(એજન્સી) તા.૧૮
અર્ધલશ્કરી દળોએ સુદાનના એક ગામ પર હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા ૮૦ લોકો મૃત્યુ પામ્યા. આ હુમલો ત્યારે થયો જ્યારે તેમના પ્રતિનિધિઓ સ્વિટ્ઝર્લેન્ડમાં દેશના ૧૬ મહિનાના ગૃહ યુદ્ધને સમાપ્ત કરવા માટે વાતચીત કરી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે રેપિડ સપોર્ટ ફોર્સને શરૂઆતમાં સેનાર રાજ્યના જલગીનીમાં ગ્રામીણોના પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો. ‘તેઓએ ગોળીબાર કર્યો, ઘરોમાં આગ લગાવી અને ઘણા લોકોને માર્યા,’ એક વ્યક્તિએ જણાવ્યું કે ‘શુક્રવારે, કેટલાક મૃતદેહો હજુ પણ રસ્તા પર વિખરાયેલા હતા.’ જલાગિનીના મેડિકલ સેન્ટરે જણાવ્યું કે ‘ગુરૂવારે અમને હોસ્પિટલમાં ૫૫ મૃત અને ડઝનેક ઘાયલ મળ્યા હતા, અને તેમાંથી ૨૫ શુક્રવારે મૃત્યુ પામ્યા હતા, જેનાથી મૃત્યુઆંક ૮૦ થયો છે.’ અબ્દુલ ફત્તાહ અલ-બુરહાનની આગેવાની હેઠળની સુદાનની નિયમિત સેના અને તેના ભૂતપૂર્વ નાયબ મોહમ્મદ હમદાન દગાલોની આગેવાની હેઠળના અર્ધલશ્કરી દળો વચ્ચેના યુદ્ધમાં લગભગ ૧૫૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા, ૧૦ મિલિયનથી વધુ વિસ્થાપિત થયા અને દેશ દુષ્કાળની આરે આવી ગયો. બંને પક્ષો પર ઇરાદાપૂર્વક નાગરિકોને નિશાન બનાવવા અને માનવતાવાદી સહાયને અવરોધિત કરવા સહિત યુદ્ધ અપરાધોનો આરોપ મૂકવામાં આવ્યો છે. અર્ધલશ્કરી દળના પ્રતિનિધિઓ આ અઠવાડિયે સ્વિટ્ઝર્લેન્ડમાં સઉદી અરેબિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા સહ-આયોજિત શાંતિ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે. સુદાનની સેના અને સરકારે ભાગ લેવાનો ઇનકાર કર્યો છે. યુએસ એમ્બેસેડર ટોમ પેરિલોએ જણાવ્યું કે મંત્રણા થોડી સફળતા મેળવી રહી છે કારણ કે તેઓએ એવા સમયે સુદાન તરફ આંતરરાષ્ટ્રીય ધ્યાન દોર્યું હતું જ્યારે ‘વિશ્વ તેનું ધ્યાન બીજે ફેરવી રહ્યું હતું.’