
ગાઝા મીડિયા ઓફિસે કહ્યું કે, આ પ્રતિબંધ ‘માનવ અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે અને માનવીય અને ઇસ્લામિક મૂલ્યોની સંપૂર્ણ અવગણના છે’
(એજન્સી) ગાઝા, તા.૧૬
ગાઝા મીડિયા ઓફિસે ગઈકાલે જણાવ્યું કે, ઇઝરાયેલ દ્વારા કુરબાની માટેના પ્રાણીઓના પ્રવેશ પર પ્રતિબંધથી ગાઝા પટ્ટીના લાખો પરિવારો ઈસ્લામિક ધાર્મિક પ્રથાઓના ભાગરૂપે ઈદ અલ-અધાના તહેવારની ઉજવણી કરવાની અને કુરબાનીની વિધિઓ કરવાની તકથી વંચિત રહ્યા છે. ઇદ અલ-અધાના પર્વના એક નિવેદનમાં ગાઝા ઓફિસે જણાવ્યું હતું કે, રફાહ બોર્ડર ક્રોસિંગ અને કેરેમ શાલોમ ક્રોસિંગ પર કબજો કરી તેના પર પ્રતિબંધ લગાવવા સહિત ગાઝા પટ્ટીના તમામ રસ્તાઓને બંધ કરીને કુરબાનીના પ્રાણીઓના પ્રવેશને અટકાવીને ‘કબજેદાર દળોએ નવો ગુનો કર્યો છે.’
તેમણે આ પ્રતિબંધને ‘માનવ અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન અને માનવીય અને ઇસ્લામિક મૂલ્યોની સંપૂર્ણ અવગણના’ ગણાવી હતી. ઓફિસે ભારપૂર્વક જણાવ્યું કે, ‘બલિદાન પ્રાણીઓ ઇદ અલ-અધાનો અભિન્ન ભાગ છે. નૈતિક અને કાનૂની જવાબદારીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને નરસંહારને રોકવા અને મુસ્લિમોના અધિકારો અને માનવીય અધિકારોના આ સ્પષ્ટ ઉલ્લંઘનને રોકવા માટે ગંભીરતાપૂર્વક દરમિયાનગીરી કરવાની જરૂર છે.’ મીડિયા ઓફિસે ઇઝરાયેલ અને યુએસ પ્રશાસનને ‘ઇસ્લામ વિરુદ્ધ અને અમારા પેલેસ્ટીની લોકો વિરુદ્ધ આ ગુનાઓ ચાલુ રાખવા માટે સંપૂર્ણપણે જવાબદાર’ ગણાવ્યા હતા. સ્થાનિક આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ગયા વર્ષે ઓકટોબરથી ઇઝરાયેલી દળો દ્વારા ગાઝામાં લગભગ ૩૭,૩૦૦ પેલેસ્ટીનીઓ માર્યા ગયા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે અને લગભગ ૮૫,૨૦૦ પેલેસ્ટીનીઓ ઘાયલ છે. આઠ મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા ઇઝરાયેલના આક્રમણમાં ગાઝાનો વિશાળ વિસ્તાર ખોરાક, સ્વચ્છ પાણી અને દવાઓના અપંગ નાકાબંધી વચ્ચે ખંડેરમાં પડ્યો છે.