
રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે પ્રિયંકા અને રાહુલ ગાંધી પણ ભાષણ સમયે ઊભા રહ્યાં
રાજકારણને લીધે હું રાયબરેલીમાંથી ચૂંટણી લડી રહ્યો છું પણ હું અમેઠીનો હતો, છું અને રહીશ : રાહુલ ગાંધી
રાયબરેલી મારો પરિવાર છે અને અમેઠી મારૂં ઘર,
૨૦ વર્ષ સુધી સાંસદ બનાવનાર અહીંની જનતાનો દિલથી આભાર માનું છું : સોનિયા ગાંધી
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
સોનિયા ગાંધી ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં તેમના પુત્ર રાહુલ ગાંધી માટે સ્ટાર પ્રચારક તરીકે પહોચી ગયા હતા અને તેમણે ભીડને કહ્યું કે તે તેમના દિકરાને તેમને સોંપી રહ્યા છે અને તેના બદલામાં તે તેમને નિરાશ કરશે નહીં. રાહુલ ગાંધી પરિવારના ગઢ રાયબરેલીમાંથી ચૂંટણી લડી રહ્યા છે જેનું પ્રતિનિધિત્વ તેમના ૭૭ વર્ષના માતા સોનિયા ગાંધી કરી રહ્યા હતા જેઓ આ વર્ષની શરૂઆતમાં રાજ્યસભામાં ગયા હતા. તેમણે લોકોની તાળીઓના ગળગળાટ સાથે રાયબરેલીની રેલીમાં કહ્યું કે, ‘‘મૈં આપકો અપના બેટા સોપ રહી હું’’ તેમણે ભારપૂર્વક કહ્યું કે, ‘‘જૈસા આપને મુઝે અપના માના, વૈસે હી રાહુલ કો અપના માન કર રખના હૈ. યે રાહુલ આપ કો નિરાશ નહીં કરેંગે.’’ તેમણે કહ્યું કે, ‘‘મેં રાહુલ અને પ્રિયંકાને એ જ પાઠ ભણાવ્યો જે ઈન્દિરા ગાંધી અને રાયબરેલીના લોકોએ મને શીખવ્યો હતો. બધાને માન આપવું, નબળાનું રક્ષણ કરવું, લોકોના અધિકારો માટે અન્યાય સામે લડવું. ડરશો નહીં કારણ કે તમારા મૂળ સંઘર્ષના છે અને પરંપરાઓ ખૂબ જ ઊંડી છે, સોનિયા ગાંધી ૨૦૦૪માં રાયબરેલીથી પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા ત્યારબાદથી જ આ બેઠક કોંગ્રેસ માટે સુરક્ષિત છે. સોનિયા ગાંધીએ પણ તેમને ચૂંટવા બદલ રાયબરેલીના લોકોનો આભાર માન્યો હતો. સોનિયા ગાંધીને ભીડને સંબોધતાં કહ્યું કે, ‘‘હું ખુશ છું કે મને લાંબા સમય પછી તમારી વચ્ચે રહેવાની તક મળી છે. હું મારા હૃદયના ઊંડાણથી તમારો આભાર માનું છું. મારૂં માથું તમારી આગળ આદરથી ઝૂકી ગયું છે. તમે મને સેવા કરવાની તક આપી છે. ૨૦ વર્ષથી સાંસદ રહેવું એ મારા જીવનની સૌથી મોટી સંપત્તિ છે. ૫૩ વર્ષીય રાહુલ ગાંધી ભાજપના દિનેશ પ્રતાપ સિંહ સામે ટકરાશે. સોનિયા ગાંધીએ કહ્યું કે, ‘‘રાયબરેલી મારો પરિવાર છે, તેવી જ રીતે અમેઠી પણ મારૂં ઘર છે. આ સ્થળ સાથે મારા જીવનની નાજુક યાદો જ જોડાયેલી નથી પરંતુ અમારા પરિવારના મૂળ પણ આ માટી સાથે છેલ્લા ૧૦૦ વર્ષથી જોડાયેલા છે. આ સંબંધ જેટલો પવિત્ર છે. માતા ગંગા, અવધ અને રાયબરેલીના ખેડૂતોના આંદોલનથી શરૂ થઈ હતી જે આજ સુધી ચાલુ છે.’’ સોનિયા ગાંધી ભાષણ કરી રહ્યા હતા ત્યારે પુત્રી પ્રિયંકા અને પુત્ર રાહુલ તેમની પાછળ ઊભા હતા. પ્રતિષ્ઠિત બેઠકનું પ્રતિનિધિત્વ રાહુલ ગાંધીના દાદી ઇન્દિરા ગાંધી અને દાદા ફિરોઝ ગાંધીએ લોકસભામાં કર્યું હતું. રાયબરેલી અને નજીકના અમેઠીમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં ૨૦ મેના રોજ મતદાન યોજાશે. અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્મા સામે છે જે ગાંધી પરિવારના લાંબા સમયથી વફાદાર રહ્યા છે. રાહુલ ગાંધીએ અમેઠીમાં કોંગ્રેસના ઉમેદવાર કિશોરીલાલ શર્મા માટે મત માગતાં કહ્યું કે, ‘‘હું મારા પિતા (રાજીવ ગાંધી) સાથે ૪૨ વર્ષ પહેલા અહીં પહેલીવાર આવ્યો હતો. હું રાજકારણ વિશે જે કંઈ પણ શીખ્યો છું તે મને અમેઠીની જનતાએ શીખવ્યું છે. તે સમયે ન તો રસ્તા હતા અને ન કોઈ વિકાસ. અને હું અહીંના લોકો અને મારા પિતા વચ્ચેના પ્રેમના સંબંધનો સાક્ષી બન્યો છું.’’ તેમણે યાદ અપાવ્યું કે, ‘‘અને તે પણ (મારી શૈલી) રાજનીતિ છે. તેથી તમે એવું ન વિચારો કે હું રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યો છું… હું અમેઠીનો હતો, છું અને રહીશ.’’ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ૮૦ બેઠકો માટે તમામ સાત તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. ૪ જૂને મત ગણતરી થશે.