(એજન્સી) તા.૨૭
ઇઝરાયેલના દક્ષિણપંથી રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ટામર બેન ગ્વિરે જણાવ્યું છે કે જો તેમની પાસે રસ્તો હશે તો તેઓ પૂર્વ જેરૂસલેમમાં અલ-આક્સા મસ્જિદ સંકુલમાં સિનાગોગ બનાવશે. લાંબા સમયથી ચાલતા આંતરરાષ્ટ્રીય કરાર હેઠળ યહૂદીઓને સ્થળ પર પ્રાર્થના કરવાની મંજૂરી નથી. બેન ગ્વિરે સોમવારે સવારે ઇઝરાયેલના આર્મી રેડિયોને જણાવ્યું કે, ‘જો હું જે ઇચ્છું તે કરી શકું, તો ટેમ્પલ માઉન્ટ પર એક સિનાગોગ પણ સ્થાપિત કરવામાં આવશે.’ યહૂદી પરંપરા અલ-અક્સા સ્થળને ટેમ્પલ માઉન્ટ તરીકે દર્શાવે છે. ‘જો હું કહું કે મુસલમાનોને નમાજ પઢવાની છૂટ નથી, તો તમે મને મારી નાખશો.’ બેન ગ્વિરે જણાવ્યું કે તે જેરૂસલેમના જૂના શહેરમાં મુખ્ય યહૂદી સ્થળ, પશ્ચિમી દિવાલ પર જાનમાઝ લાવવાથી મુસ્લિમને રોકશે નહીં. બેન ગ્વિરે જણાવ્યું કે, ‘બિલકુલ નહીં. દરેક જણ કહેશે કે તે જાતિવાદ છે, પરંતુ મુસ્લિમો પશ્ચિમી દિવાલની પવિત્રતાને ઓળખતા નથી.’ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું કે અલ-અક્સામાં યથાસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. અલ-અક્સા મસ્જિદએ એક ઇસ્લામિક સ્થળ છે જ્યાં દાયકાઓ જૂના આંતરરાષ્ટ્રીય કરારો હેઠળ બિન-મુસ્લિમો દ્વારા બિનઆમંત્રિત મુલાકાતો, પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓ પર પ્રતિબંધ છે. ઇઝરાયેલી સમૂહે લાંબા સમયથી આ સ્થળ પર દરોડા પાડવા અને પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ કરવા માટે સત્તાવાળાઓ સાથે સંકલન કરીને આ નાજુક વ્યવસ્થાનું ઉલ્લંઘન કર્યું છે. બેન ગ્વીર અને અન્ય ઘણા દક્ષિણપંથી રાજકારણીઓ અને ઇઝરાયેલી સરકારના સભ્યો વારંવાર અલ-અક્સા પરના દરોડાઓમાં શામેલ થયા છે. પેલેસ્ટીનીને ભય છે કે આ ઇઝરાયેલી અતિક્રમણ મસ્જિદને મુસ્લિમો અને યહૂદીઓ વચ્ચે વિભાજિત કરવા માટે પાયો નાખે છે, જેમ કે હેબ્રોનમાં ઇબ્રાહિમી મસ્જિદ ૧૯૯૦ના દાયકામાં વિભાજિત કરવામાં આવી હતી.