
- ગામમાં માત્ર એક જ મુસ્લિમ પરિવાર રહે છે • મુસ્લિમ પરિવારને હજયાત્રા માટે વિદાય આપતી વેળા ભાવુક દૃશ્યો સર્જાયા
(સંવાદદાતા દ્વારા)
પાલનપુર,તા.૯
માનવતા એ સૌથી મોટો ધર્મ અને તેની પ્રતીતિ કરાવતું ગામ એટલે રૂપપુરા ગામ. રૂપપુરા ગામ જયાં કોમી એકતાના દર્શન થાય છે. હિન્દુ સમાજના આ ગામમાં વર્ષોથી એક જ મુસ્લિમ પરિવારનું ઘર છે અને આ મુસ્લિમ પરિવાર સાથે હિન્દુ સમાજના લોકોની વર્ષોથી એવો ઘરોબો છે કે આજે હજયાત્રા માટે આ મુસ્લિમ પરિવારને આખા ગામે તમામ મદદ પુરી પાડી હજ માટે વિદાય આપતા ભાવુક દૃશ્યો સર્જાયા હતા. પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ જે સમગ્ર ગામમાં હિન્દુ સમાજના લોકો રહે છે. પરંતુ આ ગામમાં વર્ષોથી એક મુસ્લિમ પરિવાર પણ વસવાટ કરી રહ્યું છે. આમ તો એવું જોવા મળતું હોય છે કે હિન્દુ અને મુસ્લિમ સમાજની જયારે વાત આવે ત્યારે લોકોનો નજરિયો બદલાઈ જતો હોય છે. પરંતુ આ રૂપપુરા ગામે એક અનોખું કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડયું છે. ૧૯૬૦થી એક મુસ્લિમ પરિવાર રૂપપુરાના હિન્દુ સમાજના ગામમાં વસવાટ કરી રહ્યો છે અને આજ સુધી આ મુસ્લિમ પરિવારે હિન્દુ સમાજના લોકો સાથે હળીમળીને નવરાત્રીનો સમય હોય હોળી ધૂળેટીનો સમય હોય કે દિવાળી હોય તમામ તહેવારો પણ સાથે ઉજવ્યા છે અને મુસ્લિમ સમાજનો કોઈ તહેવાર હોય તો હિન્દુ સમાજના લોકો પણ તેમની સાથે જોડાઈને ઉજવણી કરતા હોય છે. ૬૦થી વધુ વર્ષોથી ભાઈચારો આ ગામમાં જળવાઈ રહ્યો છે. ત્યારે આ ગામમાં રહેતા મુસ્લિમ સમાજના મનસુરી પરિવાર હજયાત્રા માટે જઈ રહ્યા હતા. જેને વિદાય આપવા માટે સમગ્ર ગ્રામજનો એકઠા થયા હતા અને ફુલહાર પહેરાવી શાલ ઓઢાડીને તેમને વિદાય આપવામાં આવી હતી. આ ગામે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે કે વર્ષોથી એક ભાઈચારાની ભાવના કેવીરીતે કેળવાય અને હિન્દુ સમાજના લોકો વચ્ચે એક મુસ્લિમ પરિવારને કોમી એકતાના દર્શન કરાવ્યા હતા.