
સ્પેન આ પહેલાં ૧૯૬૬, ૨૦૦૮ અને ૨૦૧૨માં યુરો ટાઇટલ જીતી ચૂક્યું છે
આ યુરો કપમાં સ્પેને સાતેય મેચ જીતી અને એક ટુર્નામેન્ટમાં હાઇએસ્ટ ૧૫ ગોલ કરવાનો રેકોર્ડ બનાવ્યો
બર્લિન, તા.૧૫
સ્પેને ઇંગ્લેન્ડનું ૧૯૬૬ બાદ પ્રથમ ટાઇટલ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર કરતા તેને ૨-૧થી હરાવી યુરોપિયન ફૂટબોલમાં રેકોર્ડ ચોથી વખત ટાઇટલ કબજે કર્યું છે. ટુર્નામેન્ટમાં શરૂઆતથી અંત સુધી સ્પેનનું વર્ચસ્વ રહ્યું. જેણે ૮૬મી મિનિટમાં મિકેલ ઓયારઝાબાલના ગોલની મદદથી ફાઇનલમાં ૨-૧થી જીત મેળવી. કપ્તાન અલવારો મોરાટાના વિકલ્પ તરીકે મેદાન પર ઉતરેલા મિકેલે માર્ક કુકુરેલાના પાસને ગોલમાં ફેરવી મેચને એકસ્ટ્રા ટાઇમમાં જતી બચાવી હતી. ફૂટબોલના જનક ઇંગ્લેન્ડે ૧૯૬૬ વિશ્વકપ બાદ કોઈ મોટું ટાઇટલ જીત્યું નથી. જર્મનીમાં ૧૯૩૬ ઓલિમ્પિક માટે બનેલા આ સ્ટેડિયમમાં ટ્રોફી પકડેલા સ્પેનના ખેલાડીઓ અને આસમાનમાં થતી આતશબાજીને ઇંગ્લેન્ડના નિરાશ ખેલાડી જોતા રહી ગયા. સ્પેને આ પહેલાં ૧૯૬૪, ૨૦૦૮ અને ૨૦૧૨માં યુરો ટાઇટલ જીત્યું છે. સ્પેન માટે ૪૭મી મિનિટમાં પ્રથમ ગોલ કરનાર નિકો વિલિયમ્સે કહ્યું કે, અમે યુરોપના ચેમ્પિયન છે. ઇંગ્લેન્ડ માટે કોલ પામરે ૭૩મી મિનિટમાં બરાબરીનો ગોલ કર્યો હતો. યુરો ચેમ્પિયનશીપ રમનાર સૌથી યુવા ખેલાડી લામાઇન યમલે વિલિયમ્સના ગોલમાં સૂત્રધારની ભૂમિકા નિભાવી. શનિવારે પોતાનો ૧૭મો જન્મદિવસ મનાવી ચૂકેલા યમલની માતા ગિનિયાથી અને પિતા મોરક્કોના છે. જ્યારે વિલિયમ્સના માતા-પિતા ઘાનાના છે. જે સારા જીવનની શોધમાં યુરોપ આવ્યા હતા. સ્પેન પહોંચવા માટે તે ખીચોખીચ ભરેલ ટ્રકમાં બેસીને અને સહારા રણમાં ચાલીને પહોંચ્યા હતા. પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયેલા વિલિયમ્સે કહ્યું કે, મારા માતા-પિતાએ મને અહિંયા સુધી પહોંચાડવા માટે ઘણું બધુ સહન કર્યું છે. હું ખુશ છું ક ે, મેં ઇતિહાસ રચી દીધો. વિલિયમ્સનો ભાઈ ઇનાકી ઘાના માટે રમે છે પણ તેણે સ્પેનની પસંદગી કરી. હવે પૂરા દેશનો હીરો બની ગયો છે. સ્પેને બંને મહિલા વિશ્વકપ ઇંગ્લેન્ડને હરાવી જીત્યો અને ૨૦૨૩માં યુએફા નેશન્સ લીગ પણ જીતી. આ યુરો ચેમ્પિયનશીપમાં સ્પેને સાતેય મેચ જીતી છે અને એક ટુર્નામેન્ટમાં હાઇએસ્ટ ૧૫ ગોલ કરવાનો રેકોર્ડ બનાવ્યો. યમલે જીત બાદ કહ્યું કે, મને આનાથી સારી જન્મદિવસની ભેટ ના મળી શકે. સ્વપ્ન સાકાર થઈ ગયું. બીજી બાજુ ઇંગ્લેન્ડને ૨૦૨૧ યુરો ફાઇનલમાં ઇટાલીએ પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું. આ હારથી તેના બધા ઘા ફરી તાજા થઈ ગયા અને ટ્રોફીનો દુકાળ પણ લંબાઈ ગયો.