Site icon Gujarat Today

મહાત્મા ગાંધી સાથે જેલમાં જનારા ૧૧૪ વર્ષના સ્વતંત્રતા સેનાનીનું વર્ષ ૨૦૧૫માં કોલકાતામાં અવસાન થયું હતું

આઝાદીના જંગમાં મુસ્લિમોનું યોગદાન

મહાન સ્વતંત્રતા સેનાની સૈયદ મોહમ્મદ શરફુદ્દીન કાદરી, જેમને રિપ્પન સ્ટ્રીટમાં તેમના પડોશમાં પ્રેમથી હકીમ સાહેબ તરીકે ઓળખવામાં આવતા હતા. તેઓ તેમનો ૧૧૪મો જન્મદિવસ ઉજવ્યાના ત્રણ દિવસ પછી અવસાન પામ્યા હતા. તેઓ દાંડી માર્ચમાં મહાત્મા ગાંધી સાથે ગયા હતા અને બાદમાં તેમની સાથે કટકની જેલમાં પણ ઘણા દિવસો વિતાવ્યા હતા. ૨૦૦૭માં, તેમને ભારતમાં બ્રિટિશ શાસન સામેની લડત માટે પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
મધ્ય કોલકાતામાં અબ્દુલ હલીમ લેનમાં યુનાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત યુનાની પ્રેક્ટિશનર કાદરીનો જન્મ ૨૫ ડિસેમ્બર, ૧૯૦૧માં થયો હતો જ્યારે કોલકાતા હજુ પણ દેશની રાજધાની હતી અને મહાત્મા ગાંધી ભારત પાછા ફર્યા ન હતા. તેમના પુત્ર મંઝર સાદિકે કહ્યું કે, મારા પિતાને ગાંધીજી સાથે અંગ્રેજોએ કટકમાં કેદ કર્યા હતા. સવિનય આજ્ઞાભંગની ચળવળ દરમિયાન તેઓ દરેક જગ્યાએ તેમની સાથે હતા.
“ઓક્ટોબરમાં, અબ્બા લખનૌ ગયા હતા જ્યાં તેઓ યુનાની પ્રેક્ટિશનરોની કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ હતા. મુખ્યપ્રધાન અખિલેશ યાદવે તેમને તેમના ઘરે આમંત્રણ આપ્યું હતું,” સાદિક જણાવે છે. કાદરીનો જન્મ ૧૯૦૧માં નાતાલના દિવસે બિહારના નવાદા જિલ્લાના કુમરાવના દૂરના ગામમાં થયો હતો. તેમનો પરિવાર ૧૯૩૦ના દાયકાના મધ્યમાં કલકત્તા ગયો હતો. હકીમજી તેમના દિવસની શરૂઆત ફજર (સવારની નમાઝ) સાથે કરતાં અને ત્યારબાદ હાજી મોહમ્મદ મોહસીન સ્ક્વેર પર તેમની ચેમ્બર, સ્વદેશી દવાખાનાની મુલાકાત લેતા હતા જ્યાં દર્દીઓ પહેલેથી જ તેમની રાહ જોતા હતા અને તેમનો પુત્ર સાદિક કહે છે કે તેઓ દરરોજ ૧૦૦થી વધુ દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરતાં હતા. સાદિક કહે છે કે, યુનાની દવાઓ અંગે તેમનો જુસ્સો હતો અને તેઓ દર્દીની નાડી પકડીને તેમના અનુભવથી જ બીમારીને ઓળખી શકતા હતા. તેઓ વંધ્યત્વની સારવારમાં વિશેષતા ધરાવતા હતા અને તેઓ પોતાનું કામ કર્યા પછી તેમની પરંપરાગત ચાલવાની આદત ક્યારેય ચૂકતા ન હતા. તેઓ સંધિવાથી પીડિત હતા જેના કારણે તેઓ તેમની ફિટનેસનું ખાસ ધ્યાન રાખતા હતા. કાદરીએ બાળકો માટે અનૌપચારિક શાળા શરૂ કરી અને રિપ્પન સ્ટ્રીટમાં પુખ્ત સાક્ષરતા અભિયાન શરૂ કર્યું હતું અને તેઓ આ સંસ્થાના સ્થાપક સભ્ય હતા. કાદરીએ તેમની ફિટનેસ અને દીર્ધાયુષ્ય પાછળનું રહસ્ય તેના મિત્રો સમક્ષ જાહેર કરતા કહ્યું કે, હું દરરોજ બે ગ્લાસ લીમડાનો રસ પીઉં છું. આ ફિટનેસ મંત્ર તેમને તેમના પિતા મોહમ્મદ મોહિબુદ્દીને આપ્યો હતો જેમનું છેક ૧૨૧ વર્ષની વયે અવસાન થયું હતું! આજે પણ રિપ્પન સ્ટ્રીટના શિક્ષક અને રહેવાસી હસનૈન ઈમામ જ્યારે તેઓ કૉલેજમાં હતા ત્યારે તેમણે હકીમ સાહેબ સાથે વિતાવેલા સમયને યાદ કરે છે. તેઓ કહે છે કે તેઓ જ્ઞાનનો એક ભંડાર હતા. રાજકારણથી લઈને સૂફીવાદ સુધી, અમે વિવિધ વિષયોની તેમની સાથે ચર્ચા કરતાં હતા, હવે આજના સમયમાં તેમના જેવા લોકો મળવા મુશ્કેલ છે.

પ્રખ્યાત ધર્મશાસ્ત્રી અને સ્વાતંત્ર્યસેનાની : શૈખુલ હિંદ મૌલાના મહેમુદ હસન

પ્રખ્યાત ધર્મશાસ્ત્રી અને સ્વાતંત્ર્યસેનાની, મૌલાના મહમૂદ હસન, જેઓ શેખહુલ હિંદ (ભારતના નેતા) તરીકે જાણીતા છે. તેમણે ૧૯૨૦માં ઉત્તર ભારતના અલીગઢ ખાતે જામિયા મિલ્લિયા ઈસ્લામિયાનો શિલાન્યાસ કર્યો હતો અને તેમનો જન્મ બરેલી ખાતે ૧૮૫૧માં થયો હતો જ્યાં તેમના પિતા મૌલાના ઝુલ્ફેકાર અલી પણ અરબી ભાષાના જાણીતા વિદ્વાન હતા અને શિક્ષણ વિભાગમાં નોકરી કરતા હતા. તેઓ ઇસ્લામિક વિજ્ઞાનની વિશ્વ વિખ્યાત સંસ્થા, દેવબંદ, દારુલ ઉલૂમના પ્રથમ વિદ્યાર્થી હતા અને આ સંસ્થાના સ્થાપક મૌલાના મોહમ્મદ કાસિમ નાનોતવીના સૌથી પ્રતિષ્ઠિત શિષ્યો પૈકી એક હતા. ૧૮૭૩માં દારુલ ઉલૂમમાંથી સ્નાતક થયા પછી, તેમણે ૧૮૭૪થી ૧૮૯૦માં આચાર્ય તરીકે તેમની નિમણૂક સુધી તે જ સંસ્થામાં શિક્ષક તરીકે સેવા આપી હતી. તે સમયના ઉલેમાઓ અને દારુલ ઉલૂમમાં શિક્ષણ અને વહીવટી કાર્યોમાં તેમની વ્યસ્તતાથી વિપરીત, તેઓ દેશની રાજકીય ઘટનાઓ વિશે પણ સંપૂર્ણ માહિતગાર રહેતા હતા. ૨૦મી સદીનો બીજો દાયકો એ તુર્કી સામ્રાજ્યને ઉથલાવી પાડવા માટે પશ્ચિમી સત્તાઓ વચ્ચેના ગુપ્ત કરારના પરિણામે ઇસ્લામિક વિશ્વ માટે ભારે ચિંતાનો સમય હતો.
આ સમય દરમિયાન, શૈખુલ હિંદે બ્રિટિશ શાસન સામે સશસ્ત્ર ક્રાંતિ શરૂ કરવાની યોજના તૈયાર કરી, જેના માટે તેમણે ભારત અને વિદેશમાં તેમના શિષ્યોમાંથી સ્વયંસેવકોને તાલીમ આપવાનો કાર્યક્રમ શરૂ કર્યો, આ ચળવળમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમાંના સૌથી પ્રખ્યાત મૌલાના ઉબૈદુલ્લા સિંધી અને મૌલાના મોહમ્મદ અને મિયાં મન્સૂર અંસારી પણ હતા. એ સમયે એક એવી સામાન્ય માન્યતા હતી કે શસ્ત્રો વિના સ્વતંત્રતા યુદ્ધ શરૂ કરી શકાતું નથી. તેથી, ભારતની બહારથી સમર્થન મેળવવું જરૂરી હતું. જ્યારે શેખુલ હિંદે મૌલાના ઉબૈદુલ્લા સિંધીને ખાસ મિશન સાથે કાબુલ મોકલ્યા અને મૌલાના મોહમ્મદ મિયાં મન્સૂર અંસારીએ સરહદી વિસ્તારના સ્વતંત્ર આદિવાસીઓને અંગ્રેજ શાસન સામેના યુદ્ધ માટે એકત્ર કરવાનું કામ કર્યું અને તેમણે પોતાની યોજના માટે તુર્કીનો ટેકો મેળવવા માટે ૧૯૧૫માં પોતે હિજાઝની યાત્રા કરી હતી. હિજાઝમાં, તેઓ તુર્કીના ગવર્નર, ગાલિબ પાશાને મળ્યા હતા અને યુદ્ધની ઘોષણા પર તેમની સહી મેળવી હતી. હિજાઝથી તે બગદાદ અને બલુચિસ્તાન થઈને સરહદી વિસ્તારમાં આવવાના હતા પરંતુ તેમની આ યોજના લીક થઈ ગઈ હતી અને મક્કામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને માલ્ટામાં કેદ કરવામાં આવ્યા હતા જ્યાં તે ૧૯૨૦માં તેમની મુક્તિ સુધી ત્રણ વર્ષ સુધી રહ્યા હતા. પોતાના સૈન્ય માટે સ્વયંસેવકોની ભરતી કરવા અને રાષ્ટ્રીય સરકારની સ્થાપના કરવાની યોજનાની રૂપરેખા ધરાવતા શૈખુલ હિંદ અને તેમના સાથીદારો વચ્ચે થયેલા પત્રોની આપ-લે રેશમ પર લખવામાં આવી હોવાથી, તેમના દ્વારા શરૂ કરાયેલ ચળવળને ‘રેશ્મી રૂમાલ તહેરિક’ તરીકે ઓળખવામાં આવે છે. ભારત પરત ફર્યા બાદ શૈખુલ હિંદ ખિલાફત ચળવળમાં જોડાયા અને અંગ્રેજ શાસન સામે અસહકારનો તેમનો પ્રખ્યાત ફતવો બહાર પાડ્યો હતો. તે જ વર્ષે ૧૯૨૦ના ઓક્ટોબરમાં તેમણે અલીગઢ ખાતે જામિયા મિલ્લિયા ઈસ્લામિયાનો શિલાન્યાસ કર્યો હતો અને ૩૦મી નવેમ્બર ૧૯૨૦ના રોજ તેમનું અવસાન થયું હતું.

અસફ અલી : પ્રખ્યાત ભારતીય સ્વતંત્રતાસેનાની અને જાણીતા વકીલ

Govt. House/Oct.49,A22a(I).Pandit Jawaharlal Nehru and others at G.G. ‘s reception held at Government House on September 29,1949, in celebration of Dussehra. At extreme left is Shri Asaf Ali, Governor of Orrisa..

અસફ અલી (૧૧ મે ૧૮૮૮ – ૨ એપ્રિલ ૧૯૫૩) એક પ્રખ્યાત ભારતીય સ્વતંત્રતા સેનાની અને જાણીતા ભારતીય વકીલ હતા. તેઓ અમેરિકામાં પ્રથમ ભારતીય રાજદૂત હતા. તેમણે ઓડિશાના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી હતી. અસફ અલીએ તેમનું શિક્ષણ દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં પૂર્ણ કર્યું હતું. તેમને ઇંગ્લેન્ડમાં લિંકન્સ ઇનમાંથી બારમાં બોલાવવામાં આવ્યા હતા. ૧૯૧૪માં, ઓટ્ટોમન સામ્રાજ્ય પર બ્રિટિશ હુમલાની ભારતીય મુસ્લિમ સમુદાય પર મોટી અસર પડી હતી. અસફ અલીએ તુર્કી પક્ષને ટેકો આપ્યો અને પ્રિવી કાઉન્સિલમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે આને અસહકારના કૃત્ય તરીકે જોયું અને ડિસેમ્બર ૧૯૧૪માં ભારત પરત ફર્યા હતા. ભારત પરત ફર્યા પછી, અસફ અલી રાષ્ટ્રવાદી ચળવળમાં સામેલ થયા હતા. તેઓ ૧૯૩૫માં મુસ્લિમ નેશનાલિસ્ટ પાર્ટીના સભ્ય તરીકે સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી માટે ચૂંટાયા હતા. ત્યારપછી તેઓ કોંગ્રેસના સભ્ય તરીકે નાયબ નેતા તરીકે નિયુક્ત થયા હતા. સ્વતંત્રતા ચળવળ દરમિયાન અસફ અલીએ જેલવાસ ભોગવ્યો હતો. તેમાંથી છેલ્લો સમય ઓગસ્ટ ૧૯૪૨માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા કરવવામાં આવેલા ‘ભારત છોડો’ આંદોલનને પગલે હતો. તેમને જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો સાથે અહમદનગર ફોર્ટ જેલમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. તેઓ ૨ સપ્ટેમ્બર ૧૯૪૬થી જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળની ભારતની વચગાળાની સરકારમાં રેલવે અને પરિવહનનો હવાલો સંભાળતા હતા. તેમણે ફેબ્રુઆરી ૧૯૪૭થી મધ્ય એપ્રિલ ૧૯૪૭ સુધી યુનાઇટેડ સ્ટેટ્‌સમાં પ્રથમ ભારતીય રાજદૂત તરીકે સેવા આપી હતી. અસફ અલી યુનાઇટેડ સ્ટેટ્‌સમાં પ્રથમ ભારતીય રાજદૂત હતા. તેમની બે ટર્મ માટે ઓડિશાના ગવર્નર અને બાદમાં સ્વિટ્‌ઝર્લેન્ડમાં ભારતીય રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી હતી. અલી નવેમ્બર ૧૯૪૫માં રાજદ્રોહના આરોપમાં ભારતીય રાષ્ટ્રીય સૈન્યના અધિકારીઓના સંરક્ષણ માટે કોંગ્રેસ દ્વારા સ્થાપિત ૈંદ્ગછ સંરક્ષણ ટીમના કન્વીનર બન્યા હતા. ભગતસિંહ પર ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭ હેઠળ હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કોંગ્રેસ પાર્ટીના સભ્ય અસફ અલી તેમના વકીલ હતા. ૧૯૨૮માં, તેમણે અરુણા અસફ અલી સાથે લગ્ન કર્યા હતા, આ લગ્ન ધર્મના આધારે વિવાદાસ્પદ બન્યા હતા. (અસફ અલી મુસ્લિમ હતા જ્યારે અરુણા હિન્દુ હતા) અને વય તફાવત (અરુણા તેમનાથી ૨૦ વર્ષ જુનિયર હતી) પણ હતો. ભારત છોડો ચળવળ, ૧૯૪૨ દરમિયાન બોમ્બેના ગોવાલિયા ટાંકી મેદાનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ધ્વજ લહેરાવવા માટે તેણીને વ્યાપકપણે યાદ કરવામાં આવે છે. અરુણા અસફ અલીને તેમના આ કાર્ય માટે ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વિટ્‌ઝર્લૅન્ડમાં ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવતા અસફ અલીનું ૨ એપ્રિલ ૧૯૫૩ના રોજ બર્ન ખાતેના કાર્યાલયમાં અવસાન થયું હતું. ૧૯૮૯માં ઈન્ડિયા પોસ્ટે તેમના સન્માનમાં સ્ટેમ્પ બહાર પાડ્યું હતું.

Exit mobile version