
અનહદ અમાનવીય અત્યાચાર
આ ઘટના ત્યારે બની હતી જ્યારે દળો ૨૩ જુલાઈ, મંગળવારે રાત્રે કેમ્પમાં આવ્યા હતા અને આ હુમલાના પરિણામે પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા
(એજન્સી) તા.૨૫
ઇઝરાયેલી સૈન્ય દળોએ વેસ્ટ બેન્ક તુલકારમ શરણાર્થી શિબિર પર હુમલા દરમિયાન માનવ ઢાલ તરીકે એક પેલેસ્ટીની વ્યક્તિને લશ્કરી જીપના હૂડ સાથે બાંધી દીધો હતો. આ ઘટના ત્યારે બની હતી જ્યારે દળો ૨૩ જુલાઈ મંગળવારે રાત્રે કેમ્પમાં આવ્યા હતા અને આ હુમલાના પરિણામે પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા. WAFA ના સંવાદદાતાએ અહેવાલ આપ્યો કે દળોએ હુમલો કર્યા પછી ઘાયલ લોકો સહિત ઘણા યુવાનોની અટકાયત કરી હતી અને ઘરની અંદર લોહી અને ગોળીઓના નિશાન મળી આવ્યા હતા. દળોએ અટકાયતીઓ પૈકી એકને લશ્કરી વાહનની આગળના ભાગમાં બાંધીને તેનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો. ૨૨ જૂને બનેલી આવી જ ઘટનામાં ઇઝરાયલી દળોએ જેનિન શહેરમાં દરોડા પાડ્યા બાદ ઘાયલ પેલેસ્ટીની વ્યક્તિને લશ્કરી જીપના હૂડ સાથે બાંધી દીધો હતો. ઇઝરાયેલી સૈન્યએ તેમના પર ઓર્ડર અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. ઑક્ટોબર ૭, ૨૦૨૩ના રોજ ગાઝા પટ્ટીમાં યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી વેસ્ટ બેન્કમાં હિંસા નોંધપાત્ર રીતે વધી છે. પેલેસ્ટીની અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂર્વ જેરૂસલેમ સહિત અહી સંઘર્ષને લગતી ઘટનાઓમાં સશસ્ત્ર જૂથો, હુમલાખોરો અને નાગરિકો સહિત ૫૦૦થી વધુ પેલેસ્ટીની માર્યા ગયા છે.