International

‘ખૂબ જ દુઃખદ અને આઘાતજનક’ : ભારતે દુર્ઘટનામાં ઈરાની રાષ્ટ્રપતિ રઈસી અને વિદેશમંત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીના નિધન પર ભારતે મંગળવારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અને વિદેશમંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહિયનનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે.આ સમય દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિના નિધન બાદ ભારત સરકારે ૨૧ મેના રોજ દેશમાં એક દિવસના શોકની જાહેરાત કરી છે. અઝરબૈજાનથી પરત ફરતી વખતે તેમના હેલિકોપ્ટરમાં વિદેશમંત્રી હુસૈન, પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર મલિક રહેમતી, તબરીઝના ઇમામ મોહમ્મદ અલી અલેહાશેમને સવાર હતા. હેલિકોપ્ટરના પાઈલટ અને કો-પાઇલટની સાથે ક્રૂ ચીફ, સિક્યોરિટી હેડ અને બોડીગાર્ડ પણ હાજર હતા. અકસ્માતમાં દરેક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
ભારતે સોમવારે ઈરાનના ઉત્તરપશ્ચિમમાં અઝરબૈજાનના વરઝાકાન ક્ષેત્રમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. સૈયદ ઈબ્રાહિમ રઇસી અને વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દોલ્લાહિયાનના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. અઝરબૈજાન રિપબ્લિકની સરહદ પર રાષ્ટ્રપતિએ કિઝ કલાસી ડેમનું ઉદ્‌ઘાટન કર્યા પછી રઇસીનું હેલિકોપ્ટર અને વધુ બે હેલિકોપ્ટર સાથે રવિવારે તાબરીઝ સિટી તરફ રવાના થયું હતું. હેલિકોપ્ટરનો કાટમાળ સોમવારે મળી આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કર્યું “ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકના પ્રમુખ ડૉ. સૈયદ ઈબ્રાહિમ રઇસીના દુઃખદ અવસાનથી ખૂબ જ દુઃખી છું અને આઘાત લાગ્યો.” મોદીએ ભારત-ઈરાન સંબંધોનું વર્ણન કર્યું અને રઇસીની ભૂમિકાને યાદ કરી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું “ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને ઈરાનના લોકો પ્રત્યે મારી દિલથી સંવેદના. ભારત દુઃખની આ ઘડીમાં ઈરાનની સાથે છે.” રવિવારે રાત્રે મોદીએ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે, રાષ્ટ્રપતિ રઇસીના હેલિકોપ્ટર દુર્ઘટના અંગેના અહેવાલોથી ખૂબ ચિંતિત છું. અમે આ સંકટની ઘડીમાં ઈરાનના લોકો સાથે એકતામાં ઊભા છીએ અને રાષ્ટ્રપતિ અને તેમના કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ. વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ઈરાની નેતૃત્વના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને જાન્યુઆરીમાં બંને નેતાઓ સાથેની તેમની બેઠકોનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. મંત્રીએ એક્સ પર પોસ્ટ કર્યું “હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. ઈબ્રાહીમ રઇસી અને વિદેશ મંત્રી એચ. અમીર-અબ્દોલ્લાહિયનના અવસાન વિશે સાંભળીને ઊંડો આઘાત લાગ્યો છે. તાજેતરમાં જાન્યુઆરી ૨૦૨૪માં તેમની સાથેની મારી ઘણી મુલાકાતો યાદ આવે છે. તેમના પરિવારો પ્રત્યે અમારી સંવેદના. આ દુર્ઘટના સમયે અમે ઈરાનના લોકો સાથે ઊભા છીએ.” ઈરાનમાં ભારતીય દૂતાવાસ દ્વારા પણ જયશંકરની પોસ્ટ પર્શિયન ભાષામાં પોસ્ટ કરવામાં આવી હતી. આ વર્ષે જયશંકર ૧૪-૧૫ જાન્યુઆરીએ બંને પક્ષો વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન માટે તેહરાન ગયા હતા. તેમણે ઈરાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી અને વિદેશ મંત્રી ડૉ. અબ્દુલ્લાહિયાન સાથે મુલાકાત કરી હતી. ઈરાનના વિદેશ મંત્રી સાથેની બેઠકમાં રાજકીય સહયોગ, લોકો વચ્ચેના સંબંધો અને કનેક્ટિવિટી પહેલ સહિતના દ્વિપક્ષીય સંબંધોના પાસાઓ પર ચર્ચા થઈ હતી.

Related posts
International

બ્રિટનના પત્રકાર સંઘે ગાઝા પર ઇઝરાયેલના હવાઈહુમલામાં પાંચ પત્રકારોની હત્યાની ટીકા કરી

(એજન્સી) તા.૨૮બ્રિટિશ નેશનલ યુનિયન ઓફ…
Read more
International

અરબ લીગે અલ-અક્સા મસ્જિદ પરઇઝરાયેલના મંત્રીની ઘૂસણખોરીની નિંદા કરી

(એજન્સી) કૈરો, તા.૨૮અરબ લીગ (AL)ના…
Read more
International

બશર અસદના સંબંધીઓએ લેબેનોનથી બહાર જવાનો પ્રયાસ કરતાં ધરપકડ કરવામાં આવી

(એજન્સી) તા.૨૮સીરિયન રાષ્ટ્રપતિ બશર…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.