Religion

અબ્બાસી ખલીફા હારૂન અરરશીદ (ઈ.સ. જ.૭૬૩ કે ૭૬૬ – મૃ.૮૦૯)

ભાગ-૨

પ્રભાવી વ્યક્તિત્વ – મુહમ્મદ સઈદ શેખ

બગદાદ અબ્બાસી ખિલાફતનું પાટનગર ઉપરાંત સંસ્કૃતિ અને વેપારનું કેન્દ્ર પણ હતું. વિદેશથી ઘણા વિદ્વાનો અને કલાકારો અહીં આવતા. બગદાદની સંસ્કૃતિમાં ઈરાન, હિન્દુસ્તાન, ગ્રીસ અને રોમની સંસ્કૃતિઓની ઝલક હતી. અહીં મુસ્લિમો ઉપરાંત ખ્રિસ્તીઓ અને યહુદીઓ પણ સારી સંખ્યામાં હતા. બધા ધર્મોનો આદર કરવામાં આવતો. વેપાર ખ્રિસ્તીઓ અને યહુદીઓના હાથમાં હતું. હારૂન અરરશીદનો અંગત તબીબ જિબ્રિલ બિન બખ્તીશું નામક ખ્રીસ્તી હતો. હારૂનના સમયમાં ઇદુલ ફિત્ર અને ઇદુલ અઝ્‌હા ધામધૂમથી ઉજવવામાં આવતી. નવરોઝનો તહેવાર જો કે ઈરાની તહેવાર હતો પણ બધા જ ધર્મોના લોકો ઉજવણી કરતા. એવી જ રીતે ખ્રિસ્તીઓના તહેવારમાં કેટલાક શોખીન મુસ્લિમો પણ શામેલ થતા. ખિલાફતમાં એશ આરામ, ખુશહાલી અને ભૌતિક બાબતોમાં લિજ્જત પ્રાપ્ત કરવા જેવી બાબતો પણ પેસી ગઈ હતી. ગુલામો, દાસીઓ, ગાયકો અને મનોરંજનમાં જ મસ્ત રહેનારાઓની સંખ્યા ઘણી વધી ગઈ હતી અને એમણે સમાજમાં બગાડ ઉત્પન્ન કર્યો હતો. આ મોજ મજા અને ધમાલ મસ્તીના વાતાવરણથી દૂર કેટલાંક એવા બંદાઓ પણ હતા જેઓ સંયમિત અને સાદું જીવન જીવતા હતા, એમણે ધાર્મિક જ્ઞાનના પ્રચાર પ્રસાર અને લોકોના માર્ગદર્શન માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. આ શ્રેણીમાં હજરત સુફિયાન બિન સૂરી, હજરત અબ્દુલ્લાહ બિન મુબારક અને હઝરત ફૂઝેલ બિન અયાઝ રહ.જેવા લોકોનો સમાવેશ થતો હતો. એમની સાદગી, સંયમ, દુનિયાદારીથી વિમુખતા, લોકસેવા અને એમની નસિયતોથી પ્રભાવિત થઈને ઘણા ખ્રિસ્તીઓ, યહુદીઓ, પારસીઓ અને સબાઇ લોકોએ ઇસ્લામ સ્વીકારી લીધું હતું.
હારૂન અરરશીદના ખિલાફતકાળમાં રાજકીય અને પ્રશાસનીય કર્યો માટે અલગ વિભાગ હતો. રાષ્ટ્ર ચોવીસ પ્રાંતોમાં વિભાજીત થયેલ હતું. એનો શાસક વાલી કે ગવર્નર કહેવાતો. પ્રાંતમાં શાંતિ સલામતિ અને ન્યાયની જવાબદારી વાલીની રહેતી. કર ઉઘરાવવાની જવાબદારી પણ એની રહેતી પરંતુ વાલીઓને આદેશ આપવામાં આવતો કે કર ઉઘરાવવામાં લોકો સાથે સદવર્તન કરે અને બળજબરી ના કરે.
હારૂન અરરશીદનો ખિલાફત કાળ આરબોના ઇતિહાસમાં સુવર્ણ કાલ ગણાય છે. તે પોતે એક વિદ્વાન હતો અને બીજા વિદ્વાનો તથા નિષ્ણાતોને આશ્રય આપી એમની કદર કરતો. એના સમયમાં બગદાદ એક આકર્ષણનું કેન્દ્ર હતું જ્યાં કવિઓ, સાહિત્યકારો, સંગીતકારો, જ્ઞાનીઓ અને તબીબો તથા અનુવાદકો આવીને વસવામાં ગૌરવ અનુભવતા. હારૂનના દરબારમાં અબુ નુવ્વાસ જેવો કવિ અને ઝરીયાબ જેવો સંગીતકાર આવતો હતો. એવું કહેવાય છે કે ઝરીયાબે ઊદ નામક વાદ્યમાં કે જેમાં ૧૨ તાર હોય છે એને સંપૂર્ણ કરી વ્યવસ્થિત કર્યું હતું.
હારૂનના ખિલાફતકાળમાં કુર્આનના જ્ઞાન અને એનું પઠન(કિરાત)થી જ્ઞાનની ચળવળનો પ્રારંભ થયો હતો. શબ્દકોશ વિદ્યાનો પ્રારંભ થયો. કુસાઈ અને અબ્દુલ માલિક અલ અસ્મઇ જેવા વિદ્વાનો હારૂનના દરબારના રત્નો હતા. અબુ ઉબેદા અમ્માર બિન મુસંના હારૂનના દરબારમાં એ વિદ્વાન હતા જેમણે કુર્આનની પ્રથમ શાબ્દિક તફસીર ‘મજાઝૂલ કુર્આન’ લખી હતી. સાહિત્યના કથનકારોમાં ખલ્ફુલ અહ્મર, ઝીયાદુલ બકાઈ અને ઇબ્ને અયાશ પ્રસિદ્ધ હતા.
હારૂનના સમયમાં ઇસ્લામી રાષ્ટ્રનું વિસ્તૃતીકરણ, કેટલાક સામાજિક અને આર્થિક પ્રશ્નો ઉભા થયા હતા જેમને ઉકેલવા જરૂરી હતા. એ માટે ઈમામ અબુ હનીફા રહ.અને એમના શિષ્યો ઈમામ અબુ યુસુફ અને ઈમામ મુહમદ બિન હસન શય્બાની રહ.ધ્યાન આપ્યું. હારૂન અરરશિદે ઇમામ અબુ યુસુફથી કે જેઓ મુખ્ય ન્યાયધીશ – કાજી ઉલ ક્ઝાત -હતા -એમનાથી ‘કિતાબુલ ખિરાજ’નું સંપાદન કરાવ્યું. હદીસના જ્ઞાનમાં ઈમામ માલિક રહ.જેવું વ્યક્તિત્વ હતું. એમણે હદીસના પ્રસિદ્ધ ગ્રંથ ઈમામ મોતાનું સંપાદન કર્યું હતું. હારૂન અરરશીદ એમનાથી ઘણી શ્રદ્ધા ધરાવતો હતો. હિસ ૧૭૪માં હારૂન અરરશીદ પોતાના બંને પુત્રો અમીન અને મામુનને લઈને હજ યાત્રાએ ગયો હતો ત્યારે ઈમામ માલિક રહ.ની દર્સની મજલિસમાં હાજરી આપી હદીસો સાંભળી હતી.
હારૂનને ઇસ્લામી અને ધાર્મિક જ્ઞાન ઉપરાંત બીજી વિદ્યાઓ અને કલાઓમાં ખૂબ અભિરૂચિ હતી. એણે ગ્રીક અને ફારસી ગ્રંથોના અનુવાદમાં માટે ‘બયતુલ હિક્માહ’ (ર્ૐેજીર્ ક ઉૈજર્ઙ્ઘદ્બ) કે ‘જ્ઞાન ગૃહ’ની સ્થાપના કરી હતી. આનો વડો સિરિયાક વિદ્વાન યુહન્ના બિન સવ્યાહ હતો. આ જ્ઞાનગૃહમાં પ્રાચીન પ્રશિષ્ટ ગ્રંથોનો અરબીમાં અનુવાદ કરવામાં આવતું. હારૂને અહીં ઘણા બધા વિદ્વાનો, વૈજ્ઞાનિકો અને તબીબોને કાયમી ધોરણે નિયુક્ત કર્યા હતા. જેમનું કાર્ય ગ્રીક અને ફારસી પ્રસીસ્થ ગ્રંથોનું અરબીમાં અને સીરિયક ભાષામાં અનુવાદ કરવાનું હતું. ફઝલ બિન નવબખ્ત જે ફારસ (ઈરાન)નો રહેવાસી હતો. એણે ફારસના વિદ્વાનો અને ફિલ્સુફોના ગ્રંથોનું અરબી ભાષામાં અનુવાદ કર્યું હતું. અહી જે ગ્રંથોનો અનુવાદ કરવામાં આવતો એમાં તબીબી શાસ્ત્ર, ફિલસુફી, ગણિત અને વિજ્ઞાન જેવા ગ્રંથોનો સમાવેશ થતો હતો. સંસ્કૃતમાંથી પણ ઘણા ગ્રંથોનો અરબીમાં અનુવાદ કરવામાં આવ્યો. એમના હિબ્રુ અને લેટીન અનુવાદો આજે પણ યુરોપના કેટલાંક પુસ્તકાલયોમાં જોવા મળે છે. આ જ સમય ગાળામાં ‘તોરાહ’ અને ‘ઇન્ઝિલ’(બાઈબલ)નું અરબીમાં અનુવાદ કરવામાં આવ્યું. જ્ઞાનના વિકાસ અને પ્રચાર પ્રસ્સારમાં ‘વર્રાક’(ત્યારે પ્રિન્ટીંગ મશીનની શોધ થઇ નહતી તેથી હસ્તપ્રતોની નકલ કરવામાં આવતી જેથી બીજા દેશો અને પ્રદેશોમાં મોકલ શકાય- આ નકલ કરનાર વર્રાક’ કહેવાતો)ની મોટી અને મહત્વની ભૂમિકા હતી. તેઓ હસ્તપ્રતોને સુંદર અક્ષરોમાં નકલ કરી આપતા અને પુસ્તક પ્રેમીઓથી મો માંગી રકમ વસુલ કરતા. તેઓ પુસ્તકો (હસ્તપ્રતો) પણ વેચતા હતા.
હારૂન અરરશીદના યુગમાં શેર અને શાયરી નું ચલણ વધ્યું હતું અને એનો વિકાસ પણ થયો હતો. બિન અરબો અને ગ્રીક સંસ્કૃતિના સુભગ સમન્વયને કારણે અરબી શાયરીમાં નવા આયામો ઉમેરાયા હતા. વિચારોમાં વિસ્તૃતા અને રજૂઆતમાં નજાકત અને લતાફતનો ઉમેરો થયો. શાયરીમાં નવી ઉપમાઓ અને નવા વિચારોની રજૂઆત થઇ. આ જ સમયમાં કળા અને સંગીતનો પણ ખૂબ ફેલાવો થયો. ગાયકોએ નવા નવા રાગો અને ધૂનો શોધી કાઢ્યા હતા.
હારૂન અરરશીદે રોમન એમ્પાયરના રાજા શાર્લ્મેન સાથે રાજદ્વારી સંબંધો રાખ્યા હતા અને વસ્તુઓની આપલે પણ થતી હતી. હારૂને શાર્લ્મેનને અબુલ અબ્બાસ નામક હાથી અને પાણી દ્વારા સમય બતાવતી ઘડિયાળ પણ ભેટ મોકલી હતી.
આમ હારૂન અર રશીદના સૂવર્ણ યુગમાં જ્યાં કળા, સંસ્કૃતિ અને સભ્યતાએ નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરી હતી, ત્યાં જ એની રાજકીય વિચારસરણી કે સત્તા વિકેન્દ્રિત હોવી જોઈએ- નીતિને લીધે એણે જે કુટુંબો કે વંશોને અલગ અલગ પ્રદેશો શાસન માટે આપી રાખ્યા હતા-એના લીધે સત્તા પર એની પકડ ઢીલી પડી. કેટલાક ઈતિહાસકારોના મત મુજબ એના સમયમાં અબ્બાસી ખિલાફતે પોતાની આન ગુમાવી દીધી હતી.
હારૂન અરરશીદનો અરેબિયન નાઈટ્‌સની ત્રણેક વાર્તાઓમાં ઉલ્લેખ થયો છે. આજની કેટલીક ગેમ્સમાં પણ એ એક આકર્ષક નાયક છે કેમ કે એ એક ધનવાન ઉદાર, વિદ્વાન અને સખી ખલીફા હતો, જેની ખિલાફતમાં સમૃદ્ધિ, એશ આરામ અને લજ્જત હતી – આ એ બાબતો છે જે કોઈ પણ કથા કે ગેમને જકડી રાખવામાં ઉપયોગી થઈ શકે એમ છે.
આમ હારૂન અરરશીદનો ઇસ્લામી સૂવર્ણ યુગમાં ઘણો મહત્વનો ફાળો હતો. એના સમયમાં થયેલ સંસ્કૃતિક અને જ્ઞાનની પ્રગતિને લીધે યુરોપીય સમાજે પ્રગતિના પંથે ડગ ભરવા શરૂ કર્યા હતા.
(પૂર્ણ)

Related posts
Religion

હદીસ બોધ

એ ઉચ્ચ પ્રકારની નેકી છે કે માનવી તેના…
Read more
Religion

હદીસ બોધ

હિસાબના દિવસે (ન્યાયના દિવસે)…
Read more
Religion

હદીસ બોધ

કિંમતના પ્રમાણે વજન કરો અને વજન નમતું…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.