ભારતના રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ તથા ભાજપના સાંસદ બ્રિજભૂષણ સરણસિંહ સામે જાતિય શોષણના આરોપ લગાવનાર ફોગાટે અનેક પડકારો છતાં પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું
(એજન્સી) પેરિસ, તા. ૬
પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ભારતીય રેસલર વિનેશ ફોગાટે ૫૦ કિ.ગ્રા. શ્રેણીની સેમિફાઇનલ મેચમાં ક્યુબાની યુસમેનિસ ગુઝમેનને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જો તે ફાઇનલ મુકાબલો જીતી જશે તો ભારત પાસે આ ઓલિમ્પિકમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીતશે. વિનેશે સેમિફાઇનલમાં યુસમેનિસ ગુઝમેનને ૫-૦થી એકતરફી મુકાબલામાં હરાવી હતી. ફાઇનલમાં તેનો મુકાબલો અન્ય સેમિફાઇનલના પરિણામ પછી નક્કી થશે. મેચમાં પ્રથમ દોઢ મિનિટમાં બંને ખેલાડીઓએ દમદાર પ્રદર્શન કર્યું અને એકબીજા સામે એક પણ પોઇન્ટ મેળવી ના શક્યા. ત્યારબાદ ભારતીય ખેલાડી વિનેશ ફોગાટે એક પોઇન્ટ મેળવ્યો હતો અને પ્રથમ રાઉન્ડમાં એક પોઇન્ટથી આગળ રહી હતી. બીજા રાઉન્ડમાં ફોગાટે શાનદાર પ્રદર્શન કરતાં બે પોઇન્ટ મેળવ્યા હતા. આ રીતે તેણે ફરીથી બે પોઇન્ટ મેળવીને લીડ મેળવી લીધી હતી. ત્યારબાદ તેણે ૫-૦ની લીડ મેળવી લીધી હતી. અંતિમ ૩૭ સેકન્ડ બાકી હતી ત્યારે તેણે ૫-૦ની લીડ જાળવી રાખી હતી અને અહીંથી વિરોધી ખેલાડીને મેચમાં પરત ફરવું મુશ્કેલ બની ગયું હતું. અંતિમ ૩૦ સેકન્ડમાં ક્યુબાની રેસલરે જોરદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ તે એકપણ પોઇન્ટ મેળવી શકી ન હતી. આમ વિનેશ ફોગાટે એકતરફી મુકાબલામાં શાનદાર વિજય મેળવ્યો હતો. આ પહેલાં વિનેશ ફોગાટે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓકસાના લિવાચને હરાવી હતી. વિનેશે ઓકસાનાને ૭-૫થી રોમાંચક મુકાબલામાં હાર આપી હતી.