ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂની થવાના સંકેત

મનસુખભાઈ મારી ઓળખ ભાજપની નથી : ચાવડા નવા-જૂની કરી શકે !
(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.રર
ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂની થવાના સંકેતો જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી નારાજ થઈ સાઈડલાઈન થયેલ મૂળ કોંગ્રેસમાંથી આવેલ પૂર્વ કેબિનેટ મંત્રી નવા-જૂની કરે તેવી સ્પષ્ટ શકયતા જોવાઈ રહી છે. રાજયમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર દરમ્યાન પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભા બેઠક પૂર્વમંત્રી જવાહર ચાવડાને લઈ ચર્ચામાં રહી હતી. મૂળ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલ જવાહર ચાવડા ભાજપના કાર્યક્રમોમાં ઉપસ્થિત ન રહેતા તેમની ગેરહાજરીની નોંધ લેવાતી હતી અને ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આડકતરા આક્ષેપો પણ કર્યા હતા. અગાઉ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ એક કાર્યક્રમમાં નામ લીધા વગર જવાહર ચાવડા પર પ્રહાર કરતા કહ્યું હતું કે જે લોકો પોતાના નામ પાછળ ભાજપ લગાવી ફરતા હોય તેમણે ભાજપ માટે કામ કરવું જોઈએ. એના જવાબમાં આજે જવાહર ચાવડાએ સોશિયલ મીડિયામાં ભાજપના પોસ્ટર હટાવતો વીડિયો વાઈરલ કરીને કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા પર વળતા પ્રહાર કરતા કહ્યું હતું કે મનસુખભાઈ મારી ઓળખ ભાજપથી નથી. જવાહર ચાવડાએ પોતાના સોશિયલ એકાઉન્ટ પરથી અચાનક ભાજપના સિમ્બોલ સહિતની પોસ્ટ હટાવી દેતા ચર્ચાઓ વહેતી થઈ છે. તેમણે ભાજપની તમામ પોસ્ટ દૂર કરી દીધી છે. જવાહર ચાવડાએ ભાજપનું ચિહ્ન હટાવીને જણાવ્યું હતું કે મનસુખભાઈ માંડવિયા નમસ્કાર દસ વર્ષ દરમ્યાન માણાવદર વંથલીના ખેડૂતોના બિયારણ, પાક વીમો, ધોવાણના પ્રશ્ન હતા અને સૌથી મોટો પ્રશ્ન આ વિસ્તારનો ડાર્ક ઝોન હતો. આ ડાર્ક ઝોન મુવમેન્ટ મેં ત્રણ વર્ષ સુધી ચલાવી અને ડાર્ક ઝોન હટાવ્યું હતું. જૂનાગઢ માટે ૬૦૦ કરોડ પાછા લાવવાનું અભિયાન અને જૂનાગઢ જિલ્લામાં લોકશાહીનું અભિયાન ચલાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સિવાય પણ જૂનાગઢના ગરીબો વંચિતો માટે બીપીએલ સહાયતા અભિયાન શરૂ કર્યું હતું. એ અભિયાન સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને જામનગરમાં શરૂ કર્યું હતું. જેમાં ૭પ,૦૦૦થી વધુ ગરીબોને બીપીએલના લાભો અપાવ્યા હતા અને આ મારૂં કામ હતું, આ મારી ઓળખ હતી. એના પર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાવી દીધી હતી. આટલી હિંમત, તાકાત કે ત્રેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમ્યાન બોલવાની જરૂર હતી. આમ જવાહર ચાવડા હવે આગામી દિવસોમાં ભાજપ છોડી ફરી કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ અગાઉ જૂનાગઢના માણાવદર વિધાનસભા અને પોરબંદર લોકસભા વિસ્તારમાં આવતા વંથલીમાં ભાજપના કાર્યકર્તાઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. તો સાથે ચૂંટણી સમયે ભાજપના જે નેતાઓ રિસાયા હતા. તેમને પણ નામ લીધા વિના મેસેજ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જે નેતાઓ પોતાના નામ પાછળ ભાજપ લગાવતા હોય તેમણે ભાજપનું કામ કરવું જોઈએ છતાં કેટલાક રિસાયા તો મેં આગેવાનોને કહ્યું કે શું કરીશું ? તો આગેવાનોએ કહ્યું કે લડી લઈશું. મંત્રીએ ભાજપના કાર્યકર્તાઓને શીખ આપતા કહ્યું હતું કે અરવિંદ લાડાણી ધારાસભ્ય છે અને હું સંસદસભ્ય છું. જરૂર નથી કે બધાની અપેક્ષા પૂરી થઈ જશે. કાર્યકર્તા તરીકે આપણા જનપ્રતિનિધિ પ્રત્યે કયારેય અયોગ્ય વાત નીકળવી જોઈએ નહીં. વીરો મારો જગમગ જગમગ થાય એ જ પાંચ વર્ષ સુધી કહેવાનું છે. આ કાર્યક્રમમાં સ્થાનિક ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ જણાવ્યું હતું કે મંત્રી મનસુખ માંડવિયાના ધ્યાન પર મુકું છું. કે માણાવદર વિધાનસભાના તમામ કાર્યકર્તાઓએ પાર્ટીના બંને ઉમેદવારોને જંગી બહુમતીથી જિતાડયા છે આ માણાવદર વિધાનસભામાં અસુરી શકિતએ હવનમાં હાડકા નાખવા માટેના ખુબ પ્રયત્નો કર્યા અને લોભ લાલચ પણ આપવામાં આવી. છતાં એક પણ કાર્યકર્તા ડગ્યો નથી. જવાહર ચાવડા મુદ્દે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ પણ નિવેદન આપ્યું છે. લલિત કગથરાએ જણાવ્યું હતું કે જવાહર ચાવડાએ કમળને હટાવીને પોતાની રિયાલીટી બતાવી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને તેમણે આ બતાવ્યું છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપમાં અસંતોષ છે. આ અસંતોષ હવે આગામી દિવસોમાં વિસ્ફોટ થવાનો છે. જવાહર ચાવડા લોકોના પ્રશ્નોને વાચા આપીને નેતા બન્યા છે. મોદી અને ભાજપના ચિહ્નના કારણે તેઓ નેતા બન્યા નથી. જવાહર ચાવડાને લોકો કમળના હિસાબે નહી પરંતુ તેમના નામથી ઓળખે છે. જયેશ રાદડિયા પણ ભાજપના મેન્ડેડની વિરૂદ્ધમાં જઈને ઈફકોમાં ચૂંટણી લડયા હતા. ભાજપ આવા લોકોને દબાવીને રાજકારણ કરવા માંગે છે તેનો આ જવાબ છે. અત્રે ઉલ્લેખનીય છે કે માણાવદર બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિં લાડાણીએ પૂર્વ કેબિનેટમંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાએ જિનિંગ ફેકટરીમાં કાર્યકર્તાઓની મીટિંગ બોલાવી એમાં જાણ કરેલી કે મારા પપ્પાની હારનો બદલો લેવા માટે ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવી કોંગ્રેસના ઉમેદવારને જિતાડવાના છે. આ મિટીંગમાં ૮૦૦થી વધુ કાર્યકર્તા હાજર હતા આ અંગે તેમણે પાટીલને પણ રજૂઆત કરી હતી.