ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે
ઈદનો શાબ્દિક અર્થ પરત ફરવાનો છે. ઈસ્લામ ધર્મ દ્વારા પોતાના અનુયાયીઓ માટે પ્રત્યેક વર્ષ બે ઈદ રાખવામાં આવી છે જે હર્ષોલ્લાસનું પ્રતીક છે. પ્રથમ તે ઈદ જે રમઝાન માસના એક મહિનાના રોઝા રાખ્યા પછી મનાવવામાં આવે છે જેને ઈદુલ ફિત્રનું નામ આપવામાં આવ્યું છે. બીજી તે જેને આપણે ઈદ-ઉલ-અઝહા અર્થાત કુરબાનીની ઈદ કહેવાય છે. જે ઈસ્લામી કેલેન્ડરના છેલ્લા મહિને અર્થાત જિલહજની દસમી તારીખે મનાવવામાં આવે છે. આ ઈદના પ્રસંગે પ્રત્યેક તે મુસલમાન જે આર્થિક રીતે સધ્ધર કે સક્ષમ હોય અને ઝકાત આપે છે તે અલ્લાહના માર્ગ કે રસ્તામાં પશુની કુરબાની કરીને તેના એક મહત્ત્વના પયગમ્બર હઝરત ઈબ્રાહીમ (અ.સ.)ના તે બલિદાનને યાદ કરવાનો પ્રયત્ન કરે છે, જે તેમણે અલ્લાહના આદેશનું પાલન કરતા પોતાના પુત્રને અલ્લાહના રસ્તામાં કુરબાન કરીને કર્યું હતું.
ઈસ્લામી ઈતિહાસની આ ઘટનાનું અલ્લાહે કુર્આનમાં વિસ્તૃત રીતે વર્ણન કર્યું છે. કુર્આનનું વર્ણન છે કે હઝરત ઈબ્રાહીમ (અ.સ.)એ એક દિવસ પોતાના પુત્ર હઝરત ઈસ્માઈલ (અ.સ.)ને કહ્યું કે અય મારા પુત્ર ! હું સ્વપ્નમાં જોઈ રહ્યો હતો કે અલ્લાહના રસ્તામાં તારી કુરબાની કરી રહ્યો છું. હવે તું મને બતાવ કે તારો શું વિચાર છે ? આ પ્રસંગે પુત્રએ પિતાને અલ્લાહના આદેશનું પાલન કરવાની ઈચ્છા વ્યક્ત કરી.
હવે બંને પિતા અને પુત્ર અલ્લાહની પરીક્ષામાં સફળ રહ્યા તો ત્યારબાદ પશુની કુરબાની કરવામાં આવી, કેમ કે આ પરીક્ષાથી અલ્લાહનો ઉદ્દેશ પુત્રનું બલિદાન નહીં. પરંતુ એ પ્રમાણિત કરવું હતું કે જેઓ અલ્લાહની ઉપર વિશ્વાસ મૂકે છે. તેમના હૃદયમાં અલ્લાહનો પ્રેમ સૌથી વધારે હોય છે. તથા તે તેના માર્ગમાં પ્રત્યેક વસ્તુનું બલિદાન આપવા માટે હરહંમેશ તૈયાર રહે છે. આ જ વાસ્તવિકતાને કુર્આનમાં આ શબ્દોમાં વર્ણવવામાં આવી છે.
અલ્લાહ સુધી ન તો કુરબાનીઓનું માંસ પહોંચે છે અને ન તો રક્ત, અલ્લાહ સુધી ફક્ત મનુષ્યના હૃદયનું પુણ્ય તથા તેનું આજ્ઞાપાલન પહોંચે છે. ઈદુલ અઝહા મનુષ્યને અલ્લાહનું આજ્ઞાપાલન તથા સગા-સંબંધીઓ અને સંબંધોનું પાલન કરવાનો પાઠ યાદ અપાવે છે. આ જ કારણે ઈદની નમાઝ પછી લોકો પોતપોતાના સગા-સંબંધીઓ તથા પારકા એવા તમામ લોકોને ભેટે છે જેથી કરીને પ્રેમ અને લાગણીઓની ભાવના દ્વારા પોતાના હૃદયમાંથી ઘૃણા, દ્વેષ, અહમ્, અહંકાર અને અભિમાનની માનસિકતાને ધોઈ નાંખે. આનું એક મહત્ત્વપૂર્ણ ઉદાહરણ અને પુરાવો આ છે કે ઈસ્લામી શિક્ષાઓ દ્વારા કુરબાનીના માંસમાં ત્રણ હિસ્સા કે ભાગ રાખવામાં આવ્યા છે. એક ભાગ પોતાના તથા પરિવારના ઉપયોગ માટે, બીજો ભાગ સગા-સંબંધીઓ તથા મિત્રો માટે તથા ત્રીજો ભાગ સમાજમાં વસતા નિર્ધન, ગરીબ કે દરિદ્ર લોકો માટે રાખવામાં આવ્યો છે.
આ પ્રકારે ઈદુલ અઝહા ફકત અલ્લાહની આજ્ઞાઓનું પાલન તથા તેની ઈચ્છાની પ્રાપ્તિ, માનવીય સંબંધોની સુદૃઢતા તથા માનવતાની સેવાનું એક મહત્ત્વપૂર્ણ અવસર જ માત્ર નહીં પરંતુ તેના દ્વારા હઝરત ઈબ્રાહીમ (અ.સ.), ઈસ્માઈલ (અ.સ.) અને અંતિમ પયગમ્બર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના માર્ગોનું અનુકરણ પણ થાય છે. અને મનુષ્ય અલ્લાહના રસ્તામાં પ્રત્યેક સ્વરૂપે બલિદાન આપવા માટે તૈયાર થઈ જાય છે.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)