(એજન્સી) અમદાવાદ, તા.૯
લોકરક્ષક દળમાં (LRD) બિનહથિયારધારી કોન્સ્ટેબલની ૫,૨૧૨, હથિયારધારી કોન્સ્ટેબલની ૭૯૭ અને એસઆરપી કોન્સ્ટેબલની ૪,૪૫૦ જગ્યા માટે ભરતી થશે, જેમાં મહિલાઓ માટે એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મળીને ૧૯૮૩ જગ્યા અનામત રખાઇ છે. સરકારે તમામ ભરતીઓ માટેની મહત્તમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનો નિર્ણય લીધો હોવાથી આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા ૩૪ વર્ષ રાખી છે. ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે.પોલીસતંત્રમાં લોકરક્ષક દળની ભરતીની પરીક્ષા માટેની શારીરિક કસોટી ૧થી ૧૦ ડિસેમ્બર વચ્ચે શરૂ થઈ શકે છે તથા લેખિત પરીક્ષા માટેના કોલ લેટર ૨૦ નવેમ્બર આસપાસ ઇસ્યુ થઈ શકે છે. ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ-કોન્ફરન્સના માધ્યમથી આ વાતની જાણ કરી હતી. ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી બે મહિના સુધી ચાલશે, એટલે કે જો શારીરિક કસોટી ૧૦ ડિસેમ્બરે શરૂ થાય તો એ ૧૦ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થઈ શકે છે. માર્ચના પહેલા અઠવાડિયામાં કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા લેવાની સંભાવના છે. ભરતીની પ્રક્રિયામાં આવતી સમસ્યાઓના આધારે આ તારીખોમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ ઉમેદવારો આ તારીખને ધ્યાનમાં રાખીને તૈયારી કરશે તો તેમને પૂરતો સમયગાળો મળી શકે છે. નોંધનીય છે કે ૧૦ હજાર ૯૮૮ જગ્યાની ભરતીમાં ૧૧ લાખ ૧૩ હજાર ૨૫૧ ઉમેદવારી ફોર્મ ભરાયાં છે, જેમાં ૮ લાખ ૬૮ હજાર ૪૨૨ ફોર્મ કન્ફર્મ થયાં છે. ભરતીમાં ૬ લાખ ૩૫ હજાર પુરૂષ ઉમેદવારો અને ૨ લાખ ૩૩ હજાર ૪૧૪ મહિલા ઉમેદવારે ફોર્મ ભર્યાં છે. ફોર્મ ભરવા માટે આજે મંગળવારને લાભ પાંચમે છેલ્લો દિવસ છે. આ વર્ષે નવા રચાયેલા ન્ઇડ્ઢ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ ટિ્વટરના માધ્યમથી કમ્પ્યુટર સર્ટિફિકેટની હાલ જરૂર નથી એવી સ્પષ્ટતા કરી હતી. આ સર્ટિફિકેટ ભરતી પ્રક્રિયાના અંતિમ તબક્કે પસંદગી પામેલા ઉમેદવારને દસ્તાવેજ ચકાસણી દરમિયાન રજૂ કરવાનું હોય છે.