(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.રર
સૌરાષ્ટ્રના વેરાવળના ઔદ્યોગિક વિસ્તાર અને આસપાસના પર (બાવન) ગામોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે રૂા.૪૩૦ કરોડની યોજના હાથ ધરવાના સરકારના નિર્ણયની જાહેરાત કરવા સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાર્યક્રમ દરમિયાન વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ બેકાર થઈ ગઈ છે અને તેના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો પ્રવાસ ભાજપ માટે ફાયદાકારક હોય છે. મુખ્યમંત્રીએ રાહુલ ગાંધીના સૌરાષ્ટ્ર પ્રવાસને લઈ પ્રહારો કરતાં વધુમાં જણાવ્યું હતું કે રાહુલ જ્યાં જ્યાં પ્રવાસ કરે છે ત્યાં કોંગ્રેસ હારે છે અને વધુ એક વખત આ વાતનું ગુજરાતમાં પુનરાવર્તન થવાનું છે. તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ આ સરકાર માત્ર ઉદ્યોગપતિઓની સરકાર છે તેવા આક્ષેપોનું ખંડન કરતાં જણાવ્યું હતું કે આ સરકાર દ્વારા ૮૮ ટકા નર્મદાનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવે છે, દશ ટકા પાણી પીવા માટે જ્યારે માત્ર બે ટકા પાણી ઉદ્યોગને આપવામાં આવે છે. મુખ્યમંત્રીએ કોંગ્રેસના બેરોજગારી ભથ્થું આપવાની જાહેરાત મુદ્દે ટોણો મારતાં કહ્યું હતું કે, બેરોજગારી ભથ્થું નહીં પરંતુ બેરોજગારી સંપૂર્ણ નાબૂદી માટેના આ સરકારે સતત પ્રયત્ન કર્યા છે. કુલ ૮૩ ટકાને રોજગારી આપી સમગ્ર દેશમાં રોજગારી ક્ષેત્રે નંબર-૧નું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે. રાજકોટના શાપર-વેરાવળ ખાતે મોટો ઈન્ડસ્ટ્રીયલ એરિયા આવેલ છે કોઈ આકસ્મિક બનાવ બને તો તેના પર કાબૂ મેળવી શકાય તે માટે નવા ફાયર સ્ટેશનનું આજે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે જ શાપર-વેરાવળ ખાતે પ૧ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સિમેન્ટ રોડનું પણ લોકાર્પણ કરાયું હતું. શાપર-વેરાવળ સૌરાષ્ટ્રનો મોટો ઈન્ડસ્ટ્રીયલ એરિયા હોવાથી રોજગારી ઉત્પન્ન થાય છે માટે આવનારા દિવસોમાં ૪૩૦ કરોડના ખર્ચે પીવાના પાણી માટેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે.