(એજન્સી) તા.૧૮
ઉત્તરપ્રદેશ (યુપી)ના ભદોહીમાં એક સગીર દલિત છોકરી સાથે તેના જ ઘરમાં વારંવાર જાતીય દુષ્કર્મની એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. પરિવારને આ અંગેની જાણ ત્યારે થઈ જ્યારે તેણીએ પ્રેગ્નન્સીના લક્ષણો દર્શાવ્યા અને તેઓ તેને ડોક્ટર પાસે લઈ ગયા. સુરિયાવા પોલીસ સ્ટેશનની પોલીસના જણાવ્યા મુજબ ૧૭ વર્ષની છોકરી પર તેના ગામના એક વ્યક્તિ દ્વારા વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. એક અહેવાલમાં જણાવાયું હતું કે યુવતીના પિતાએ ગયા અઠવાડિયે સુરિયાવા પોલીસ સ્ટેશનમાં રાજુ ગુપ્તા નામના વ્યક્તિ વિરૂદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી. હાલમાં મળતી માહિતી મુજબ ગુનેગાર રાજુ ગુપ્તા વારંવાર દુષ્કર્મ આચરવા માટે ઘરે કોઈ ન હોય ત્યારે છોકરીના ઘરે આવવાનું શરૂ કરી દીધું હતું. એસએચઓ રામ નગીના યાદવના જણાવ્યા અનુસાર, પોલીસે દુડવા ધર્મપુરીના રહેવાસી ૨૬ વર્ષીય ગુપ્તાની ધરપકડ કરી છે અને તેની સામે દુષ્કર્મનો કેસ નોંધ્યો છે. ગુપ્તા પર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ સાથે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે ગુપ્તાની શોધ શરૂ કરી હતી અને સુરિયાવા રેલવે સ્ટેશન નજીકથી તેની ધરપકડ કરી હતી. અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસે તેના ઠ (અગાઉનું ટિ્વટર) એકાઉન્ટ પર આ ઘટના માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે અને તેને ‘દેશની ભાજપ શાસિત દુષ્કર્મની રાજધાની’ની ઘટના ગણાવી છે.