(એજન્સી) નવી દિલ્હી, તા.૩
ઉત્તર પ્રદેશના રાયબરેલીના નસીરાબાદ વિસ્તારમાં તાજેતરમાં એક દલિત યુવકની હત્યામાં બેદરકારી બદલ સ્ટેશન ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. શનિવારના દિવસે પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પોલીસ અધિક્ષક અભિષેક અગ્રવાલે નસીરાબાદ સ્ટેશનના ઈન્ચાર્જ જિતેન્દ્ર મોહન સરોજને ગઈ કાલે રાત્રે દલિત હત્યા કેસમાં બેદરકારીના આરોપસર સસ્પેન્ડ કરી દીધા હતા. નોંધનીય છે કે કેટલાંક ઠાકુરો અને અન્ય સમુદાયના લોકો પર નસીરાબાદ વિસ્તારના પિચાવરિયા ગામમાં દલિત વ્યક્તિ અર્જુન સરોજની હત્યા કરવાનો આરોપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી દલિત યુવકના ભાઈ જે વાળંદનું કામ કરે છે તેમની વચ્ચે થોડો વિવાદ થયો હતો. જે બાદ દલિત અર્જુન સરોજની હત્યા કરવામાં આવી હતી. જાણિતા અને અજાણ્યા આરોપીઓની ધરપકડને લઈને તમામ વિરોધ પક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, તાજેતરમાં રાયબરેલીના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ પીડિત દલિત પરિવારને મળ્યા હતા અને તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર પણ લખ્યો હતો. આ તમામ ઘટનાક્રમ બાદ મોડી રાત્રે રાયબરેલીના પોલીસ અધિક્ષક અભિષેક અગ્રવાલે નસીરાબાદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ જિતેન્દ્ર મોહન સરોજને સસ્પેન્ડ કરી દીધા છે અને તેમની જગ્યાએ ભદોખર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ શિવકાંત પાંડેને નસીરાબાદમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.