- સમાપન સમારોહનું આયોજન ૮૦,૦૦૦ દર્શકોથી ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં કરાયું, આ દરમ્યાન જોરદાર આતશબાજી થઈ • અમેરિકાએ પેરિસમાં સૌથી વધુ ૧૨૬ મેડલ જીત્યા જેમાં ૪૦ ગોલ્ડ, ૪૪ સિલ્વર અને ૪૨ બ્રોન્ઝ મેડલ સામેલ છે • ટોમ ક્રુઝ ૧૬૦ ફૂટથી છલાંગ લગાવી સ્ટેડિયમમાં ઊતર્યો, પેરિસમાં દોડાવી બાઇક
ભારતે કુલ ૬ મેડલ જીત્યા અને ૭૧મા સ્થાને રહ્યું
પેરિસ, તા.૧૨
દિગ્ગજ હોકી ખેલાડી પી.આર. શ્રીજેશ અને સ્ટાર શૂટર મનુ ભાકર ક્લોઝિંગ સેરેમનીમાં ભારતના ધ્વજવાહક હતા. હોકી ટીમે પેરિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. આ તેની અંતિમ ટુર્નામેન્ટ હતી. જ્યારે મનુએ બે બ્રોન્ઝ જીતી ઇતિહાસ સર્જ્યો છે. ભારતે કુલ ૬ મેડલ જીત્યા અને ૭૧મા સ્થાને રહ્યું છે. પ્રખ્યાત હોલિવૂડ એક્ટર ટોમ ક્રુઝે સમાપન સમારોહમાં ખતરનાક સ્ટંટ કરી લોકોના દિલ જીતી લીધા. ૬૨ વર્ષીય ક્રુઝ સ્ટેડિયમની છત પરથી કૂદ્યો. તેણે પોતાની બાઇટ ચાર્ટર્ડ પ્લેનમાં રાખી અને પેરાશૂટ લેન્ડિંગ કરી. રેપર ડોગે લાજવાબ પરફોર્મન્સ કર્યું. એકેડેમી એવોર્ડ વિનર સિંગર બિલી આયલિશ અને મ્યુઝિકલ ગ્રુપ રેડ હોટ ચિલી પેપર્સે પણ સમાપન સમારોહમાં શાનદાર પરફોર્મન્સ કર્યું. ક્લોઝિંગ સેરેમનીનું આયોજન ૮૦,૦૦૦ દર્શકોથી ભરેલા ખીચોખીચ સ્ટેડિયમમાં કરાયું હતું. આ દરમ્યાન જોરદાર આતશબાજી થઈ હતી. સમાપન સમારોહ માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પણ હાજર રહ્યા હતા. તેમની સાથે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી)ના અધ્યક્ષ થોમસ બાક પણ ઉપસ્થિત રહ્યા હતા. આઇઓસી અધ્યક્ષ થોમસ બાકે એન્જલસનાં મેયર કરેન બાસને ઓલિમ્પિક ધ્વજ સોંપ્યો. ઓલિમ્પિકનું આયોજન હવે ૨૦૨૮માં અમેરિકાના લોસ એન્જલસમાં થશે. અમેરિકાએ પેરિસમાં સૌથી વધારે ૧૨૬ મેડલ (૪૦ ગોલ્ડ, ૪૪ સિલ્વર, ૪૨ બ્રોન્ઝ) જીત્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું અભિયાન ૬ મેડલ સાથે સમાપ્ત થયું. નિરાશાની વાત એ છે કે, કોઈ ગોલ્ડ મેડલ મળી શક્યો નહીં. ભારતે એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. સૌથી વધારે ત્રણ મેડલ આ વખતે શૂટિંગમાં મળ્યા છે.