Site icon Gujarat Today

રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

અમદાવાદ, તા.૧
અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચેની આઇપીએલ મેચ દરમ્યાન ઇતિહાસ રચી દીધો છે. રાશિદે શુભમન ગિલના નેતૃત્વવાળી ટીમની સિઝનની ત્રીજી મેચમાં હેનરિક ક્લાસેનની મહત્ત્વપૂર્ણ વિકેટ પ્રાપ્ત કરી પોતાની પૂર્વ ટીમ વિરુદ્ધ એકવાર ફરી પોતાનો ક્લાસ સાબિત કર્યો છે. ક્લાસેનને હાલ વિશ્વ ક્રિકેટમાં સૌથી ઇનફોર્મ અને ખતરનાક ટી-૨૦ બેટ્‌સમેન માનવામાં આવે છે અને તેણે પ્રથમ બે મેચોમાં અર્ધસદી સાથે આઇપીએલ ૨૦૨૪ની શાનદાર શરૂઆત કરી છે. એવું લાગી રહ્યું હતું કે, ક્લાસેન અમદાવાદમાં મોટી ઇનિંગ રમવા તૈયાર હતો પણ રાશિદે મેચનું ચિત્ર બદલી નાંખ્યું. ક્લાસેન ૧૩ બોલમાં ૨૪ રન બનાવી પેવેલિયન પરત ફર્યો. ક્લાસેનની વિકેટ રાશિદને ઇતિહાસ રચવામાં મદદ કરી. કારણ કે, ૨૦૨૨માં ફ્રેન્ચાઇઝીમાં સામેલ થયા બાદથી આઇપીએલ જીટી માટે આ તેની ૪૯મી વિકેટ હતી. રાશિદ ખાને મો. શમીને પાછળ પાડી દીધો છે અને ટાઇટન્સ માટે ઇતિહાસમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની ગયો છે. મો.શમી ઇજાના કારણે ૨૦૨૪ આઇપીએલમાંથી બહાર છે અને ફ્રેન્ચાઇઝી માટે તેના નામે ૪૮ વિકેટ છે. સ્ટાર ભારતીય ઝડપી બોલરે આઇપીએલ ૨૦૨૩માં ૨૮ વિકેટ ઝડપી પર્પલ કેપ જીતી હતી.

Exit mobile version