દક્ષિણ તુબાસ વિસ્તારના ફારા રેફ્યુજી કેમ્પ પર હુમલો કર્યા પછી અને ચાર પેલેસ્ટીની વિસ્થાપિત નાગરિકોની હત્યા કર્યા બાદ ઇઝરાયેલી આર્મી પરત ફરી
(એજન્સી) તા.૩૦
વેસ્ટ બેંક વિસ્તારમાં ગાઝપટ્ટીની જેમ લોહીની હોળી ખેલ્યા બાદ ઇઝરાયેલની આર્મી પશ્ચિમ બેંકના તુબાસ વિસ્તારમાંથી પાછી હટી ગઈ છે તેવું જાહેર કરવામાં આવ્યું છે. પેલેસ્ટીની સૂત્રોએ જણાવ્યું હતું કે વેસ્ટ બેંકમાં ૩૦ કલાકની લશ્કરી કાર્યવાહી બાદ ઇઝરાયેલી લશ્કર પાછું હટી ગયું હતું. દક્ષિણ તુબાસના ફારા રેફ્યુજી કેમ્પ ઉપર આર્મીએ હુમલો કર્યો હતો અને ચાર પેલેસ્ટીની નાગરિકોની હત્યા કરી હતી. મકાનો નાશ કર્યા હતા અને અન્ય ચીજ વસ્તુઓને પણ તોડી પાડી હતી તેમ શિનુઆ સમાચાર સંસ્થા જણાવે છે.
પેલેસ્ટીન મોનેટરી ઓથોરિટી દ્વારા એક નિવેદનમાં જાહેર કરવામાં આવ્યું હતું કે જેનીન શહેરની કેટલીક બેંક શાખાઓની તમામ કાર્યવાહી અને બેંક સેવાઓ અટકી પડી છે કેમકે ઇઝરાયેલના લશ્કરે બેંકની અંદરના તમામ ઇન્ટરનેટ કેબલનો નાશ કરી નાખ્યો હતો. હવે નવા ફાઇબર કેબલ લગાડવામાં આવ્યા બાદ અને રીપેરીંગ કરવામાં આવ્યા બાદ ઇન્ટરનેટ સેવા શરૂ થશે અને એ પછી જ બેંકની શાખાઓની કામગીરી શરૂ થઈ શકશે. બુધવારથી ઇઝરાયેલના લશ્કરે વેસ્ટ બેંકના તુલ્કાર્મ તેમજ જેનીન અને તુબાસ જેવા શહેરોમાં લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી અને ૩૦ કલાક સુધી ઇઝરાયેલના લશ્કરે આતંક મચાવ્યો હતો જેના કારણે ચાર નાગરિકો માર્યા ગયા હતા અને મિલકતોને પારાવાર નુકસાન થયું હતું. રેફ્યુજી કેમ્પ ઉપર પણ આર્મીએ હુમલો કર્યો હતો. ઇઝરાયેલ સામેની કામગીરીમાં સંડોવાયા હોવાનો આરોપ મૂકીને કેટલાક વોન્ટેડ લોકોની ધરપકડ કરવા માટે રેફ્યુજી કેમ્પ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.