Harmony

પાટડીના માલવણ ગામે ધર્મની માનેલ હિન્દુ બહેનની દીકરીનાં લગ્નમાંમુસ્લિમ યુવાન અરબાઝખાને મામેરૂં ભર્યું

આજના આ યુગમાં આવો ભાઇ કોઈ ભાગ્યશાળીને જ મળે : ગીતાબેન સુરેશભાઈ ઠક્કર
બે મહિના અગાઉ મારા ભાઇ અરબાઝખાન મલેકની બહેનના લગ્નમાં અમે સૌ પરિવારજનો આત્મીયતાથી જોડાયા હતા અને આજે મારી બીજા નંબરની દીકરીના લગ્નમાં એણે વાજતે-ગાજતે મામેરું ભર્યું હતું. આમ તો મારે કોઈ સગો ભાઇ નથી, પણ આજના આ યુગમાં આવો ભાઇ કોઈ જ ભાગ્યશાળીને જ મળે. એ ગમે ત્યારે અમારી મદદ માટે હમેશા ખડેપગે તૈયાર રહે છે.

બે મહિના અગાઉ મારી બેનનાં લગ્નમાં પણ એમણે સપરિવાર હાજર રહી મદદ કરી હતી : અરબાઝખાન મલેક
અમારા જ મહોલ્લામાં રહેતા અને ટીફીન સહીતની છૂટક મજૂરી કામ કરતા ગીતાબેન ઠક્કરને મે છેલ્લા ચાર પાંચ વર્ષથી ધર્મની બહેન બનાવ્યા હતા.એમની દીકરીના લગ્નમાં મે મામેરામાં સોના ચાંદીના દાગીના સહિત જે વસ્તુની જરૂર હોય એ માટે કહ્યું હતું, પણ એમણે એમના સમાજમાં મામેરામાં પાનેતર, કપડાં અને વાસણ સહિતની ચીજવસ્તુઓ હોવાનું જણાવતા એ પ્રમાણે મે વાજતે-ગાજતે મામેરું ભર્યું હતું. વધુમાં મારી આ બહેનના બંને બાકી દીકરાના લગ્ન સહીતની તમામ જવાબદારી નિભાવવાની પણ મારી પુરી તૈયારી છે.

સુરેન્દ્રનગર, તા.૧૩
પાટડી તાલુકાના માલવણ ગામના ૧૯ વર્ષના મુસ્લિમ યુવાને ૪૫ વર્ષની ધર્મની હિન્દુ બહેનની દીકરીના લગ્નમાં રૂા.૫૦ હજારનું મામેરૂં ભરી હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું. આ મુસ્લિમ યુવાને પોતાની હિન્દુ બહેનના બંને દીકરાના લગ્ન સહિતની તમામ જવાબદારી નિભાવવાની પણ તૈયારી બતાવી માનવતાની અનોખી મહેંક પ્રસરાવી હતી. પાટડી તાલુકાના માલવણ ગામે રહેતો ૧૯ વર્ષનો મુસ્લિમ યુવાન અરબાઝખાન હાજીખાન મલેક ઉર્ફે અબો સિક્યુરિટી તરીકે ચોકીદારીનું કામ કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. આ યુવાન અરબાઝખાન મલેકે પોતાના જ મોહલ્લામાં રહેતા ૪૫ વર્ષના ગીતાબેન સુરેશભાઈ ઠક્કરને પારિવારિક સંબંધના નાતે ધર્મની બહેન બનાવી હતી. ત્યારે એમની દીકરી રાનુના લગ્ન અખિયાણા ગામના યુવાન સાથે શુક્રવારે સુરેન્દ્રનગર ખાતે યોજાનારા સમુહ લગ્નમાં નક્કી કરવામાં આવ્યા હતા. માલવણમાં મામેરાનો પ્રસંગ હતો, ત્યારે અરબાઝખાન મલેકે પોતાની હિન્દુ બહેન ગીતાબેન ઠક્કરની ૨૨ વર્ષની ભાણી રાનુ માટે પાનેતર, કપડા અને વાસણ સહીતની ઘરવખરીની ચીજવસ્તુઓ મળી અંદાજે રૂા.૫૦ હજારનું મામેરું ભરી હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.