
(એજન્સી) તા.૯
અમેરિકામાં હાલમાં ઈઝરાયેલ વિરોધી દેખાવો થઈ રહ્યા છે. દરમિયાન, હિંદુ-અમેરિકન સાંસદ શ્રી થાનેદારના કોમ્યુનિટી સેન્ટરને પણ પેલેસ્ટાઈન તરફી દેખાવકારોએ નિશાન બનાવ્યું હતું. કોમ્યુનિટી સેન્ટરની દિવાલ પર અભદ્ર ટિપ્પણીઓ લખી દેવામાં આવી હતી અને તેના ફોટોગ્રાફ પર ક્રોસ માર્ક પણ કરવામાં આવ્યા હતા.
ભારતીય મૂળના અમેરિકન સાંસદ શ્રી થાનેદારે ઘણી વખત ઇઝરાયેલ પર હમાસના હુમલાની નિંદા કરી છે. આ જ કારણ છે કે પેલેસ્ટીની સમર્થકો તેમનાથી નારાજ છે.
ન્યૂઝ એજન્સી અનુસાર, અમેરિકાના મિશિગન રાજ્યના ડેટ્રોઇટમાં સ્થિત થાનેદાર કોમ્યુનિટી સેન્ટર પર પેલેસ્ટિનિયન સમર્થકોએ હુમલો કર્યો હતો. દેખાવકારોએ દિવાલ પર ’જાતિવાદી’, ‘સંઘવિરામ’ અને ‘ફ્રી પેલેસ્ટીન’ જેવા શબ્દો લખ્યા હતા. તેના ફોટોગ્રાફ પર ‘ઠ’ ચિહ્ન પણ બનાવવામાં આવ્યું હતું. થાનેદારના કોમ્યુનિટી સેન્ટર પર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે સમગ્ર અમેરિકામાં પેલેસ્ટીન તરફી વિરોધ પ્રદર્શનો ઉગ્ર બન્યા છે. દેખાવકારોમાં મોટાભાગે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી અને કોલેજોમાં પડાવ નાખ્યો છે.
પોલીસ સ્ટેશન ઓફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે કોમ્યુનિટી સેન્ટર પર થયેલા આ હુમલા અંગે પોલીસમાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. આ બાબતે જવાબ આપતા પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું કે આ કોઈ ‘વિચિત્ર ઘટના’ નથી. આવી ઘટનાઓ ભય અને વિભાજન વધારવા સિવાય બીજું કંઈ કરતી નથી.