Site icon Gujarat Today

નદીમે પોલીસ કમિશનરને પણ અરજી આપી, નદીમ સૈયદે અરજી આપ્યાના ૩૦ કલાક પછી પણ FIR નોંધવામાં આંખ આડા કાન

નદીમે FIR અંગે પૂછપરછ કરી ત્યારે PIએ પહેલાં અરજીને આધારે રોકડું પરખાવ્યું, તપાસ થશે ત્યારબાદ જ FIR અંગે નિર્ણય લેવાશે

(સંવાદદાતા દ્વારા)  સુરત, તા.૭

SBI ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટના રિજનલ મેનેજર સામે થયેલી ફરિયાદ હજુ સુધી ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે FIRમાં તબદીલ થઈ નથી. આ મામલામાં આજે પોલીસ કમિશનર સમક્ષ અરજી કરવામાં આવી છે. વિગતો અનુસાર ગ્રેજ્યુએટ થયા બાદ નોકરીની તલાશમાં રહેલા નદીમ નસીમુદ્દીન સૈયદે SBI ક્રેડિટ કાર્ડમાં વેકેન્સિ જોઈને એપ્લાય કર્યું હતું. મજુરા ગેટ સ્થિત વિશ્વકર્મા એપાર્ટમેન્ટમાં ક્રેડિટ કાર્ડની ઓફિસે પહોંચ્યો એટલે બોસે રિજનલ મેનેજર રૂતુલ લિંબાચિયાને મામલો હેન્ડલ કરવા માટે કેરી ફોરવર્ડ કર્યા. આ અંગે ઓફિસથી વિરાજ પટેલે રિજનલ મેનેજરને ફોન કરીને બંને નવા ઉમેદવારો વિશે વાત કરી તો રૂતુલે અઠવા પેટ્રોલ પંપ પર મોકલી આપવા સૂચના આપી પરંતુ ફોન મૂકે એ પહેલાં જ રૂતુલે ચાલુ ફોન કોલ દરમિયાન જ બંનેના નામ પૂછ્યા હતા. જેમાં એક છોકરાએ પોતાનું નામ સૈયદ નદીમ અને બીજાએ પોતાનું નામ કિરીટ જરીવાલા જણાવ્યું હતું. મુસ્લિમ નામ સાંભળતા જ રૂતુલે ગાળ બોલીને “મોમેડિયનને ભગાડી દે” એવી સૂચના આપી પરંતુ વિરાજે જણાવ્યું કે, બોસનો આદેશ છે એટલે રૂતુલ સામેથી કહે છે કે, સારૂં મોકલી આપ અહીં આવ્યા પછી હું એને રિજેક્ટ કરી દઈશ. આ અંગે જાણ થયા બાદ નદીમ સૈયદની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને તેણે એડવોકેટ નદીમ ચૌધરી મારફતે ફરિયાદ દાખલ કરવા લેખિતમાં કાગળો તૈયાર કરાવ્યા અને અઠવાલાઈન્સ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા જ્યાં ઈન્સપેક્ટર કોરાટની અનુપસ્થિતિ વચ્ચે ઈન્ચાર્જ પીઆઈ ભરવાડે ઓડિયા ક્લિપ સાંભળ્યા બાદ નદીમ પાસેથી અરજી લઈ લીધી હતી અને તેમને જવાની સૂચના આપી દીધી હતી. નદીમે FIR અંગે પૂછપરછ કરી ત્યારે પીઆઈએ રોકડું પરખાવી દીધું હતું કે, પહેલાં અરજીને આધારે તપાસ થશે ત્યારબાદ જ FIR અંગે નિર્ણય લેવામાં આવશે. અરજી આપ્યાને ૩૦ કલાકથી વધુ સમય વિતી ગયા બાદ નદીમ સૈયદે આજે પોલીસ કમિશનરને અરજી આપી છે. હવે કમિશનર તરફથી સૂચના મળ્યા બાદ આગળની કાર્યવાહી થશે એમ નદીમે “ગુજરાત ટુડે”ને જણાવ્યું છે.

Exit mobile version