(એજન્સી) તા.૨
યુરો-મેડ મોનિટરે ગાઝા પટ્ટી પર મનસ્વી નાકાબંધી લાગુ કરવા માટે ઇઝરાયેલી સત્તાવાળાઓની નિંદા કરી છે અને કહ્યું છે કે૪ ઈઝરાયેલ સ્વચ્છ પાણી સહિત માનવતાવાદી સહાયથી લોકોને વંચિત રાખી રહ્યું છે અને સહાયને મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો છે.
તેમણે જણાવ્યુ હતું કે, ચેપી રોગોનો ફેલાવો વધી રહ્યો છે અને આશરે ૨૩ લાખ પેલેસ્ટીનીઓ અનિશ્ચિત જીવનની પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. ઇઝરાયેલ અહીં નરસંહાર કરી રહ્યું છે. સમગ્ર વસ્તીને એવી પરિસ્થિતિઓમાં મૂકવું યોગ્ય નથી અને આ પરિસ્થિતિ વ્યાપક મૃત્યુનું કારણ બની શકે છે અને ગંભીર ચામડીના રોગો અને હેપેટાઇટિસ સહિતના ચેપનો ફેલાવો થાય છે. ઇઝરાયેલ ગાઝાના તમામ રહેવાસીઓને સ્વચ્છતા પુરવઠો અને સાધનો આપવા માટે મનસ્વી રીતે ઇન્કાર કરી રહ્યું છે અને નાગરિકો આપત્તિજનક આરોગ્ય કટોકટીનો સામનો કરી રહ્યા છે. આ કટોકટી વસ્તીના ફરજિયાત, વારંવાર વિસ્થાપન, તેમજ સ્વચ્છ પાણીના અભાવને કારણે વધુ ખરાબ થઈ છે, જેના કારણે ચામડીના રોગો બાળકોમાં ફેલાય છે. આવી બીમારીઓથી સંક્રમિત લોકો તબીબી સહાય મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે કારણ કે, ઇઝરાયેલે સમગ્ર પટ્ટીમાં તબીબી સુવિધાઓ તોડી પાડી છે અને દવાઓની પ્રવેશ મર્યાદિત કરી છે. યુરો-મેડ મોનિટરે જણાવ્યું હતું કે, સેનિટેશન સપ્લાય જેમ કે સાબુ અને શેમ્પૂ અત્યંત મોંઘા છે અથવા બજારોમાં પણ ઉપલબ્ધ નથી. દાખલા તરીકે સાબુના બારની કિંમત હવે ૩૦ શેકેલ (૯ ડૉલર) છે જ્યારે શેમ્પૂની એક બોટલની કિંમત ૯૦ શેકેલ (૨૫ ડૉલર) છે. અહીં લોકો પાસે ખાવા માટે કંઈ નથી, તો તેઓને આ કેવી રીતે પોસાય શકે ? સ્વચ્છતા ઉત્પાદનોની અછત ઉપરાંત સેનિટરી ઉત્પાદનો શોધવા પણ મુશ્કેલ છે અને વિસ્થાપિત પેલેસ્ટીનીઓ માટે ખરીદવા માટે તે ખૂબ ઊંચી કિંમતે વેચાય છે. એક માતાએ કહ્યું કે, મારા બાળકોના ડાયપર સંપૂર્ણપણે બિનઉપયોગી હોવા છતાં મારે તેના નાના ટુકડા કરવા પડે છે અને સેનિટરી પેડ તરીકે તેનો ઉપયોગ કરવો પડે છે. મારા માસિક સમયગાળા દરમિયાન મારે આખા દિવસ માટે એક જ પેડનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે મને ચેપ અને ફોલ્લીઓ થઈ છે. ગાઝા પટ્ટીમાં આશરે ૬,૮૦,૦૦૦ સ્ત્રીઓ અને છોકરીઓ પ્રજનન વયની છે.