(એજન્સી) તા.૩૦
બલિયા જિલ્લાના બૈરિયા વિસ્તારમાં એક દલિત યુવતી પર બળાત્કાર ગુજારવા બદલ તે જ ગામના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. ગુરૂવારે નોંધાયેલા અહેવાલને ટાંકીને પોલીસ સૂત્રોએ જણાવ્યું કે બૈરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી ૨૨ વર્ષની દલિત યુવતી પર માર્ચના રોજ તે જ ગામના રહેવાસી લગન દેવ યાદવ (૩૪) દ્વારા બળાત્કાર ગુજાર્યો હતો અને જો કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે જણાવ્યું કે, મંગળવારે છોકરીની માતાની ફરિયાદ પર યાદવ વિરૂદ્ધ બળાત્કાર અને ધમકી આપવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને બુધવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સુલતાનપુર જિલ્લાના મોતીગરપુર વિસ્તારમાં પોલીસ સાથેની અથડામણમાં ઈનામી અપરાધી ઘાયલ થયો હતો. તેની ધરપકડ કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, બુધવારે રાત્રે મોતીગરપુર વિસ્તારમાં નિયમિત નિરીક્ષણ દરમિયાન જ્યારે પોલીસે શંકાના આધારે બે લોકોને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો. પોલીસે જવાબી કાર્યવાહી કરી જેમાં એક ઈનામી ગુનેગારને પગમાં ગોળી વાગી હતી અને બીજો ગુનેગાર અખંડ પ્રતાપ અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. પોલીસે તેને ઘેરી લીધો અને જયસિંહપુર વિસ્તારમાં તેની ધરપકડ કરી. તેમણે જણાવ્યું કે ગોળીથી ઘાયલ થયેલા ગુનેગારની ઓળખ ગોસાઈગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી માન સિંહ તરીકે થઈ છે. તેના પર ૧૫,૦૦૦ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તેની ધરપકડ કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ એરિયા ઓફિસર પ્રશાંત સિંહે જણાવ્યું કે માન સિંહ અને તેના સહયોગી અખંડ પ્રતાપ પેટ્રોલ પંપ પર લૂંટના કેસમાં વોન્ટેડ હતા. તેમણે જણાવ્યું કે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.