નવી દિલ્હી,તા.ર૪
આર્ચર પ્રવીણ જાધવે પોતાનું મોટાભાગનું જીવન મહારાષ્ટ્રના સતારા જિલ્લાના સરાદે ગામમાં નાળાની પાસે ઝૂંપડીમાં વિતાવ્યું છે. જાધવનું બાળપણ અને યુવાનીનો મોટાભાગનો હિસ્સો મુશ્કેલીઓમાં પસાર થયો છે. ૧૦ વર્ષ પહેલા પ્રવીણને ખબર પણ ન હતી કે આર્ચરી ઓલિમ્પિક રમત છે. પ્રવીણના પિતા રમેશ એક કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂર હતા અને તેની માતા ખેતરમાં મદદ કરતી હતી. આ પરિવાર બે ટંક ભોજન માટે સતત સંઘર્ષ કરતો હતો. રપ વર્ષીય પ્રવીણ જાધવ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેણે યાદ કર્યું કે, અમારી હાલત ત્યારે ખૂબ જ ખરાબ હતી. અમે એક ઝૂંપડીમાં રહેતા હતા. અમારા ઘરમાં વીજળી ન હતી અને ઘરમાં પૈસા પણ ન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જાધવ પુરૂષોની રિકર્વ ટીમમાં અત્તનુ દાસ અને તરૂણદીપ રાય સાથે ટીમમાં હશે અને સાથે જ વ્યક્તિગત સ્પર્ધામાં પણ ભાગ લેશે. પ્રવીણ જાધવના જીવનમાં એક એવો સમય પણ આવ્યો જ્યારે તે પોતાના પિતાની સાથે મજૂરી કરવાનો હતો. ઘરનો ખર્ચ પૂરો નહીં થવાથી પ્રવીણના પિતાએ તેને કહ્યું કે સાતમા ધોરણ પછી ભણવાનું છોડી દે અને કન્સ્ટ્ર્કશન કંપનીમાં તેમની સાથે જોડાઈ જાય પણ પ્રવીણના નસીબમાં બીજું કંઈ લખ્યું હતું. પ્રવીણ ત્યારે સરાદેની જિલ્લા પરિષદ સ્કૂલમાં ભણતો હતો. તેના સ્પોર્ટસ ટીચર વિકાસ ભૂજબળને પ્રવીણના ઘરની આર્થિક સ્થિતિની ખબર હતી. વિકાસે પ્રવીણને એથ્લેટિકસમાં આવવા કહ્યું. જેથી તે કંઈક પૈસા કમાઈ શકે. પ્રવીણે કહ્યું કે, ભૂજબળ સરે મને દોડવા અને પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે કહ્યું જેનાથી હું કંઈક ભણી શકું. પ્રવીણ જાધવ રનિંગમાં કમાલ કરી શક્યો નહીં કારણ કે તે ગંભીર રીતે કુપોષિત હતો. એકવાર તે વોર્મઅપ દરમ્યાન બેહોશ થઈ ગયો હતો. વિકાસ ભૂજબળે પ્રવીણનો ખર્ચ ઉઠાવ્યો. જેથી તે પ્રતિયોગિતામાં ભાગ લઈ શકે. સારા ડાયટ સાથે જાધવે તાલુકા અને જિલ્લા સ્તર સફળતા પ્રાપ્ત કરી. જેના કારણે તેની મહારાષ્ટ્ર સરકારની સ્પોર્ટસ એકેડેમી સ્કીમમાં પસંદગી થઈ. જે મફતમાં કોચિંગ, અભ્યાસ અને આવાસીય એકેડેમીમાં ગ્રામીણ ક્ષેત્રના એથ્લીટસને રોકાવવાની વ્યવસ્થા આપે છે. અહમદનગરમાં સ્પોર્ટસ એકેડેમી હોસ્ટેલમાં આર્ચરીમાં પ્રવીણની વિચિત્ર રીતે એન્ટ્રી થઈ તેની આર્ચરીમાં પસંદગી થઈ કારણ કે એક ડ્રીલ થઈ જેમાં ૧૦ મીટરના અંતરે તેણે ૧૦માંથી ૧૦ બોલ રીંગમાં ફેંકયા હતા. જાધવે કહ્યું કે મારું ટાર્ગેટ થોડું નબળું હતું તેથી મને આર્ચરીમાં હાથ અજમાવવા કહ્યું અને ત્યારબાદ મેં આને ચાલુ રાખ્યું. જાધવની આર્થિક સ્થિતિમાં થોડો સુધારો થયો છે. તેને સ્પોર્ટસ કોટાના આધારે ર૦૧૭માં ઈન્ડિયન આર્મીમાં નોકરી મળી છે. હવે તે પૂણેમાં આર્મી સ્પોર્ટસ ઈન્સ્ટીટ્યુટમાં ટ્રેનિંગ કરે છે. પ્રવીણ જાધવ માટે સરાદે ગામથી ટોક્યો સુધીની સફર કઠિન રહી પણ તેન ખબર છે કે તે પોતાનું સ્વપ્ન જીવી રહ્યો છે.