ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો પર હિંદુ રક્ષા દળના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો અને તેમના પર બાંગ્લાદેશી હોવાનો આરોપ લગાવ્યો હતો.
(એજન્સી) તા.૧૦
હિંદુ રક્ષા દળના કાર્યકરોએ ગાઝિયાબાદમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો પર બાંગ્લાદેશી હોવાનો આરોપ લગાવી, તેમને લક્ષ્યાંકિત કરી હિંસક હુમલો કર્યો હતો. અહેવાલ મુજબ, જૂથે તેમને લાકડીઓ વડે માર માર્યો, તેમની ઝૂંપડીઓનો નાશ કર્યો અને તેમના સામાનને આગ લગાવી દીધી હતી. હિંદુ રક્ષા દળ દ્વારા બાંગ્લાદેશમાં હિંદુ પરિવારો પરના અત્યાચારો સામે કાર્યવાહીની માંગણી સાથે ભારત સરકારને ૨૪ કલાકનું ‘અલ્ટિમેટમ’ જારી કર્યા પછી આ હુમલો થયો હતો. બાંગ્લાદેશમાં સ્થિતિ સુધાર ન આવતા, કાર્યકર્તાઓએ ગઈકાલે મામલો પોતાના હાથમાં લીધો હતો. તેઓએ કવિનગરમાં ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને નિશાન બનાવી, ઘણી ઝૂંપડીઓનો નાશ કર્યો અને લોકોને ભગાડી દીધા હતા.
સબ-ઇન્સ્પેક્ટર સંજીવ કુમારના જણાવ્યા અનુસાર, હિંદુ રક્ષા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી, જેને પિંકી ચૌધરી તરીકે પણ ઓળખવામાં આવે છે અને ૧૫-૨૦ અજાણ્યા લોકો વિરુદ્ધ મધુબન બાપુધામ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
એફઆઈઆર મુજબ પોલીસે રહેવાસીઓ બાંગ્લાદેશના નથી તે ખુલાસા કર્યો હોવા છતાં, ચૌધરી અને તેના સહયોગીઓએ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ પર હુમલો કર્યો હતો અને તેમની સંપત્તિનો નાશ કર્યો હતો, પોલીસે જણાવ્યું કે ઝૂંપડીઓમાં રહેતા લોકો ઉત્તરપ્રદેશના શાહજહાંપુરના હતા.
સંજોગવશાત, ચૌધરીએ ૭ ઓગસ્ટના રોજ એક વીડિયો બહાર પાડ્યો હતો, જેમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારો બંધ ન થાય તો ભારતમાં બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ સમાન કાર્યવાહીની ધમકી આપી હતી. તેમણે પરિસ્થિતિ પર વૈશ્વિક મૌનને વખોડ્યું અને જો હિંસા ચાલુ રહેશે તો ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓને નિશાન બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
૮ ઓગસ્ટના રોજ, હિન્દુ રક્ષા દળના કાર્યકરોએ તેમની હિંસા દિલ્હી સુધી લંબાવીને શાસ્ત્રી પાર્કમાં ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ પર હુમલો કર્યો અને તેમના પર બાંગ્લાદેશી હોવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હી પોલીસે આ ઘટનાની નોંધ લીધી છે અને કહ્યું છે કે તેઓ યોગ્ય કાર્યવાહી કરશે.
વધુ તપાસમાં જાણવા મળ્યું કે હિંદુ રક્ષા દળ સાથે સંકળાયેલા દક્ષ ચૌધરીએ ૮ ઓગસ્ટના હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. દક્ષ અગાઉની વિવાદાસ્પદ ક્રિયાઓ માટે જાણીતો છે, જેમાં કન્હૈયા કુમાર સાથે સંકળાયેલી ઘટના અને અયોધ્યાના લોકો વિરૂદ્ધ ભડકાઉ નિવેદનોનો સમાવેશ થાય છે.
ગાઝિયાબાદના શાલીમાર ગાર્ડનમાં હેડક્વાર્ટર ધરાવતા હિન્દુ રક્ષા દળને ભૂતકાળમાં વિવાદોનો સામનો કરવો પડ્યો છે. સંગઠન દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં પણ હિંસાની સમાન ઘટનાઓ સાથે જોડાયેલ છે.