
(એજન્સી) નાસિક, તા.૩૦
પંચવટી વિસ્તારમાં નિમાની સિટી બસ ટર્મિનસ નજીક શનિવારે સવારે કેટલાક દલિત સમુદાયના સભ્યો શાંતિપૂર્ણ વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા હતા, જે બાદ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ વિરોધ દલિત સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે છપાયેલાં પેમ્ફલેટના પરિભ્રમણનો જવાબમાં હતો. પંચવટીના વ્યસ્ત રોડ પર સવારે ૯.૩૦ વાગ્યે શરૂ થયેલું આંદોલન છ કલાક સુધી ચાલ્યું હતું. વાહનોની અવરજવર બંધ કરાવી દેવામાં આવી હતી. નિમાણી બસ સ્ટેન્ડ તરફ જતા તમામ રસ્તાઓ પર ચક્કાજામ થઈ ગયો હતો અને આ વિસ્તારના દુકાનદારોએ અને વેપારીઓએ તેમના વેપાર ધંધા બંધ રાખ્યા હતા. સી.પી. સંદીપ કર્ણિકના માર્ગદર્શન હેઠળ પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિશાળ ફોર્સ તૈનાત કરી દીધી હતી. ઝોન ૧ના ડીસીપી કિરણ કુમાર ચવ્હાણ, એસીપી અને વિવિધ પોલીસ સ્ટેશનોના સિનિયર ઇન્સ્પેક્ટરો સાથે ઘટનાસ્થળે હાજર હતા. દેવયાની ફરાંડે, સીમા હિરે અને રાહુલ ઢિકલે સહિતના ધારાસભ્યો વિરોધમાં જોડાયા હતા અને તેમનું સમર્થન કર્યું હતું. પુણેમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે, રાજ્ય સરકારે આ બાબતે તાત્કાલિક સંજ્ઞાન લેવું જોઈએ અને આવી ગેરરીતિઓને બંધ કરાવવી જોઈએ. ડીસીપી ચવ્હાણ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસે પેમ્ફલેટ ફેલાવનાર આરોપીની અટકાયત કરી હતી. તેઓએ કહ્યું કે, પેમ્ફલેટ પર એક વ્યક્તિ અને તેના નામનો ફોટો હતો. જો કે, તપાસ દરમિયાન એ સ્પષ્ટ થયું હતું કે, જેના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે વ્યક્તિની તેમાં કોઈ ભૂમિકા નથી.