– દિનેશ શુકલ
૮ નવેમ્બર (ર૦૧૬)ની મોડી સાંજે (અથવા) રાત્રે ૮ વાગે મોદીએ ટીવી પર જાહેરાત કરી કે આજ રાતના ૧ર વાગ્યાથી રૂા.પ૦૦ અને રૂા.૧૦૦૦ની નોટો દેશના ‘લિગલ ટેન્ડર’ નહીં રહે. કોઈ પણ જાતની કાનૂની ઔપચારિકતા કર્યા વિના તેમણે જાહેરાત કરી. બીજા શબ્દોમાં ભારતના કરોડો લોકો પર સર્જિકલ સ્ટ્રાઈક કરી. જે કામ ખરેખર નાણામંત્રી જેટલીએ કરવું જોઈતું હતું, તે તેમણે પોતે વડાપ્રધાન મોદીએ કર્યું. ત્યારબાદ તેનું ઔપચારિક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું કે રૂા.પ૦૦ અને રૂા.૧૦૦૦ની નોટોનું ડિમોનિટાઈઝેશન કરવામાં આવ્યું છે. ડિમોનિટાઈઝેશનનો સરકારની દૃષ્ટિએ મુખ્ય હેતુ કાળા નાણાંની નાબૂદી, આતંકવાદને ડામવાનો અને બનાવટી નોટો, જે આપણા ચલણમાં મોટા પ્રમાણમાં છે, તે દૂર કરવાનો હતો. એકાએક લેવામાં આવેલા આવા “તધલખી” નિર્ણયને કારણે ભારતના મોટાભાગના લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા. બીજા દિવસે સવારથી સામાન્ય લોકો ખાસ કરીને મહિલાઓ ઘરના કામકાજ છોડીને બેંકો સમક્ષ લાઈનમાં ઊભા રહી ગયા. અવાર-નવાર નવા નિયમો જાહેર કરવામાં આવ્યા. લગભગ વીસેક દિવસોમાં રપ વખત નિયમો બદલવામાં આવ્યા. કોઈપણ જાતની પૂર્વ તૈયારી કર્યા વિના ભારતના સામાન્ય લોકોને ભારે મુશ્કેલીમાં મૂકી દેવામાં આવ્યા. એન.ડી.એના ભાગરૂપ શિવસેનાએ પણ આ ઉતાવળિયા પગલાં સામે વિરોધ વ્યક્ત કર્યા છે. ભાજપના એક અગ્રણી નેતા શત્રુધ્ન સિંહા (જેઓ શોટગન તરીકે ઓળખાય છે) તેમણે પણ પૂર્વ તૈયારી વિના કરવામાં આવેલા આ નિર્ણયનો વિરોધ કર્યો છે. છેવટે પૂર્વ પ્રધાનમંત્રી અને જાણીતા અર્થશાસ્ત્રી ડો.મનમોહનસિંઘને સૂચવવામાં આવ્યું કે તમે રાજ્યસભામાં આ ગંભીર વિષય પર તમારા વિચારો રજૂ કરો. મનમોહનસિંહ જ્યારે વડાપ્રધાન હતા, ત્યારે તેઓ ઝાઝુ બોલતા ન હતા, તેથી તેમને મનમૌનસિંહ કહેવામાં આવતા હતા. તેમણે રાજ્યસભામાં જે સંબોધન કર્યું તેનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું અને અખબારોમાં તે અક્ષરશઃ પ્રકાશિત કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે વડાપ્રધાને ડિમોનિટાઈઝેશન શા માટે કરવામાં આવ્યું તે બાબતે હું તેમની સાથે અસહમત થતો નથી. પણ ડિમોનિટાઈઝેશનની પ્રક્રિયાનું મોટા પ્રમાણમાં મીસ મેનેજમેન્ટ કરવામાં આવ્યું, તે વિશે સમગ્ર ભારતમાં લગભગ સહમતી પ્રવર્તે છે. જે લોકો એવું માને છે કે અથવા કહે છે કે આ પગલાને કારણે ટૂંકા ગાળામાં નુકસાન થશે અથવા સામાન્ય લોકોને મુશ્કેલી પડશે. પણ લાંબેગાળે લાભ થશે. લોર્ડ કેઈન્ઝસે કહ્યું છે કે લાંબે ગાળે તો આપણે સૌ મૃત્યુ પામ્યા હોઈશું (ઈન ધ લોંગરન ઓલ ઓફ અસ ડેડે!) તેથી દેશના સામાન્ય લોકોને જે સહન કરવું પડે છે. તેનું શું ? છેવટે શું થશે, તે કહેવું અત્યંત મુશ્કેલ છે.
ભારતના વડાપ્રધાન મોદી મને એ દેશોના નામ જણાવો કે જ્યાં લોકો પોતાના નાણાં બેંકોમાં જમા કરાવે, પણ તેઓ તે નાણાં ઉપાડી ન શકે. આ એક જ મુદ્દો આવે છે જેને તમે જોરદાર શબ્દોમાં વખોડી નાંખી શકો અને એ પણ તમે લોકો અને દેશના ભલા માટે કર્યું છે એવો તમારો દાવો છે. જે રીતે ડિમોનિટાઈઝેશનનો અમલ કરવામાં આવ્યો છે તેને કારણે કૃષિ ક્ષેત્ર, નાના ઉદ્યોગો અને જેઓ અનૌપચારિક ક્ષેત્રોમાં કામ કરે છે, તેમને ભારે નુકસા પહોંચાડશે અને મને લાગે છે કે આ નિર્ણયને કારણે આપણી ંરાષ્ટ્રીય આવક ‘ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ’ (જીડીપી)માં લગભગ બે ટકાનો ઘટાડો થશે ! આ તો એક અન્ડર એસ્ટીમેંટ છે. તેથી વડાપ્રધાને ચોક્કસ રચનાત્મક સૂચનો કરવા જોઈએ. જેને પરિણામે સામાન્ય લોકોને જે હાલાકી અનુભવી પડે છે તેમાંથી વહેલામાં વહેલી તકે છૂટકારો મળે. આ નિર્ણય અને તેનો જે રીતે અમલ કરવામાં આવ્યો છે તે બાબત પ્રાઈમિનિસ્ટર ઓફિસ (પીએમઓ) નાણામંત્રીની ઓફિસ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કેવી રીતે કામ કરે છે, તે ઉઘાડું પડી ગયું છે. લગભગ ૯૦ ટકા લોકો ઈન્ફોર્મલ (અનૌપચારિક) ક્ષેત્રમાં કામ કરે છે, પપ ટકા લોકો કૃષિક્ષેત્રમાં કામ કરે છે તેમને સૌથી વધારે હાલાકી ભોગવવી પડે છે.
આપણું મોટાભાગનું અર્થતંત્ર રોકડ નાણાનું ચાલતું અર્થતંત્ર છે. મોટાભાગના લોકોના બેંકોમાં ખાતા નથી. ખાધા ખોરાકી, જીવન જરૂરિયાતોની ખરીદી તેઓ રોકડા નાણાંથી કરે છે.
આ એક પ્રકારની વ્યવસ્થિત લૂંટ છે શું કહેવાય ! પૈસા જે બેંકોમાં મૂકવામાં આવ્યા છે તે લોકો ઉપાડી ન શકો, એ લૂંટ ન કહેવાય તો શું કહેવાય ?
લગભગ ૮૬ ટકા જેટલા નાણાંની રૂા.પ૦૦ અને રૂા.૧૦૦૦ની નોટો છે. એટલા મોટા પ્રમાણમાં નવી નોટો છાપવી અને તેને બેંકોમાં પહોંચાડવી અને એટીએમ મશીનોમાંથી મૂકવી એ માટે ઓછામાં ઓછા છથી આઠ મહિના લાગે એવો એક અંદાજ છે. એ પહેલા નવા એટીએમ મશીનો બનાવવા પડે. ટૂંકા સમયમાં થઈ શકે તે નથી ?
પૂર્વ પ્રધાન વીરપ્પન મોઈલીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જે લોકો લાઈનમાં ઊભા રહેલા અને જેમના કરૂણ મોત થયેલા એ બધા શું રાષ્ટ્રવિરોધી હતા ? કેમ આરબીઆઈ (રિઝર્વ બેંકના ગવર્નર) ચેનલો પર આવીને જરૂરી ખુલાસો કરતા નથી ? ખરેખર તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાન ગવર્નર ઉર્જિત પટેલે બહાર આવવું જોઈએ જરૂરી સ્પષ્ટતા કરવી જોઈએ. કેટલાક લોકો એવું પણ માને છે કે આરબીઆઈના ગવર્નરને વિશ્વાસમાં લીધા સિવાય વડાપ્રધાન મોદીએ આ નિર્ણય લીધેલો અને તેની ટીવી પર જાહેરાત કરેલી.
મોદીએ મોટો જુગાર ખોલ્યો છે. તેઓ સાંસદમાં આવતા નથી, આવે છે તો થોડા સમય બેસીને ચાલ્યા જાય છે. ધીમે ધીમે વડાપ્રધાન મોદી સામે લોકોનો રોષ વધતો જાય છે. અત્યારે જો લોકસભાની ચૂંટણી થાય તો મોદીને રપ૦થી ર૬૦ જેટલી જ બેઠકો મળે, એવો ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)નો રિપોર્ટ છે.
પણ એક મુદ્દાની ખાસ નોંધ લેવી જોઈએ કે મોટાભાગના વિપક્ષો એક જૂથ થઈ રહ્યા છે (અપવાદ-જનતાદળ (યુ))
અને મોદી વિરૂદ્ધ અન્ય પક્ષો દ્વારા એવું સમીકરણ ઉભું થઈ રહ્યું છે કે આગામી વિધાનસભાની ચૂંટણીઓના અને ત્યારબાદ લગભગ અઢી વર્ષ બાદ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં આ નિર્ણયનો પડઘો પડશે.
સૌ એટલું તો કબુલે છે કે મોદીએ જે પગલું ભર્યું તેની સામે ઝાઝો વાંધો નથી, પણ પૂરતી તૈયારી કર્યા વિના તેનો સીધો અમલ કર્યો તેને કારણ કરોડો લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. જેના પડઘા ચૂંટણીઓમાં પડ્યા વિના રહેશે નહીં. યુરોપે જે રીતે પ૦૦ની યુરો બેંક નોટ ધીરે ધીરે, હપ્તે-હપ્તે દૂર કરી, તેમાંથી ઘણું શીખવા જેવું છે પણ તેની તૈયારી તેણે અઢી વર્ષ પહેલા શરૂ કરેલી. શું આપણા નાણામંત્રી અરૂણ જેટલી અને આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ આ નહીં જાણતા હોય ? શું તેઓ બીબીસી ન્યુઝ ચેનલ નહીં જોતા હોય ?