મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું હનન થાય તેવા શબ્દો પ્રયોજ્યા, મુસ્લિમ મહિલાઓ વિશે નફરતભર્યા ભાષણ કરતાં માંગરોળ મુસ્લિમ
સમાજ દ્વારા કાજલ શિંઘાળા અને સભાનું આયોજન કરનારા સામે ફરિયાદ નોંધાવી, વેરાવળની સભામાં પણ વફક બોર્ડ વિરૂદ્ધ ઝેર ઓક્યું
માંગરોળ, તા.૧
ગતરોજ ગીર-સોમનાથ જિલ્લાના ઉના મુકામે એક જાહેર સભામાં કાજલ શિંઘાળા ઉર્ફે કાજલ હિન્દુસ્તાનીએ મુસ્લિમ સમાજ અને મુસ્લિમ મહિલાઓ વિશે અશોભનીય બફાટ કરતા સમગ્ર સૌરાષ્ટ્ર પંથકના મુસ્લિમોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. જેને લઈને ઠેર-ઠેર વિરોધ અને ફરિયાદો થઈ રહી છે. ત્યારે આજે બપોરે માંગરોળ સમગ્ર મુસ્લિમ સમાજની અગ્રણી સંસ્થાના પ્રમુખ હનીફભાઈ પટેલે માંગરોળ સમગ્ર મુસ્લિમ સમાજ વતી માંગરોળ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપી, કાજલ શિંઘાળા અને જાહેર સભાનું આયોજન કરનારાઓએ મુસ્લિમ ધર્મના ઉપદેશો તથા મુસ્લિમ મહિલાઓ વિરૂદ્ધ માનભંગ થાય તેવા શબ્દો જાહેર સભામાં માઈક પર બફાટ કરીને, તેને પબ્લિક મીડિયામાં પ્રકાશિત કરીને મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાવી, મુસ્લિમો તથા હિન્દુ ધર્મ પાળતા નાગરિકો વચ્ચે આપસમા ધિકકાર અને દુશ્મનાવટ થાય અને જાહેર શાંતિ ભંગ થાય તેવું કૃત્ય કર્યા અંગે આઈપીસી ક્લમ ૧૫૩-ક(૧), ૨૯૫-૬, ૨૯૮, આઈટી એક્ટની કલમ-૬૬ હેઠળ ગુનો દાખલ કરવા ઉગ્ર માંગ કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તા.૩૦/૩/૨૦૨૩ના રોજ ઉના શહેર ખાતે રામનવમીના તહેવાર નિમિતે જાહેર સભાનું આયોજનક કરાયું હતું. આ જાહેર સભાના આયોજકોએ તેમાં પ્રવકતા તરીકે કાજલ શિંઘાળાને બોલાવે કે જેણે અગાઉ પણ વિવાદાસ્પદ અને ધૃણા ફેલાય તેવા ભાષણો આપેલ હોવાના સમાચારો પ્રસિદ્ધ થયેલ છે. આ કાજલ હિન્દુસ્તાની એ ઉના ખાતેની જાહેર સભામાં મુસ્લિમ મહિલાઓને હિંદુ પુરૂષો જોડે લગ્ન કરવા લોભ લાલચ અને પ્રલોભન આપીને ઇસ્લામ ધર્મની પરદા તથા ધાર્મિક ઉપદેશો જેવી બાબતો અને મુસ્લિમ મહિલાઓની આબરૂં તથા અસ્મિતાનું હનન થાય તેવા શબ્દો બોલેલ હોય અને તેમ કરીને ઇસ્લામ ધર્મના ઉપદેશોની વિરૂદ્ધ અને મુસ્લિમ બહેન દિકરીઓ વિરૂદ્ધ અત્યંત ધૃણાસ્પદ શબ્દો જાહેર સભામા માઈક પર બોલેલ હોય. તેણે જાહેર સભા દરમિયાન ફરિયાદીના ધર્મ તથા ધાર્મિક લાગણી તથા ઉપદેશો વિરૂદ્ધ અને મુસ્લિમ બહેનો વિરૂદ્ધ અજુગતા, ખોટા અને નફરત ફેલાવનાર અને કોમ કોમ વચ્ચે દુશમનાટ પેદા કરી અશાંતિ સર્જાય તેવા શબ્દો તથા વાકયપ્રયોગ કરેલ છે અને આ બધું રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય કક્ષાએ પબ્લીક મીડિયા પર આવી રહ્યું છે. તેણેે તદન જુઠી, અશિષ્ટ, અપમાનજનક, હકીકતથી વિપરિત તથા અમારી ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણીઓ કરેલ છે તથા આ રીતના ભાષણથી હિન્દુ અને મુસ્લિમ લોકો વચ્ચે ધિકકાર અને નફરત ફેલાય તથા ધાર્મિક દુશ્મનાવટ પેદા થાય તેને લીધે અશાંતિનું વાતાવરણ બને કે સુલેહભંગ થાય કે હુલ્લડો ફાટી નિકળે તેવો પ્રયત્ન કરેલ છે. આ ગેરકાયદે કૃત્ય કરવામાં કાજલ શિંઘાળા તથા જાહેર સભાનું આયોજન કરનાર આયોજકો તથા આ વીડિયો ફરતો કરવામાં મદદગારી કરનારાઓ એ ઈરાદાપૂર્વક હિન્દુ-મુસ્લિમ કોમો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવા અને નફરત ફેલાવવા અને હુલ્લડો શરૂ કરાવવાના પૂર્વ ઈરાદા સાથે એક બીજાને મદદગારી કરીને પૂર્વયોજિત કાવતરૂં અને ગુનાઈત ષડયંત્ર રચીને આ ગુનો કરેલ છે અને જાણી જોઈને ઈરાદાપૂર્વક અમો ફરિયાદીની ધાર્મિક લાગણી દુભાવેલ હોય તથા જાહેર જનતામાં બહોળી પ્રસિદ્ધિ આપીને બે ધર્મના લોકો વચ્ચે દુશ્મનાવટ પેદા થાય તેવું કૃત્ય કરેલ હોય, તેથી તેઓની વિરૂદ્ધ આઈપીસી તથા સલંગ્ન કાયદાઓ તથા પાસા એકટ હેઠળ પગલાં લેવા અરજ છે. સમગ્ર મુસ્લિમ સમાજ વતી ફરિયાદ આપવા હનીફભાઈ પટેલની સાથે ઘી માગરોળ બૈતુલમાલ ફંડના નેજા હેઠળ આવતી તમામ મુસ્લિમ જમાતના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ એસ.એ.સોલંકીને ફરિયાદ આપી આ કામના આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી સખત પગલાં ભરવા મૌખિક રજૂઆત પણ કરી હતી. આ લખાય રહ્યું છે ત્યારે કાજલ શિંઘાળાનો વધુ એક કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે વેરાવળની જાહેરસભાનો હોવાનું મનાય રહ્યો છે. એમા પણ કાજલ શિંઘાળાએ પોતાની સંકુચિત માનસિકતા છતી કરી વક્ફ બોર્ડ વિરૂદ્ધ બેફામ વાણી વિલાસ કરી તેણે વક્ફ બોર્ડને આખા ભારતનું ભૂમાફિયા અને ચોર ગણાવ્યું હતું. અને તેણે વક્ફ બોર્ડની ટ્રીબ્યુનલ કોર્ટને તેમના જજ, વકીલો, નિરિક્ષકો સહિતના તમામને જેહાદીઓ ગણાવ્યા હતા. એક તરફ સંવેદનશીલ સરકાર તોફાનીઓને ડામી દેવા બૂલડોઝર સુધ્ધાનો ઉપયોગ કરે છે ત્યારે બે કોમ વચ્ચે રમખાણો ફાટી નીકળે તેવો જાહેરમા બફાટ કરનારાઓ સામે શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું.