ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે
વ્યક્તિ વિશેષ તથા સામાજિક સમસ્યાઓના ધાર્મિક સ્ત્રોતો અને શિક્ષાઓને અનુરૂપ નિવારણ અને સમાધાન ઈજતેહાદ કહેવાય છે અને આ કાર્યને પૂર્ણ કરનાર માટે મુજ્તહિદ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ઈસ્લામી ઈતિહાસના અધ્યયનથી આ વાત જાણવા મળે છે કે, હરહંમેશ જ મુસ્લિમ સમાજમાં કેટલાક એવા વિદ્વાન અને ધર્મશાસ્ત્રી પેદા થતાં રહ્યા છે. જેમણે માનવ સમાજને તેના વિકાસને અનુરૂપ ફક્ત સમજવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં પરંતુ તે અવરોધો અને સમસ્યાઓને ટાળવા તથા ઉકેલવાનો પ્રયાસ કર્યો છે, જે તેના વિકાસમાં વિઘ્ન ઊભા કરતા હતા.
આ સંબંધમાં ઈસ્લામી ઈતિહાસના આરંભથી આજ પર્યત હજારો વિદ્વાનોનું નામ રજૂ કરી શકાય છે. જેમણે પોતપોતાના સમયમાં માનવ સમાજને પોતાના જ્ઞાન અને વિચારોથી લાભાન્વિત કર્યો છે. આ વિદ્વાનો અને ધર્મશાસ્ત્રીઓને જેમણે આપણે મુજ્તહિદના નામે પોકારીએ છીએ. આ કાર્ય માટે પ્રેરણા ઈસ્લામ ધર્મના તે મૂળ સ્ત્રોતો અર્થાત્ કુર્આનમાંથી મળતા હતા. જેમાં વારંવાર મનુષ્યને વિચાર-વિમર્શ માટે ફક્ત પ્રેરિત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ જુદા-જુદા સ્થળોએ પ્રોત્સાહિત પણ કર્યા છે. સાથોસાથ આ કાર્યમાં અંતિમ પયગમ્બર મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના તે કથનોએ પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. જેમાં આ કાર્યને પૂણ્ય બતાવવામાં આવ્યું છે. અત્રે આ વાત પણ સ્પષ્ટ કરવી જોઈએ કે, હઝરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબની હદીસમાં જે વાત કહેવામાં આવી છે. તેનાથી જાણવા મળે છે કે, મુજ્તહિદને તેમના આ કાર્ય માટે પ્રત્યેક અવસ્થામાં પૂણ્યની પ્રાપ્તી થાય છે. પછી તે વાસ્તવિક તથા યોગ્ય સમાધાન સુધી પહોંચે કે નહીં. કેમ કે, આ કાર્ય દ્વારા મનુષ્ય સમસ્ત માનવતાની ભલાઈ અને વિકાસનું કારણ બને છે.
ઈજતિહાદના કાર્ય દ્વારા ફક્ત માનવ સમાજની નવી-નવી સમસ્યાઓનું સમાધાન કરવામાં આવે છે. એટલું જ નહીં. પરંતુ આ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું કે, તે સમાધાન ધાર્મિક શિક્ષાઓને અનુરૂપ અને સમસ્ત માનવજાતિના હિતોમાં થાય. આ જ પ્રકારે ઈજતિહાદના સબંધમાં આ વાત પણ ખૂબ જ રોચક છે કે, આના સ્ત્રોતોમાં કુર્આન અને હદીસની સાથોસાથ તે ક્ષેત્રિય રીતિ-રીવાજોને મૂકવામાં આવ્યા છે. જે વિવિધ માનવ સમાજનો વિશેષ ભાગ રહ્યા છે.
આ સંબંધમાં ઈસ્લામની મૌલિક ઈબાદતો ખાસ કરીને હજનું ઉદાહરણ આપી શકાય છે. હજના લગભગ તે તમામ અરકાનોને ઈસ્લામે બાકી રાખ્યા છે. જેમાં કેટલાક સંશોધન અને પરિવર્તન કરવામાં આવ્યા છે.
આ રીતે જો જોવામાં આવે તો ખાવા-પીવા તથા વેશભૂષાના સંબંધમાં પણ ઈસ્લામી સ્ત્રોતો દ્વારા ફક્ત કેટલાક દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. જેને માનવ સમાજ યુગ અને ક્ષેત્રાનુસાર અપનાવે છે અને તેમાં પરિવર્તન તથા નવીનિકરણ કરતા રહ્યા છે. ઈજતિહાદનો ઉદ્દેશ જ સમાજની ઉન્નતી અને પ્રગતિની સાથે ઈસ્લામી શિક્ષાઓની પ્રાસંગિકતા જાળવી રાખવાનું છે. જેથી કરીને માનવ સમાજને આવશ્યકતા અને સમયાનુસાર તેની સમસ્યાઓનું ધર્માનુસાર સમાધાન મળી શકે.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)