
ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે
ઈતિહાસનું અધ્યયન કરવાથી જાણવા મળે છે કે સમાજમાં મહિલાઓના અધિકારોને પ્રત્યેક ધર્મ, ક્ષેત્ર તથા યુગમાં વર્ણિત કરવામાં આવ્યા છે. આ વિષય આ કારણે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહ્યો છે કે મહિલાઓનું સામાજિક સ્તર અને અધિકારોના સંબંધમાં લોકોના વિચારોમાં ખૂબ જ ભિન્નતા જોવામાં આવે છે. કયાંક મહિલાઓને ઈશ્વરીય સ્તર પ્રદાન રહીને તેઓની દેવીઓના રૂપમાં પૂજા કરવામાં આવી અને કયાંક તેમના સ્તરને એટલું નિમ્ન લઈ જવામાં આવ્યું કે તે મનુષ્ય પણ બાકી ન રહી, ત્યાં સુધી કે દુઃખની સાથે કહેવું પડે છે કે તેઓને પશુઓની સમાન તથા શૈતાનની સમકક્ષ ગણવામાં આવી, કેટલાક લોકોએ મનુષ્યની પ્રત્યેક ભૂલનું ઉત્તરદાયી મહિલાઓને ગણાવી અને તેમને જન્મજાત પાપી બતાવી દેવામાં આવી. અંતિમ પયગમ્બર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) સાહેબ દ્વારા ઈસ્લામના પુનઃજાગરણની સાથે મહિલાઓને સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ અને તેઓના અધિકારોનું નિર્ધારણ થયું. ઈસ્લામે સૌ પ્રથમ આ ઘોષણા કરી કે મનુષ્ય અલ્લાહ દ્વારા નિર્મિત સંસારની સર્વોચ્ચ કૃતિ છે તથા આ પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું કે અલ્લાહે મનુષ્યને એક પુરૂષ અને સ્ત્રીથી પેદા કર્યા છે. આનાથી આ વાત સ્પષ્ટ કરી દેવામાં આવી કે પુરૂષ અને સ્ત્રી પોતાની ઉત્પત્તિની દૃષ્ટિએ સમાન છે અને આ બંનેમાંથી લિંગના આધારે કોઈપણ એકબીજાની ઉપર શ્રેષ્ઠતા ધરાવતા નથી. ઈસ્લામે સ્ત્રીને એક માનવીય વ્યક્તિત્વ હોવાને નાતે તથા તેની આવશ્યકતાઓની પૂર્તિ કરવા માટે તેને તે તમામ વસ્તુઓ અને અધિકાર પ્રદાન કર્યા છે જે તેણે એક પુરૂષને આપ્યા છે. આ સંદર્ભમાં સ્ત્રી અને પુરૂષની વચ્ચે લિંગના આધારે કોઈ ભેદ કરવામાં આવ્યો નથી. ઈસ્લામી શિક્ષણાનુસાર સ્ત્રીઓનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે, તેઓને મૌલિકતા જાળવી રાખવા, આધ્યાત્મિક જીવન જીવવા, વ્યાવસાયિક યોગ્યતા અને શિક્ષણ પ્રાપ્ત કરવા તથા પોતાના પરલોકને ઉત્કૃષ્ટતા પ્રદાન કરવા માટે અલ્લાહની ઈબાદત કરવાનો સંપૂર્ણપણે અધિકાર છે. ઈસ્લામી શિક્ષાઓથી આ વાત પણ સ્પષ્ટ થાય છે કે જે રીતે પુરૂષ એક સ્વતંત્ર વ્યક્તિ અને સંપૂર્ણ અસ્તિત્વ ધરાવે છે તેવી જ રીતે મહિલાઓ પણ પોતાનું એક સ્વતંત્ર અસ્તિત્વ અને સંપૂર્ણ અસ્તિત્વ ધરાવે છે. સ્ત્રીનું અસ્તિત્વ કોઈ બીજાના અસ્તિત્વના ઓછાયા હેઠળ રહેતું નથી અને ન તો તે કોઈ અન્ય વ્યક્તિને આધિન છે. પુણ્ય અને સત્કર્મોનો બદલો ઈસ્લામે પ્રત્યેક મનુષ્ય માટે સમાન રાખ્યો છે. આમાં કોઈ લિંગીય ભેદ નથી. આ જ કારણે ઉંમરલાયક હોવાની સ્થિતિમાં ઈસ્લામી ઈબાદતો સ્ત્રીઓ પર પણ એ જ પ્રકારે અનિવાર્ય છે જે રીતે પુરૂષો પર. ઈસ્લામે હલાલ અને કાયદેસર રીતે નાણાં રળવા (રોજી કમાવવા)નો દ્વાર પુરૂષ અને સ્ત્રી બંને માટે ખુલ્લો રાખ્યો છે અને આ પણ સ્પષ્ટ કરી દીધું કે સ્ત્રીની કમાયેલી રકમ ઉપર માત્ર તેનો જ અધિકાર છે. આ અધિકાર તેને લગ્ન પહેલા પણ પ્રાપ્ત છે તથા ત્યારબાદ પણ તેને આ અધિકાર પ્રાપ્ત છે. આ જ રીતે ઈસ્લામે સ્ત્રીને પૈતૃક સંપત્તિનો પણ અધિકાર આપ્યો છે. ઈસ્લામી શિક્ષાઓ દ્વારા આ વાત સરળતાની સાથે સમજી શકાય છે કે ઈસ્લામે સ્ત્રીને અધ્યાત્મ શિક્ષણ, અધ્યાપન, ધનોપાર્જન તથા પ્રત્યેક રીતે ધાર્મિક, સામાજિક, આર્થિક અને રાજનીતિક અધિકાર પ્રદાન કર્યા છે અને આમાં કોઈપણ પ્રકારનો કોઈપણ જાતનો લિંગીક ભેદભાવ રાખ્યો નથી.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)