
પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઓછું ૩૫ ટકા જેટલું મતદાન, ૧.૯૨ લાખ મતદાન મથકો પર મતદાન સંપન્ન
અખિલેશ યાદવ, ગિરિરાજસિંહ, મહુઆ મોઇત્રા, અધીરરંજન ચૌધરી, અસદુદ્દીન ઓવૈસી, યુસુફ પઠાણ સહિતના દિગ્ગજ ઉમેદવારોના ભાવિ EVM સીલ
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટેના ચોથા તબક્કાનું મતદાન સોમવારે ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૬ લોકસભા સીટ પર યોજાયું હતું. આ તબક્કામાં કુલ ૧૭૧૭ ઉમેદવારો મેદાનમાં છે જેઓનું ભાવિ સોમવારે સાંજે ઇવીએમમાં સીલ થઈ ગયું હતું. સાંજે પાંચ વાગ્યા સુધી ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૬૨.૩% મતદાન નોંધાયું હતું. તેલંગાણાની તમામ ૧૭ લોકસભા બેઠકો, આંધ્રપ્રદેશની તમામ ૨૫ બેઠકો, ઉત્તરપ્રદેશની ૧૩, બિહારની પાંચ, ઝારખંડની ચાર, મધ્યપ્રદેશની આઠ, મહારાષ્ટ્રની ૧૧, ઓડિશાની ચાર, પશ્ચિમ બંગાળની આઠ બેઠકો અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન સંપન્ન થયું હતું. શ્રીનગર લોકસભા મતવિસ્તારમાં ઓગસ્ટ ૨૦૧૯માં કલમ ૩૭૦ નાબૂદ કર્યા પછી કાશ્મીરમાં આ પ્રથમ મોટી ચૂંટણી છે. આંધ્રપ્રદેશની તમામ ૧૭૫ વિધાનસભા બેઠકો પર અને ચોથા તબક્કામાં ઓડિશાની ૨૮ બેઠકો પર એક સાથે મતદાન યોજાયું હતું. આ રાઉન્ડમાં ૧૭.૭૦ કરોડથી વધુ પાત્ર મતદારો માટે ૧.૯૨ લાખ મતદાન મથકો પર ૧૯ લાખથી વધુ મતદાન અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ, ટીએમસીના ફાયરબ્રાન્ડ નેતા મહુઆ મોઇત્રા અને એમઆઇએમના અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસ નેતા અધીરરંજન ચૌધરી, ટીએમસીના પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ, આંધ્રપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ વાય.એસ. શર્મિલા સહિતના અગ્રણી ઉમેદવારો મેદાનમાં છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર એનસી પ્રમુખ ફારૂક અબ્દુલ્લાહે કહ્યું કે, તે દુઃખદ છે કે, તેઓ કહે છે કે, કોઈ હિંસા નથી થઈ અને બધું જ સામાન્ય છે, પરંતુ હું કહેવા માંગુ છું કે, અમારી પાર્ટીના કાર્યકરોને બે દિવસથી લોકઅપમાં બંધ રખાયા છે. હું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પીએમ મોદીને પૂછવા માંગુ છું કે, અમારા કાર્યકરોથી ડર લાગે છે, તેઓ ચોક્કસપણે હારી જશે ? નેશનલ કોન્ફરન્સ (એનસી)એ શ્રીનગર લોકસભા સીટ પરથી આગા સૈયદ રૂહુલ્લા મેહદીને મેદાનમાં ઉતાર્યા છે, પીડીપીએ વહીદ-ઉર-રહેમાન પારા અને જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીએ મોહમ્મદ અશરફ મીરને મેદાનમાં ઉતાર્યા છે. લોકસભાની ચૂંટણી ૧૯ એપ્રિલથી ૧ જૂન સુધી સાત તબક્કામાં યોજાઈ રહી છે. તમામ લોકસભા બેઠકોની ચૂંટણીના પરિણામ ૪ જૂને આવશે.