(એજન્સી) બિજનૌર, તા.૨૬
બિજનૌરની વિશેષ એસસી/એસટી કોર્ટે મંદવારના સાદકપુરમાં જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ૨૦ વર્ષના દલિત વ્યક્તિ વિવેકકુમારની હત્યા કરવા બદલ ત્રણ પુરૂષો, સાહબસિંહ, કુલદીપસિંહ અને સંદીપસિંહને આજીવન કેદની સજા અને કુલ ૩.૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
સ્પેશિયલ પ્રોસિક્યુશન ઓફિસર શલભ શર્માએ શનિવારના રોજ જણાવ્યું હતું કે, આ ઘટના ત્યારે બની જ્યારે વિવેકકુમાર ઈલેક્ટ્રીકલ વાયરને ઠીક કરવા માટે તેના ઘરની છત પર હતો. તે ક્ષણે તે જ ગામના ત્રણ આરોપીઓએ (૨૫થી ૩૦ વર્ષની વય વચ્ચે) જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને જૂની અદાવતને કારણે તેની હત્યા કરવાના ઇરાદે તેના પર ગોળીબાર કર્યો હતો. એક ગોળી કુમારની જમણી આંખમાં વાગી હતી. તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને પછીથી તેને મેરઠ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેણે રસ્તામાં જ દમ તોડી દીધો હતો.
કુમારના પિતા હુકુમસિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ બાદ મંદવાર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો અને સાહબની કબૂલાતના આધારે ગુનામાં વપરાયેલ હથિયાર રિકવર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસ અને સાક્ષીઓના નિવેદનો પછી શુક્રવારના રોજ ન્યાયાધીશ અવધેશકુમારની અધ્યક્ષતાવાળી વિશેષ એસસી/એસટી કોર્ટે આરોપીઓને હત્યા માટે દોષિત ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારી. જામીન પર બહાર આવેલા આરોપીઓને શનિવારે પરત જેલમાં મોકલી દેવાયા હતા. સત્તાવાર રેકોર્ડ મુજબ સાહબ જિલ્લાના ટોચના ૧૦ ગુનેગારોમાં સૂચિબદ્ધ છે અને તેની સામે હત્યાનો પ્રયાસ અને એસસી/એસટી એક્ટ, ગુંડા એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેની સામે નોંધાયેલા ઘણા ગંભીર કેસ છે.