શામળાજીમાં બસોને અટકાવાઈ, પાટણમાં દલિત સમાજ દ્વારા રસ્તા પર બેસી સૂત્રોચ્ચાર કરાતા ચક્કાજામ
અમદાવાદ,તા.ર૧
તાજેતરમાં સુપ્રીમકોર્ટ દ્વારા એસ.સી.એસ.ટી. અનામતમાં ક્રિમિનીયર લાગુ કરતા આપેલા ચુકાદાનો અનુ.જાતિ જનજાતિ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભ નેશનલ કોન્ફેડેરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન દ્વારા આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને કયાંક જડબેસલાક તો કયાંક મોળો પ્રતિસાદ સાંપડયો હતો. NACDAOR ના આજના બંધના એલાનના પગલે અનુજાતિ, અનુજનજાતિ સમાજના લોકો રાજયભરમાં રોડ પર ઉતરી આવ્યા હતા અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો કર્યા હતા કયાંક રેલી કાઢી વિરોધ કરાયો હતો. અને મામલતદાર, કલેકટર સહિતનાઓને આવેદનપત્રો પાઠવવામાં આવ્યા હતા. આજના બંધના એલાનમાં અમદાવાદ અને પાટણમાં દલિત સમાજ દ્વારા રસ્તાઓ રોકવામાં આવ્યા હતા. તો સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં ટ્રેન રોકાતા રેલવે અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. જયારે શામળાજીમાં બસોને રોકવામાં આવતા મુસાફરો રખડી પડયા હતા. જયારે શામળાજી સજ્જડ બંધ રહ્યું હતું, વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી બંધમાં જોડાયા હતા. રાજસ્થાન જતી રપથી વધુ બસોને બસ સ્ટેન્ડમાં ઉભી કરી દેવાઈ હતી. જયારે ભિલોડાના બજારો પણ સજ્જડ બંધ રાખી વેપારીઓએ સમર્થન આપ્યું હતું. જયારે મોડાસાના વેપારીઓ પણ ધંધા રોજગાર બંધ રાખી બંધના એલાનને સમર્થન આપ્યું હતું. જયારે ડીસામાં દલિત સમાજ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરાયું હતું અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરાયા હતા. રસ્તામાં ટાયરો સળગાવી રસ્તો રોકવાનો પ્રયાસ કરાયો હતો. જયારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના દડાદ અને મંડાલીના બજારો સજ્જડ બંધ રહ્યા હતા જયારે ધોળકામાં ભારત બંધના એલાન સંદર્ભે મેઈન બજાર કલિકુંડ સહિત તમામ બજારો સજ્જડ બંધ રહ્યા હતા. જયારે ડભોઈમાં મોટા ભાગના બજારો બંધ રહ્યા હતા. વેપારીઓએ બંધનું સમર્થન આપ્યું હતું. જયારે બોડેલીના બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતા જયારે સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં દલિત સમાજ દ્વારા રેલી કાઢી આવેદન પાઠવવામાં આવ્યું હતું. ઈડર, ખેડબ્રહ્મા, વડાલીમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. જયારે વડોદરામાં અનુજાતિ, અનુજનજાતિ સમાજ દ્વારા રેલી કાઢી, સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. દરમ્યાન એમ.જી. રોડ પર દુકાનો બંધ કરવા બાબતે ઘર્ષણ સર્જાયું હતું જયારે પાટણના બગવાડા દરવાજા ખાતે દલિત સમાજના લોકોએ રોડ પર બેસી સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કરતા ઉત્તેજના વ્યાપી ગઈ હતી. જેથી પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી હતી. જયારે ધાનેરામાં બજારો સ્વૈચ્છિક બંધ રહ્યા હતા. નડિયાદમાં સમસ્ત અનુ.સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. ઝઘડિયા તાલુકામાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. જયારે રાજપારડીના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. પાલીતાણામાં અનુ.જાતિ સમાજ દ્વારા મૌન રેલી કાઢવામાં આવી છે. જયારે ફતેપુરા તાલુકાના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને બંધને સમર્થન આપ્યું હતું. જયારે ઉના, ગીરગઢડા દલિત સમાજના લોકોએ રેલી કાઢી નાયબ કલેકટર કચેરીઓ પહોંચી આવેદન પાઠવ્યું હતું. મોરબીમાં દલિત સમાજે રેલી કાઢી આવેદન પાઠવ્યું હતું. પ્રાંતિજમાં એસસી-એસટી સમાજ દ્વારા વેપારીઓને ગુલાબનું ફુલ આપી બજાર બંધ કરવા અપીલ કરી હતી. નગરના ભાખરિયા બસ સ્ટેન્ડ પાસે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી અનુજાતિ-જનજાતિ સમાજના લોકો દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. વડોદરામાં દલિત સમાજના અગ્રણીઓએ વહીવટી તંત્રને આવેદન પાઠવ્યું હતું. વલસાડના કપરાડા તાલુકામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. વલસાડ શહેર, પારડી, વાપી અને ઉમરગામમાં મોટા ભાગની દુકાનો ખુલ્લી રહી હતી. દાહોદના લીમડીના વેપારીઓએ બંધને સમર્થન આપ્યું હતું. દાહોદના બજારો બંધ રહ્યા હતા. થરાદમાં એચસી-એસટી સમુદાયે નાયબ કલેકટરને આવેદન આપ્યું હતું. ભાવનગરના જશોનાની ચોક ખાતે આવેલ આંબેડકરની પ્રતિમા પાસે દલિત સમાજના લોકોએ ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરતના ઉમરપાડામાં બંધને સંપૂર્ણ પ્રતિસાદ સાંપડયો હતો. સુરત ગ્રામ્યના માંગરોળના નરસાડી અને કોસંબામાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. નર્મદા જિલ્લાના સાગબારા, દેેડિયાપાડા તાલુકો સંપુર્ણ બંધ રહ્યો હતો. વ્યારા-સોનગઢ તાલુકામાં સંપૂર્ણ પ્રતિસાદ સાંપડયો હતો. રાજુલામાં દલિત સમાજના લોકોએ આવેદન પાઠવ્યું હતું. નવસારી જિલ્લામાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો.
અમદાવાદના ચાંદખેડા, નરોડા, અમરાઈવાડી જેવા દલિત બહુલ વિસ્તારો જડબેસલાક બંધ
આગામી રપમી ઓગસ્ટે દાણીલીમડા વિસ્તારમાં દલિતોનું મહાસંમેલન યોજાશે
અમદાવાદ,તા.ર૧
સુપ્રીમકોર્ટ દ્વારા એસ.સી.-એસ.ટી. અનામતમાં પેટા વર્ગીકરણ કરવાના ચુકાદા સામે દલિત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આજરોજ આપવામાં આવ્યું હતું. જેમાં રાજયમાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. જયારે અમદાવાદના ચાંદખેડા, નરોડા, અમરાઈવાડી જેવા દલિત બહુલ વિસ્તારો જડબેસલાક બંધ રહ્યા હતા. જયાં સુધી સંવિધાનની નવમી સૂચિમાં અનામત યાદીને મુકવામાં નહી આવે કે જેથી સર્વોચ્ચ અદાલત તેમાં હસ્તક્ષેપ કરીના શકે. જયાં સુધી લડત ચાલુ રહેશે. એવું જણાવતા સમિતિના અગ્રણી રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે આગામી રપમી ઓગસ્ટ રવિવારના રોજ શહેરના દાણીલીમડા વિસ્તારમાં મહાસંમેલન યોજવામાં આવશે.