પ્રભાવી વ્યક્તિત્વ – મુહમ્મદ સઈદ શેખ
અબુ જાફર હારૂન ઈબ્ન મુહમ્મદ અલ મેહદી સામાન્ય રીતે હારૂન ઇબ્ને મેહદી અને હારૂન અરરશીદ તરીકે પ્રસિદ્ધ અબ્બાસી વંશના પાંચમાં અને વિશ્વ પ્રસિદ્ધ ખલીફા હતા. વિશ્વ સાહિત્યમાં અનેરૂં સ્થાન ધરાવતી ‘અરેબિયન નાઈટ્સ’ માટે પ્રસિદ્ધ છે.
હારૂન અરરશીદનો જન્મ રઇ શહેરમાં ૧ મુહર્રમ ૧૪૯/ફેબ્રુઆરી ૭૬૬માં (અને તબરીના મત મુજબ ૨૬, ઝીલ હજજ ૧૪૫/૧૭ માર્ચ ૭૬૩માં ખલીફા અલ મેહદી અને (આઝાદ કરેલ)દાસી ખયઝુરાનના બીજા પુત્ર હતા. મેહદીએ એની સાથે કાયદેસર લગ્ન કર્યા હતા. ખયઝુરાન એક સશક્ત અને હોશિયાર મહિલા હતી અને એનો એના પતિ અને પુત્ર બંને પર ઘણી બધી બાબતો પર ખાસો પ્રભાવ હતો.
ત્રણ ચાર વર્ષની ઉમરે મેહદી હારૂન અરરશીદને લઈને બગદાદ આવી ગયો હતો. અહીં હારૂને શિક્ષણ પ્રાપ્ત કર્યું. કુર્આન, હદીસ, અરબી સાહિત્ય અને વ્યાકરણનું જ્ઞાન અલી બિન હમઝા કુસાઈથી, શેર શાયરીનું જ્ઞાન મુફસ્સલ બિન ઝબહિથી અને રાજનીતિનું જ્ઞાન યાહ્યા બિન ખાલિદ બરમકીથી પ્રાપ્ત કર્યું હતું. ખલીફા મેહદીએ બરમકીને હારૂન અરરશીદનો વઝીર, સેક્રેટરી અને એની સંપત્તિનો વ્યવસ્થાપક બનાવી દીધો હતો.
કિશોરાવસ્થામાં જ મેહદીએ હારૂનને ઈસ ૭૭૯-૮૦ તથા ૭૮૧-૮૨માં બાયઝેનટાઇન વિરૂદ્ધ લડાઈમાં મોકલી દીધો હતો. હારૂને બીજી લડાઈમાં સમાલુના કિલ્લાને સર કર્યો અને આ વખતે અબ્બાસી સૈન્ય પ્રથમ અને છેલ્લી વખત બોસ્ફરસના સમુદ્ર કિનારા સુધી પહોંચી ગયું હતું. રોમના તત્કાલીન શાસક એલ્વીનની પત્નીએ દર વર્ષે જઝીયા વેરો આપવાની સંધી કરી, હારૂન ઘણી ભેટ સોગાદો લઈને ૭૮૨માં બગદાદ આવી પહોંચ્યો.ખલીફા મેહદીએ એક ફરમાન દ્વારા હારૂનને યાહ્યા બિન ખાલીદની દેખરેખમાં ઇફ્રીકીયા, ઈજિપ્ત, સીરિયા, આર્મેનિયા અને અઝરબેઝનનો ગવર્નર નિયુક્ત કર્યો અને મુસા હાદીને પોતાનો પ્રથમ ઉત્તરાધિકારી અને હારૂનને દ્વિતીય ઉત્તરાધિકારી નિયુક્તિનો એલાન કર્યો હારૂનને ‘અરરશીદ’નો લક્બ આપ્યો.
મેહદીનું અવસાન ઈસ ૭૮૫માં થતા હારૂને મુસાની બેઅત (પ્રતિજ્ઞા) લીધી પરંતુ બંને ભાઈઓમાં બની નહિ તો હારૂનને કેદમાં નાખવામાં આવ્યો. જયારે મુસા હાદીનું સપ્ટેમ્બર ૭૮૬મા મૃત્યુ થયું. એ જ રાત્રે હારૂન અરરશીદ કેદ ખાનામાંથી બહાર આવ્યો અને ખલીફા બન્યો.
હારૂન અરરશીદ ખિલાફતના તખ્ત પર બેઠો ત્યારે એની ઉમર માત્ર ૨૧ વરસ હતી. પ્રથમ વર્ષે જ એણે મક્કાની હજ યાત્રાએ ગયો અને મક્કા-મદીનાવાસીઓને ઇનામ, ભેટ સોગાદો આપી ખુશ કર્યા અને જે અલ્વીઓ બગદાદની જેલમાં કેદ હતા એમને છોડી મુક્યા. એમને હિજાજ જવાની પરવાનગી આપી અને એમના માટે સારા પેન્શનની વ્યવસ્થા કરી.
હારૂન અરરશીદના સુવર્ણ કાળમાં રોમનો (બાય્ઝેન્તીનીઓ) સાથે લડાઈ અને યુદ્ધની શ્રંખલા ચાલુ રહી. કોન્સ્તેન્તાઈનની રાણી આયરીન જઝીયા વેરાની મોટી રકમ બયતુલ માલમાં જમા કરાવતી હતી. રોમનોએ એને પદભ્રષ્ટ કરી નીસેફોરસને સેનાપતિ તરીકે નિયુક્ત કર્યો. એણે જઝીયો આપવાનો ઇન્કાર કર્યો અને પહેલાની રકમ પણ પાછી આપતો ધમકી ભર્યો પત્ર હારૂનને લખ્યો. પત્ર વાંચી હારૂને યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી. આ દરમિયાન જ રોમન સૈન્યએ મુસ્લિમ પ્રદેશોમાં ઘૂસી મુસલમાનોને કતલ કરવા શરૂ કરી દીધા. હારૂનના સૈન્યએ પ્રતિક્રિયારૂપે રોમન પ્રદેશોમાં ઘૂસી એમના પર વિજય મેળવ્યો. રોમન સેનાપતિમાં લડવાની શક્તિ નહોતી તેથી જઝીયા વેરો અદા કરવાનું કબુલ્યું પરંતુ હારૂન જેવો પાછો ફર્યો કે એણે વચનભંગ કરી મુસલમાન વસ્તીઓમાં લૂંટફાટ અને કત્લે આમ કરી. હારૂનને ખબર મળતા માર્ગમાંથી પાછો ફર્યો અને બંને સૈન્યો વચ્ચે ઘમસાણનું યુદ્ધ થયું. રોમનો હાર્યા અને એમણે ત્રણ લાખ દીનાર યુદ્ધની નુકસાની તથા જઝીયા પેટે આપવાનું સ્વીકાર્યું. આ યુદ્ધમાં વિજય મેળવી હારૂન અરરશીદ રક્કા ચાલ્યો ગયો.
હારૂનના ઘણા સંતાનો હતા એમાંથી એને અમીન અને મામુનથી વધારે લગાવ હતો. એણે અલ અમીનને પોતાનો પ્રથમ અને મામુનને દ્વિતીય ઉત્તરાધિકારી તરીકે નીમ્યા હતા.
હારૂની ખિલાફત કાળમાં બધી શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓની વ્યવસ્થા બરામકારને આભારી હતી. ખિલાફતમાં બરમકનો પુત્ર ખાલિદ અને એના પછી એનો પુત્ર યાહ્યા વિવિધ હોદ્દાઓ પર રહી કાર્ય કરતા રહ્યાં. હારૂને યાહ્યાને પોતાનો વઝીર બનાવી ઘણી બધી સત્તાઓ એને સુપ્રત કરી હતી. સત્તર વર્ષ સુધી યાહ્યા અને એના ચાર પુત્રો ખિલાફતમાં પ્રશાસનની જવાબદારીઓ અદા કરતા રહ્યા. તેઓ એટલા શક્તિશાળી બની ગયા કે બધા નિર્ણયો પોતે જ કરવા લાગ્યા હતા. બયતુલમાલ એમના કબજામાં હતો એમણે પોતાના ખાસ માણસોને માલામાલ કરી દીધા હતા. અહીં સુધી કે શાહી ફરમાન પણ ચારે ભાઈઓ આપતા હતા. એક સમય એવો આવ્યો કે લોકો પણ એમને વાસ્તવિક ખલીફા જ સમજવા લાગ્યા હતા અને હારૂન અલરશીદ નામ માત્રનો ખલીફા રહી ગયો હતો.
આ સ્થિતિમાં હારૂન અરરશીદ બરામકાથી ત્રસ્ત રહેવા લાગ્યો. હાશમી અને અબ્બાસી ઉમરાવો પણ બરામકાની વિરૂદ્ધ થઇ ગયા હતા. એમણે હારૂનના મનમાં આ વાત બેસાડી દીધી હતી કે બરામકા એનાથી ખિલાફત ઝુંટવી લેશે અને અરબીને બદલે ઈરાન શહેનશાહી સ્થાપિત કરી દેશે. હારૂન અરરશીદનું ધૈર્ય ખૂટી ગયું તો એણે બરામકાને નેસ્તનાબૂદ કરવાનો નિર્ણય કરી લીધો. હિસ ૧૮૭માં હારૂને જાફરને કતલ કર્યો અને બાકીના ભાઈઓને કેદખાનામાં નાખી દીધા જેઓ એમાં જ મૃત્યુ પામ્યા. આ રીતે બરામકાનો દુઃખદ અંત આવ્યો. એમની તબાહીના છ વર્ષ પછી હિસ ૧૯૩માં હારૂન અરરશીદ રાફે બિન લેસના વિદ્રોહનો ખાત્મો કરવા ખોરાસાન ગયો હતો ત્યાં જ તુસ (હાલના ઈરાનના રઝવી ખોરાસન પ્રાંત)માં એનું અવસાન થયું.
હારૂન અરરશીદનું ચારિત્ર્ય અને એના શિષ્ટાચાર અને કમાલ ‘અરેબિયન નાઈટ્સ’ની વાર્તાઓ અને અલ આગાનીની કથાઓનાં અંબારમાં ક્યાંક ખોવાઈને રહી ગયા છે. એ જોકે રંગીન મિજાજ અને સંગીતનો ચાહક હતો પરંતુ બીજી બાજુ એ શરીઅતનો ચુસ્તપણે અમલ કરતો હતો. આ ઉપરાંત એ પોતે શિક્ષિત અને વિદ્વાન હતો. એણે ઘણી વખત હજ યાત્રાઓ કરી હતી. એ પ્રસિદ્ધ સુફી ફૂઝેલ બિન અયાઝ અને ઇબ્ને અસસમાકથી ખૂબ શ્રદ્ધા રાખતો હતો અને એમની નસીહતો પર આચરણ પણ કરતો હતો. એની પત્ની ઝુબેદા ખાતૂન પણ એની જેમ દયાવાન અને ઉદાર હતી. એમની સખાવતની સીમાઓ બગદાદથી મક્કા-મદીના સુધી ફેલાયેલી હતી. મક્કામાં આજે પણ ઝુબેદા નહેર એના કામ અને નામનું જીવંત ઉદાહરણ છે.
(વધુ આવતા અંકે)