગયું અને તેમને ટ્રેજેડી કિંગ બનાવી દીધા. આજે પણ આપણા બોલીવૂડમાં હીરો ફિંલ્મોમાં મરવાનું પસંદ કરતા નથી પણ દિલીપકુમાર એવા અભિનેતા હતા જે પોતાની દર બીજી ત્રીજી ફિલ્મોમાં અંતમાં મરી જતા હતા. એક સમયે તો એવો આવ્યો કે દિલીપકુમાર ડિપ્રેશનના શિકાર થઈ ગયા હતા. ડોક્ટરોની સલાહ બાદ બાદ તેમણે કોમેડી ફિલ્મોમાં પણ કામ કર્યું. કોહીનુર, આઝાદ, રામ ઔર શ્યામ જેવી ફિલ્મો સુપરહિટ રહી. આ ફિલ્મોમાં દિલીપકુમારે કોમેડી રોલ કર્યા હતા.
દિલીપકુમારે નરગિસ સાથે લગભગ સાત ફિલ્મો કરી પણ તેમની જોડી મધુબાલા સાથે વધારે લોકપ્રિય થઈ. દિલીપકુમારે પોતાની આત્મકથામાં પોતે આ વાતનો સ્વીકાર કર્યો છે કે તેઓ મધુબાલા તરફ આકર્ષિત હતા પણ મધુબાલાના પિતાના કારણે આ પ્રેમ વધુ દિવસ સુધી ચાલ્યો નહીં. દિલીપકુમારે સાયરાબાનુ સાથે લગ્ન કર્યા. તેમણે પોતાની ફિલ્મોની શરૂઆત જવારભાટા ફિલ્મ સાથે કરી હતી. જુગ્નુ, શહીદ, નદિયા કે પાર, અંદાજ, જોગન, બાબુલ, દીદાર, દાગ, દેવદાસ, આઝાદ, ઈન્સાનિયત, નયા દૌર, પૈગામ, લીડર, રામ ઔર શ્યામ, આદમી, ગોપી, ક્રાંતિ, શક્તિ, વિધાતા, મજદૂર, મશાલ, કર્મા, સૌદાગર જેવી લાજવાબ ફિલ્મોમાં તેમણે કામ કર્યું. જે ફિલ્મો માટે તેમને બેસ્ટ ફિલ્મફેર એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો. ૧૯૯૧માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણથી તેમનું સન્માન કરવામાં આવ્યું. ર૦૧પમાં પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા. પાકિસ્તાન સરકાર તરફથી નિશાન-એ-ઈમ્તિયાઝથી પણ તેમને ૧૯૯૮માં સન્માનિત કરાયા હતા. ર૦૦૦થી ર૦૦૬ સુધી તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. આ ઉપરાંત તેમને ૧૯૯૪માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા.

 

Exit mobile version