(એજન્સી) તા.૧
સાક્ષીઓ અને સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇઝરાયેલી દળોએ આજે કબજાવાળા વેસ્ટ બેંકના હેબ્રોન શહેર પર હુમલો કર્યો, ઇબ્રાહિમી મસ્જિદ બંધ કરી અને મુસ્લિમ નમાઝીઓને પ્રવેશતા અટકાવ્યા. પ્રત્યક્ષદર્શીઓએ અહેવાલ આપ્યો છે કે૪ ઇઝરાયેલી દળોએ વાડી અલ-હરિયા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને ઘણા ઘરોની તલાશી લીધી હતી. તેમણે જણાવ્યું કે, આ હુમલામાં જબલ અબુ રૂમ્માન વિસ્તારને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો, જ્યાં સૈનિકો અને સ્નાઈપર્સ રહેણાંક ઈમારતોની છત પર પોઝિશન લેતા જોવા મળ્યા હતા. ઇબ્રાહિમી મસ્જિદના ડિરેક્ટર શેખ મુતાઝ અબુ સ્નીનાએ જણાવ્યું કે, પૂર્વ સૂચના વિના મસ્જિદ વહેલી પરોઢે બંધ કરી દેવામાં આવી હતી, જો કે, યહૂદીઓને મુસ્લિમ પવિત્ર સ્થળમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. અબુ સ્નીનાએ જણાવ્યું કે, ‘કબજાવાળા દળોએ સવારે ૪ઃ૦૦ વાગ્યે કોઈ ચેતવણી આપ્યા વિના મસ્જિદ બંધ કરી દીધી, પૂજા કરનારાઓને અંદર જતા અટકાવ્યા.’ ઇઝરાયેલી સૈન્યએ તેના એકાઉન્ટ પર એક નિવેદનમાં મસ્જિદને બંધ કરવાનું સમર્થન કર્યું, તેણે ગેરકાયદે ગુશ એટિ્ઝ્યન સેટલમેન્ટ બ્લોકમાં શુક્રવારે મોડી રાત્રે ‘તોડફોડ ઝુંબેશ’ પછી સુરક્ષાની ચિંતાઓને ટાંકી હતી અને કરમેઈ ઝુર સેટલમેન્ટને કારણે પેલેસ્ટીની નમાઝીઓ માટે સઘન દેખરેખ અને સુરક્ષા તપાસ કરવામાં આવી હતી. સૈન્યએ જણાવ્યું કે, મસ્જિદ થોડા સમય માટે ‘સુરક્ષા કારણોસર’ બંધ કરવામાં આવી હતી અને બાદમાં કડક સુરક્ષા પગલાં હેઠળ ફરીથી ખોલવામાં આવી હતી.
મસ્જિદ પર દરોડો અને બંધ કરવાની ઘટના દક્ષિણ વેસ્ટ બેંકના ગુશ એટિ્ઝ્યન જંક્શન પર કાર બોમ્બ વિસ્ફોટમાં બ્રિગેડ કમાન્ડર સહિત ત્રણ ઇઝરાયેલી અધિકારીઓ ઘાયલ થયાના થોડા કલાકો પછી આવી. વિસ્ફોટ નજીકના કરમેઈ ઝુર વસાહત પરના હુમલા સાથે થયો હતો.
ગાઝા પટ્ટી પર ચાલી રહેલા ઇઝરાયેલના આક્રમણ વચ્ચે કબજાવાળા વેસ્ટ બેંકમાં તણાવ વધારે છે, જેમાં ગયા વર્ષે ૭ ઓકટોબરથી ૪૦,૬૦૦થી વધુ પેલેસ્ટીનીઓ, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા, મૃત્યુ પામ્યા છે. પેલેસ્ટીની સ્ત્રોતો અનુસાર આ જ સમયગાળા દરમિયાન વેસ્ટ બેંકમાં ઓછામાં ઓછા ૬૭૪ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા છે, આશરે ૫૪૦૦ ઘાયલ થયા છે અને ૧૦,૩૦૦થી વધુની ધરપકડ કરવામાં આવી છે. પરિસ્થિતિ સતત બગડવાની સાથે ઇઝરાયેલે કબજાવાળા વેસ્ટ બેંકમાં ૨૦ વર્ષમાં તેનું સૌથી મોટું આક્રમણ શરૂ કર્યું છે.